હવામાન વિભાગના આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ તટ પર રવિવારે વર્ષનું પહેલું ચક્રવાતી વાવાઝોડું ટકરાશે, લક્ષદ્રીપ, કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેની અસર જોવાઇ શકે છે. અને તેના લીધે 14થી 16 મેની વચ્ચે કેરલ, કર્ણાટક, તમિલનાડું અને મહારાષ્ટ્ર સહીતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. રીપોર્ટ પ્રમાણે આ વાવાઝોડું 20 મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી પસાર થઇને દક્ષિણ પાકિસ્તાન તરફ પણ જઇ શકે છે. અને જો આવુ થાય તો આ ગુજરાતના તટ વિસ્તારમાં 17 કે 18 મે સુધીમાં પહોચશે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
લક્ષદ્રીપ, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરલને સાવધાન રહેવાની સલાહ અપાઇ છે. તટ વિસ્તારમાં ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા સુચના આપી છે.
60 કિલોમીટરની ઝડપથી હવા ફૂકાશે
હવામાન વિભાગ તરફથી જાહેર કરાયેલા એલર્ટ પ્રમાણે લક્ષદ્રીપ, માલદીવના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવન ફૂકાશે. તે ઉપરાંત કેરલ, કર્ણાટક અને મહારાષ્ટ્રના તટ વિસ્તારમાં લોકોને વરસાદ અને વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે. તૌકાતે 16મે સુધી પુર્વ મધ્યસાગરમાં જોર પકડી શકે છે. તેની ઉત્તર-પશ્ચિમ તરફ વધારે જવાની સંભાવનાઓ છે. જોકે ન્યુમેરિકલ મોડલ ગુજરાત દક્ષિણમાં કચ્છ વિસ્તાર તરફ જવાની સંભાવનાઓ વધારે બતાવે છે. જ્યારે અન્ય દક્ષિણ ઓમાન તરફ જવાના સંકેત આપે છે.
2021નું પહેલું ચક્રવાત છે ‘તૌકાતે’, મ્યાંનમારે રાખ્યુ છે નામ
આ 2021નું પહેલું વાવાઝોડું છે. અને તેનું નામ મ્યાનમાર તરફથી તૌકાતે રાખવામાં આવ્યુ છે. તૌકાતેનો અર્થ એવો જાય છે કે વધારે અવાજ કરતી ગરોળી.
દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત એન્ટિક્લોકવાઇઝ ફરે છે
ભારત અને દુનિયાભરના તટ વિસ્તારો હંમેશા વાવાઝોડા આવતા રહે છે. આ વાવાઝોડાઓને અલગ-અલગ સ્થળો પ્રમાણે અલગ-અલગ નામ આપવામાં આવે છે. સાઇક્લોન, હરિકેન અને ટાઇફૂન, આ ત્રણેય ચક્રવાતી વાવાઝોડા હોય છે.

ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર-પુર્વી પ્રશાંત મહાસાગરમાં આવતા ચક્રવાતી વાવાઝોડા હરિકેન કહેવામાં આવે છે. તો ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવતા વાવાઝોડાઓને ટાયફૂન અને દક્ષિણ પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં આવતા વાવાઝોડાઓને સાઇક્લોન કહેવામાં આવે છે. ભારતમાં આવતા ચક્રવાતી વાવાઝોડા દક્ષિણ પ્રશાંત અને હિંન્દ મહાસાગરમાંથી જ આવે છે. અને એટલા માટે તેને સાયક્લોન કહેવામાં આવે છે. તેમની ઘૂર્ણનની દિશાઓ પણ અલગ અલગ હોય છે. પૃથ્વીના અડધા ઉપરના ભાગ એટલે કે ઉત્તર ગોળાર્ધમાં આવતા ચક્રવાત ઘડિયાળની સોંયની દિશામાં એટલ કે ક્લોકવાઇઝ ફરે છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની સોયની વિપરિત દિશા એટલે કે એન્ટિકલોકવાઇઝ ચાલે છે.

કેમ આવે છે ચક્રવાત ?
પૃથ્વીના વાયુમંડળમાં હવા હોય છે. સમુદ્રની ઉપર પણ જમીનની જેમ હવા હોય છે. હવા હંમેશા ઉંચા દબાણથી નિચા દબાણવાળા વિસ્તાર તરફ વહે છે. જ્યારે હવા ગરમ થઇ જાય છે ત્યારે હલકી થઇ જાય છે અને ઉપર તરફ જવા લાગે છે. જ્યારે સમુદ્રનું પાણી ગરમ હોય છે તો તેના ઉપર હવા પણ ગરમ થઇ જાય છે અને ઉપર વધવા લાગે છે. અને તે વિસ્તારમાં હળવા દબાણવાળો વિસ્તાર બનવા લાગે છે. તેની આસપાસની ઠંડી હવા ઓછા દબાણવાળા વિસ્તારને ભરવા માટે તે તરફ જવા લાગે છે. પણ પૃથ્વી તેની ધરી પર ફરતી રહે છે. તેના લીધે આ હવા સીધી દિશામાં ન આવીને ફરવા લાગે છે અને ચક્કર કાપતી તે જગ્યા તરફ વધવા લાગે છે. તેને ચક્રવાત કહે છે.

ચક્રવાતની સાથે વરસાદ કેમ?
ચક્રવાત ખુબ ઝડપથી ફરતી હવા હોય છે. અને એટલા માટે તેનું મધ્યબિંદુ હંમેશા રિક્ત હોય છે. કારણ કે ફરતી હવા તે બિંદુંની ચારે તરફ ફરતી રહે છે પણ તે બિંદુ સુધી પહોચી શકતી નથી. તેને ચક્રવાતની આંખ કહેવામાં આવે છે. જો હવા ગરમ થઇને ઉપર તરફ જાય છે તે ભેજવાળી હોય છે. અને એટલા માટે ચક્રવાતની સાથે વરસાદ પણ આવે છે. ચક્રવાત ફરતું ફરતું આગળ વધે છે અને જ્યારે સમુદ્રના તટ સાથે ટકરાય છે ત્યારે નબળું પડવા લાગે છે. જમીન પર હવાનું ઉચ્ચ દબાણ હોવાના લીધે આવુ થાય છે. ચક્રવાતની દિશાનો અંદાજો લગાવી શકાય છે પણ ચક્રવાતનો રસ્તો નક્કી નથી કરી શકાતો. કેટલીક વાર ચક્રવાત પોતાના રસ્તા પર તટથી ટકરાતા પહેલાં હવાના દબાણના લીધે બદલાઇ પણ જાય છે.

ચક્રવાત પાંચ શ્રેણીઓમાં વહેચવામાં આવ્યા છે
- પહેલી શ્રેણીમાં 119 કિલોમીટર પ્રતિકલાકથી 153 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સુધી
- બીજી શ્રેણીમાં 154થી 177કિલોમીટર પ્રતિકલાક સુધી
- ત્રીજી શ્રેણીમાં 178થી 208 કિલોમીટર પ્રતિકલાક સુધી
- ચોથી શ્રીણીમાં 209થી 251 કિલોમીટર પ્રતિકલાક સુધી
- પાંચમી શ્રેણીમાં 252 કિલોમીટર પ્રતિકલાકથી વધારે ઝડપના વાવાઝોડા આવે છે.

કેવી રીતે થાય છે નામકરણ?
વાવાઝોડાના ઔપચારિક નામ રાખવાની પરંપરા 1950માં અમેરીકાથી શરૂ થઇ હતી. તે પહેલાં કહેવામાં આવતુ હતુ કે વાવાઝોડાઓના નામ નાવિકો પોતાની પ્રેમિકાઓના નામ પર રાખતા હતા. અને એટલા માટે શરૂઆતમાં ઔપચારિકરૂપથી વાવાઝોડાઓના નામ મહિલાઓના નામથી હોય છે. 70ના દાયકામાં આ પરંપરા બદલાઇ ગઇ અને વાવાઝોડાના નામ મહિલા અને પુરૂક્ષ બંનેના નામ પર થવા લાગ્યા. સમ સંખ્યાવાળા વર્ષોમાં વાવાઝોડાના નામ મહિલાઓના નામ અને વિષમ સંખ્યાવાળા વર્ષોમાં તે પુરૂષોના નામ પર હોય છે. 2004 થી હિંદ મહાસાગરમાં આવનારા વાવાઝોડાના નામ બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાંનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ મળીને નક્કી કરે છે. દેરક વાવાઝોડાનું નામ ક્રમથી એક દેશ નક્કી કરે છે. જેમ કે ઓક્ટોમ્બર 2018માં આવેલા તિતલી વાવાઝોડાનું નામ પાકિસ્તાને રાખ્યુ હતું. ફાની વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે રાખ્યુ હતું. તો વાયું વાવાઝોડાનું નામ ભારતે નક્કી કર્યુ હતું.

