@જગત કિનખાબવાલા, સ્પેરોમેન
કોઈ પક્ષીને જુવો અને તેના વિશિષ્ટ રંગરૂપને કારણે તેના તરફ તમારું ધ્યાન ચોંટી જાય તેવું રૂપાળું પક્ષી એટલે નીલકંઠ, બસ જોયા જ કરો, જોયા જ કરો! તેના ગળાના રંગને કારણે તેનું નામ નીલકંઠ પડેલું છે. આંખ પણ તેના તરફથી ખસે નહિ એવી વિશિષ્ટ રંગ રચનાના કારણે અહોભાવથી નીરખો તેવું આ મનોહારી પક્ષી છે.
નીલકંઠ બેઠો હોય ત્યારે પોતાનો રંગ વૈભવ સંકેલી લીધો હોય તેવું લાગે અને શાંતિથી બેસી રહે છે. ઝાડની ડાળીના આગળના ભાગમાં વધારે બેસે અને તે ઉપરાંત વીજળીના થાંભલા, કેબલ, તાર ઉપર નજર ફેરવીએ તો તેના વિસ્તારમાં અચૂક જોવા મળી જાય. શાંત બેઠું હોય ત્યારે તેના ભૂખરા અને બદામી રંગને કારણે ઘણી વખત દેખાતું નથી અને ઉડે ત્યારે તેના લીલાશ પડતા વાદળી રંગની શોભાને કારણે નજર તેના તરફ જાય.

નીલકંઠ શુકનવંતુ ગણાય છે અને તેમાંયે દશેરાના દિવસે જોવા મળે એટલે વધારે માહત્મ્ય ગણે, લોકો દર્શન પણ કરી લે. પૌરાણિક દંતકથાઓ પ્રમાણે દશેરા અને દુર્ગાપૂજામાં લોકો તેને પકડે છે અને ત્યારબાદ વિષ્ણુ ભગવાનની પૂજા કરી તેમને છોડી દે છે. શિવ પૂજા કરતા લોકોની માન્યતા હોય છે કે વિષ ગળેથી ઉતારતું હોય તેવા તેમના ગળાના રંગને કારણે શિવ ભગવાનની જેમ વિષ પચાવી જાય છે.

ઉષ્ણ કટિબદ્ધ પ્રદેશ ભારતવર્ષમાં અને પશ્ચિમી એશિયામાં મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે છે. ભારતમાં ઘણાં રાજ્યએ રાજ્યના પક્ષી/ State bird તરીકેનું આગવું સ્થાન આપેલું છે. ઓરિસ્સા, તેલંગણા અને કર્ણાટક રાજ્યનું State bird છે. દુનિયામાં સંખ્યાની દ્રષ્ટિએ ભારત વર્ષમાં તેમની સંખ્યા સહુથી વધારે છે તેમ મનાય છે. તેમછતાં મોટા ભાગના લોકોએ જોયું નથી હોતું. છેલ્લા ઘણાં સમયથી ભૌતિક વિકાસની તેમની સંખ્યા શહેર અને નજીકના વિસ્તારોમાંથી ભયજનક રીતે ઘટતી જાય છે.

તેમનું શરીર ભરાવદાર હોય છે અને ક્યારેક શિયાળામાં આવતાં યુરોપીઅન રોલર અને ઇન્ડિયન રોલર/ નીલકંઠને સામ્યતાના કારણે એકજ સમજી લે છે. તેમનો મુગટનો/ તાલકુંનો ભાગ અને કોટની/ પીઠ બે બાજુ લીલાશ પડતું વાદળી હોય છે. કપાળ ઈંટ જેવા ઘેરા રંગનું જ્યારે, કેડ વાદળી અને પૂંછડી આછા અને ઘેરા વાદળી રંગની હોય છે. છાતી રતુમ્બડી હોય છે જેમાં સફેદ રેખાઓ હોય છે. નીચેનું પેટાળ આછા આસમાની રંગનું અને ચાંચ ઘેરી કાળી હોય છે.

શરીરે ભરાવદાર, સ્વભાવે શાંત અને ખુબ ઓછું બોલે પણ પ્રજનનની ઋતુમાં બોલતું સંભળાય. પ્રજનનની ઋતુમાં હવામાં ઝોલા ખાતું ખાતું પાંખો પહોળી કરીને માદાને આકર્ષવા માટે ઉડે અને તેવા સમયે તેના રંગોનો નયનરમ્ય ફુવારો દેખાય. ઉડતું હોય ત્યારે જાણે કલાકાર કળા બતાવે તેમ લચીલી ઉંડાણ ભરે છે. બેઠેલો નીલકંઠ ભૂખરા અને બદામી રંગને લીધે એકદમ નજરે પણ ન ચઢે, સામાન્ય દેખાય અને જેવો ઉડે ત્યારે જાણે રંગોનો ફુવારો છૂટે. અંજાઈ જવાય તેવા વાદળી રંગના ઘેરા અને આછા રંગો અને લીલાશ પડતા રંગોનું તોફાન દેખાય. આ બધાજ રંગોનો અદભુત નજારો તેના પીંછાના નીચેના ભાગના રંગોને કારણે દેખાય છે. પગ મેલાં પીળા રંગના હોય જયારે ચાંચ કાળા રંગની હોય છે. રંગે રૂપાળા પણ તેમનો અવાજ કર્કશ હોય છે જે સાંભળીને નિરાશા થવાય છે. એકદમ ઊંચો ઉડી સડસડાટ aerobatic રીતે સીધો નીચે આવે. ઉડવાની આ છટાના કારણે તેને અંગ્રેજીમાં Roller કહે છે.

નીલકંઠ સર્વભક્ષી પક્ષી છે. કઠોળ, બિયારણ, દાણાં વગેરે ખાઈ લે છે સાથે સાથે જીવાત, કીડી, મંકોડા, નાના સાપ, ઉંદર, ખડમાંક્ડી, પતંગિયા, ઉધઈ, કરોળિયા, ક્રિકેટ, હેલિકોપ્ટર/ dregan ફ્લાય , ગરોળી, તીતીઘોડા જેવા જીવડાં આરોગી જાય છે. શિકાર નાનો હય તો ગળી જાય અને મોટો હોય તો પછાડી પછાડીને પોચો કરી ખાઈ જાય.

પામ, લીમડાં જેવા વૃક્ષમાંથી તેમને છાલ નીચે સંતાયેલા જીવડા ખોરાકમાં મળી જાય છે. ગ્રીષ્મ ઋતુમાં તે પ્રજનન માટે સક્રિય થાય અને સામાન્ય રીતે ઝાડની બખોલમાં, ક્યારેક લક્કડખોદ પક્ષીના છોડી દીધેલા માળામાં અને મકાનની બખોલમાં તેઓ માળા બનાવી લે છે. એક સાથે ત્રણ થી પાંચ ઈંડા મૂકી શકે છે અને નર અને માદા વારા ફરતી બંને સહિયારા ઈંડા સેવવાનું કામ કરે છે. સત્તરથી ઓગણીશ દિવસમાં ઇંડામાંથી બચ્ચા બહાર આવે છે અને લગભગ એક મહિનાના ગાળામાં બચ્ચા કુદરતના ખોળે રમતા થઇ જાય છે. લગભગ એંસી ટકા ઈંડામાંથી બચ્ચા સફળતા પૂર્વક જન્મ લે છે જે જન્મ દર સારો ગણાય છે.
ક્યારેક પાણીનાં ખાબોચિયામાં અને પાણીના સ્તોત્રમાં એવી ડૂબકી મારે કે જોનારને લાગે કે માછલી પકડવા ડૂબકી મારી પણ તે તેની આનંદથી નાહવાની રીત છે અને ક્યારેક ડૂબકી સાથે માછલી પણ પકડી લે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
