મહારાષ્ટ્રના રાજકીય નાટક પર સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત થયુ છે. ઉધ્ધવ સરકારના કદ્દાવર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના ધારાસભ્યો લઇને સુરત હોટલમાં ડેરો નાખીને બેઠા હતા. હાલમાં તેઓ ધારાસભ્યોને લઇને આસામની રાજધાની ગુવાહાટીમાં છે. તેથી, દેશની રાજનિતિમાં હોટલ અને રિસોર્ટ પોલીટીક્સની ચર્ચાએ જોર પકડ્યુ છે. ધારાસભ્યોને હોટલ અને રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ ભારતની રાજનિતિમાં અનેકવાર બની છે. જ્યારે ચુંટણીમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળે ત્યારે રિસોર્ટ અને હોટલ પોલીક્સ શરૂ થાય છે. દરેક મોટું રાજકીય દળ સરકાર રચવા માટે અપક્ષ અને નાના પક્ષોના ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. તેથી, નાના પક્ષો પોતાના ધારાસભ્યોને સાચવવા અન્ય રાજ્યમાં ખસેડે છે. રાજ્યસભા અને વિધાન પરિષદની ચુંટણીમાં પણ મોટાયાપે હોર્સ ટ્રેડીંગ થાય છે. પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રોડીંગ અને ક્રોસ વોટીંગથી બચાવવા પક્ષો તેમને સલામત જગ્યાએ ખસેડે છે. પંચવટી કાંડ.
રિસોર્ટ પોલીટીક્સમાં ગુજરાતનો ઇતિહાસ જૂનો
ધારાસભ્યોને પોતાની તરફ ખેંચીને સરકાર તોડાવાનો ગુજરાતનો ઇતિહાસ જુનો છે. ધારાસભ્યોને એક સ્થળે એકત્ર કરીને સરકાર ઉથલાવવાના બનાવો ગુજરાતના રાજકારણમાં અનેકવાર બન્યા છે. ગુજરાતમાં શંકરસિંહનુ ખજુરાહો કાંડ અને ચીમનભાઇ પટેલનુ પંચવટી કાંડ મશહુર છે.
પંચવટી ફર્મમાં ધારાસભ્યોને એકત્ર કરી ચીમનભાઇએ ઘનશ્યામ ઓઝા સરકાર ઉથલાવી હતી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે સમર્થક ધારાસભ્યોને એક સ્થળે એકત્ર કરીને ઘનશ્યામ ઓઝાની સરકાર ઉથલાવી હતી. સમગ્ર ઘટનાની વિગત અનુસાર મૂળ ભાવનગરના અને સ્વતંત્ર સેનાની ઘનશ્યામ ઓઝા ગુજરાતના ચોથા મુખ્યમંત્રી તરીકે બીરાજમાન થયા હતાં. ઇ.સ.1971 માં તા.16 ડિસેમ્બરના રોજ ભારતે પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. યુધ્ધ પહેલા યોજાયેલી લોકસભા ચુંટણમાં ગરીબી હટાવોના નારા સાથે ઇન્દીરા ગાંધીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. યુધ્ધના ત્રણ માસ બાદ ગુજરાત વિધાનસભા ચુંટણી યોજાઇ હતી. ચુંટણીમાં ઇન્દીરા ગાંધીની કોંગ્રેસ-આર (કોંગ્રેસ રૂલીંગ)ને ભવ્ય સફળતા મળી હતી. કુલ 168 બેઠકો પૈકી ઇન્દીરા ગાંધીની કોંગ્રેસ-આરને 140, મોરારજી દેસાઇની કોંગ્રેસ-ઓ (ઓર્ગેનાઇઝેશ) ને 16 સીટ અને તત્કાલીન મુખ્ય વિપક્ષ સ્વતંત્ર પક્ષને શુન્ય સીટ મળી હતી. સ્વતંત્ર પક્ષે લડેલી 46 સીટ પૈકી 42 સીટ પર ડિપોઝીટ જપ્ત થઇ હતી.
ચુંટણીમાં ભવ્ય જીતથી ચીમનભાઇના મનમાં મુખ્યમંત્રી થવાની મહત્વકાંક્ષા જાગી
કોંગ્રેસ-ઓ.ની હિતેન્દ્ર દેસાઇની સરકારમાં પરિવહનમંત્રી ચીમનભાઇ પટેલ ચુંટણી પહેલા કોંગ્રેસ-ઓ. છોડીને ઇન્દીરાની કોંગ્રેસ-આરમાં જોડાયા હતાં. ચુંટણીમાં કોંગ્રેસ-આરનાં ભવ્ય વિજયથી ચીમનભાઇના મનમાં મુખ્યમંત્રી થવાની મહત્વકાંક્ષા જાગી હતી. તેમણે દિલ્હીમાં લોબીંગ શરૂ કર્યુ હતું. તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીને ચીમનભાઇનું લોબીંગ પસંદ આવ્યુ ન હતું.
ઇન્દીરા ગાંધીએ પોતાના વિશ્વાસુ ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રીનો તાજ પહેરાવ્યો
તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીએ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પોતાના વિશ્વાસુ ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી પદે બેસાડ્યા હતાં. ઘનશ્યામ ઓઝાએ રાજકોટ લોકસભાની સીટ પરથી દિગ્ગજ સમાજવાદી નેતા મીનુ મસાણીને હરાવ્યા હતાં. વ્યવસાયે વકીલ અને સ્વતંત્ર સેનાની ઘનશ્યામ ઓઝા આઝાદી પહેલા સૌરાષ્ટ્ર લેજીસ્લેટીવ કાઉન્સીલના સભ્ય પણ હતા. આઝાદી બાદ ઝાલાવાડ અને સુરેન્દ્રનગર લોકસભા સીટનુ પણ પ્રતિનિધિત્વ કર્યુ હતું.
સંસદમાં કોંગ્રેસ વિરોધી રામ મનોહર લોહીયા ઘનશ્યાન ઓઝાના બચાવમાં ઉતર્યા હતાં
ઘનશ્યામ ઓઝા જ્યારે સાંસદ હતા ત્યારે ભારત-ચીન યુધ્ધ થયુ હતું. તેમણે પોતાના લોકસભા ભાષણમાં યુવાનોને સેનામાં જોડાવાનુ આહવાન કહ્યુ હતું. વિપક્ષના સાંસદે ઘનશ્યામ ઓઝાના ભાષણ પર ટીપ્પણી કરતા જણાવ્યુ કે બીજાને સલાહ આપતા પહેલા પોતાના બાળકોને સેનામાં મોકલો. ઘનશ્યાન ઓઝાના બચાવમાં કોંગ્રસ વિરોધી રામમનોહર લોહીયા ઉભા થયા હતાં. તેમણે જણાવ્યુ કે ઓઝાનો મોટો તબીબ પુત્ર સેનામાં ફરજ બજાવે છે. બીજા પર ટીપ્પણી કરતા પહેલા સાચી જાણકારી મેળવો.
ઘનશ્યામ ઓઝા ઘારાસભ્યો અને સંગઠન પર પકડ જમાવવામાં નિષ્ફળ
ઘનશ્યામ ઓઝા ઇન્દીરા ગાંધીના આર્શિવાદથી મુખ્યમંત્રી પદે બીરાજમાન થયા હતા. કોંગ્રેસના 140 ધારાસભ્યો પૈકી માત્ર છ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે ઓળખતા હતાં. તત્કાલીન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રતુભાઇ અદાણીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. સંગઠનમાં નવી નિમણુક કરવા કોંગ્રેસમાં આંતરીક સંઘર્ષ થયો હતો. ઓઝા નિમણુકોમાં તટસ્થ રહ્યા હતાં. રતુ અદાણી જુથ તરફથી જીણાભાઇ દરજી અને ચીમન પટેલ જુથ તરફથી કૃષ્ણકાંત વખરાયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં. અંતે વ્યારાના જીણાભાઇ દરજી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતાં.
ગુરૂ-ચેલા વચ્ચે સંગઠન પર વચસ્વ જમાવવા સંઘર્ષ
રતુભાઇ અદાણી અને જીણાભાઇ દરજી વચ્ચે સંગઠન પર વચસ્વ જમાવવા સંઘર્ષ થયો હતો. જીણાભાઇએ પોતાના રાજકીય ગુરૂ રતુ અદાણી અને ચીમન પટેલ વિરૂદ્વ મોરચો ખોલ્યો હતો. રતુભાઇ અને ચીમનભાઇ એક થતા જીણાભાઇ એકલા પડી ગયા હતાં. તેમણે પોતાનો પક્ષ મજબુત કરવા મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાને પોતાની તરફેણમાં લીધા હતા. વિવિધ મીડિયા રિપોર્ટસ અનુસાર જીણાભાઇ મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાને સમજાવવામાં સફળ થયા કે જ્યા સુધી ચીમન પટેલ કેબીનેટમાં છે ત્યા સુધી તમને શાંતીથી શાસન કરવા નહી દેય. તમે રાજકીય રીતે મજબુત નહી થાવ.
મંત્રી પદેથી ચીમનભાઇને પદભ્રષ્ટ કરવાએ ઘનશ્યામ ઓઝા માટે મોટી ભૂલ સાબીત થઇ
ગુજરાતના રાજકારણથી ઓછા પરિચીત ઘનશ્યામ ઓઝાએ કેબીનેટમાંથી ઉદ્યોગમંત્રી ચીમન પટેલની હટાવી દીધા હતા. તા.19 ડિસેમ્બર 1972 ના રોજ ચીમનભાઇને પદભ્રષ્ટ કરવાનો નિણર્ય ઘનશ્યામ ઓઝા માટે મોટી ભૂલ સાબીત થઇ હતી. નારાજ ચીમનભાઇએ અમદાવાદ હાઇ-વે પર આવેલા પંચવટી ફાર્મ ડેરા-તબ્બુ નાખ્યા હતાં.
પંચવટી ફોર્મ બન્યુ ઓઝા સરકાર વિરોધીઓનું એપી સેન્ટર
ચીમનભાઇએ રાજીનામા બાદ તેઓ મોટા ભાગે પંચવટી ફાર્મામાં રહેતા હતા. છ માસ સુધી પંચવટી ફાર્મમાં ચીમનભાઇ ઘનશ્યામ ઓઝા વિરોધીઓને મળતા હતા. તા.27 જુન 1973 ના રોજ પંચવટી ફાર્મમાં ચીમનભાઇએ પોતાના સમર્થક ધારાસભ્યો અને મંત્રીઓને એકત્ર કર્યા હતાં. બાદમાં ઉદ્યોગપતીઓ પણ ફાર્મ આવ્યા હતાં. પત્રકારોને ચીમનભાઇના બળવાની જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતાં. સાંજ સુધી સરકાર વિરૂદ્વ 69 ધારાસભ્યોએ સહી કરી હતી. ઘનશ્યામ ઓઝાને ઘટનાની જાણ થતા બહુ મોડુ થઇ ગયુ હતું. તેમને અંદાજ આવી ગયો હતો કે પોતાની સરકારે ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવી દીધો છે.
રાજીનામું આપતા પહેલા ઓઝાએ અંતિમ દાવ ખેલ્યો
ઇન્દીરા ગાંધીના વિશ્વાસથી ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયેલા ઘનશ્યાન ઓઝાએ ખુરશી બચાવવા અંતિમ દાવ ખેલ્યો હતો. તેમણે રાજ્યપાલને રાજીનામુ આપવાને બદલે પત્ર ખીસ્સામા નાખીને દિલ્હી ઉપડી ગયા હતાં. ઇન્દીરા ગાંધીને સરકાર બચાવી લેવા વીનંતી કરી હતી. ઇન્દીરાએ તેની વિનંતી સ્વીકારી ન હતા. રાજીનામુ આપવાનુ જણાવ્યુ હતું. ઘનશ્યાન ઓઝાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
આ પ્રકરણ દેશના રાજકારણમાં પંચવટી કાંડથી પ્રખ્યાત થયુ
અમદાવાદ હાઇવે પર આવેલા પંચવટી ફાર્મમાં તત્કાલીન મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાની સરકારને ઉથલાવીને ચીમન પટેલ જાયન્ટ કીલર સાબીત થયા હતાં. ઇન્દીરા ગાંધીની ઇચ્છા ન હોવા છતા તેમને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતાં. આ રાજકીય ડ્રામા દેશની રાજનિતિમાં પંચવટી કાંડથી પ્રસિધ્ધ થયુ હતું.
આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ
