વિશ્લેષણ / રોગચાળા સામે બેહાલ પ્રજા CM બદલવા માત્રથી તેમના દર્દને ભૂલી શકશે ? 

ભુપેન્દ્રભાઈ એક સીધા સાદા અને સરળ સ્વભાવના માણસ છે બને કે કોરોના બાદ આપત્તિ માં મુકાયેલ ગુજરાત માટે તેઓ એક સારા સીએમ સાબિત થાય.

ગુજરાતમાં અચાનક બદલાઈ જતા મોસમની જેમ રાતોરાત મુખ્યમંત્રી બદલાઈ ચુક્યા છે. અને તેમાં પણ એક તેવો ચહેરો લોકો અને ઇવન ધારાસભ્યો સમક્ષ છતો કરવામાં આવે છે કે, જે કલ્પના બહાર છે. અહીં ભુપેન્દ્રભાઈ પટેલ સામે કોઈ વાંધો નથી. પરંતુ તે બાબત અવશ્ય ખૂંચી રહી છે કે, આ તદ્દન ચૂંટણીલક્ષી કવાયત અગર પટેલ સમાજને ખુશ કરવાના ઈરાદાથી જ કરવામાં આવી છે તો અહીં સવાલ તે છે કે, શું પટેલો તેમના દુઃખો, સમસ્યાઓ અને તકલીફો આ નિર્ણય બાદ ભૂલી ફરી ભાજપ તરફ વળવાના ? શું લોકોની સ્મૃતિ આટલી ટૂંકી હોય છે? શું આ કવાયતમાં ચૂંટણી ક્યાંક આસપાસમાં હોવાની બૂ નથી આવી રહી ?

શું વિકસતા જતા સમાજ અને એજ્યુકેટેડ લોકોમાં પણ આજે જાતિવાદ ચરમ સીમા પર છે? અને આજ ની સ્થિતિમાં પણ ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં ફક્ત જાતિવાદનું કાર્ડ ઉતારવાથી જે તે સમાજને ખુશ કરી શકાય છે? પટેલોએ આ પહેલું વિચારવાનું છે.. કેમ કે, આ નિર્ણય બહુ સ્પષ્ટપણે ચૂંટણીલક્ષી જ હોય તેમ જણાય છે. ભુપેન્દ્રભાઈ એક સીધા સાદા અને સરળ સ્વભાવના માણસ છે બને કે કોરોના બાદ આપત્તિ માં મુકાયેલ ગુજરાત માટે તેઓ એક સારા સીએમ સાબિત થાય.

Bhupendra Patel
Bhupendra Patel Gujarat CM

પરંતુ અહીં મુદ્દો છે કે, જાતિવાદ , ધર્મવાદ , સંપ્રદાયવાદ આ બધા જ વાડા દેશના વિકાસમાં રોડા નાખતા રહે છે. આપસી મતભેદોથી લઇ અનામત અને સાંપ્રદાયિક વૈમનસ્યનું કારણ પણ આ વાડા ઓ જ છે. તેમછતાં ફક્ત ચૂંટણીલક્ષી ગણિતના કારણોસર જ કેમ આ કાર્ડ ખેલવામાં આવે છે. પબ્લિકની લાગણીઓને કેમ બહેકાવવામાં આવે છે? શા માટે રાજકીય પદો માટે કોઈ સ્ટાન્ડર્ડ્સ નથી હોતા? શું દેશમાં એકપણ પાર્ટીને દેશના સાચા વિકાસમાં કે લોકોની માનસિકતામાંથી આ બાબત દૂર કરવામાં કેમ રસ નથી? યાદ રહેકે, જાતિવાદ તે પરિબળ છે કે, જે હંમેશા અલગ ચોકા રચી પોતાના જ સમાજનું ભલું કરવું તે માનસિકતાને પ્રોત્સાહન આપે છે.

અન્યથા રાજકીય મેદાનમાં તે નેતાગીરી જ ઉત્કૃષ્ટ ગણાય કે જે, સમાજના તમામ તબક્કાને ધ્યાનમાં લઈને ચાલે. સર્વાંગી વિકાસને અને લોકોની સુખાકારીને જ ધ્યાન આપે. પરંતુ આપણે નસીબે આજે દેશમાં સરદાર જેવા સાચા નેતા સમ ખાવા પણ અવેલેબલ નથી કે, જે ચૂંટણી કે ગાદી ને મહત્વ આપવાને બદલે તેમની મુત્સદીગીરીનો ઉપયોગ દેશની એકતા અને અખંડિતા માટે જ કરે.. માં ભોમે કદાચ આપણા પાપોને કારણે આવા વીરલાઓ ને પેદા કરવાનું જ બંધ કરી દીધું છે. બાકી આજે દેશ સરદાર પટેલ ને કોઈ જ્ઞાતિના લેબલ લગાવ્યા વિના ફક્ત સરદાર તરીકે જ ઓળખવું વધારે પસંદ કરે છે.

કોઈપણ પ્રકારની સત્તાનો મોહ રાખ્યા વિના સરદારે દેશને જે અખંડ હિન્દુસ્તાન આપ્યું છે તે માટે સરદાર તમને આજેપણ સલામ છે.. બાકી આજે કોરોના અને રોગચાળાથી ત્રસ્ત દેશવાસીઓની પીડાનો અહેસાસ આવા પગલાંઓ સામે દિલમાં ઘા ઝીંકી જાય છે. નિરાશા જ સાંપડે છે.દેશમાં આજે સૌથી મોટો કોઈ પડકાર હોય તો તે છે કે, લોકોને રોગચાળામાં થી રાહત આપવી અને બીજું રોજગારીનું સર્જન કરવું. કેમ કે, વિકાસની વ્યાખ્યામાં સર્વપ્રથમ જાન -માલનું રક્ષણ અને પૂરતો પોષણક્ષમ ખોરાક આવે. ત્યાં સુધી બધું જ બીજા ક્રમે આવે. રોડ, રસ્તા, સડક, પાણી જેવી બાબતો પણ ત્યારબાદના ક્રમમાં આવે.

તેવામા આ નકરી ચૂંટણીલક્ષી હરકતો જોઈ સમગ્ર દેશભરમાં ગણગણાટ થાય તે સ્વાભાવિક છે. બાકી, દેશે આપનામાં એક ઐતિહાસિક પુરુષના દર્શન ક્યારેક કર્યા છે. પરંતુ આ તદ્દન ચૂંટણીલક્ષી બાબતો તે પાર્ટીની ઈમેજ જ બગાડે. જાતિવાદને ખતમ કરી જિસમેં જીતના હૈ દમ. તે ગણિતના હિસાબે દેશને નેતાગીરી સોપડવી જોઈએ.

અને છેલ્લે ભુપેન્દ્રભાઈ એ પણ તેમની જાતની પરીક્ષા આપવી પડે તેટલા સવાલો અને સમસ્યાઓ સામે તેમની જાતને સાબિત કરવાની છે. અને વળી ભાજપને ગઈ ચૂંટણીમાં ઓલરેડી એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટર નડી ચૂક્યું છે. માંડ 98 જેટલી સીટો મળી હતી. તો વખતે તો કોરોના થી ત્રસ્ત પ્રજાના ઘા પર મોંઘવારી, બેરોજગારી, મંદી અને હાલ માથું ઉંચકી ગયેલ ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાનો બેવડો માર છે. ત્યારે આ થાકેલી, હારેલી, કંટાળેલી અને નિરાશ પ્રજાના ઘા પર સી.એમ બદલવાની પ્રક્રિયા મલમ લગાવવાનું કામ કરશે? કે લોકો તેમના ઘા યાદ રાખશે ? તે તો સમય જ કહેશે.

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક 

હવામાન / રાજકોટના લોધિકામાં આભ ફાટ્યું, 12 કલાકમાં 21 ઇંચ વરસાદ


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment