પાટડી તાલુકાના નાની મજેઠી ગામે બે પરિવારો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકતા થયેલી સશસ્ત્ર જુથ અથડામણમાં કુલ આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે બજાણા પોલિસ મથકે સામસામે 8 મહિલાઓ સહિત કુલ 21 લોકો સામે ફરીયાદ નોંધાતા પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ ઝઘડાના બનાવમાં પાટડી તાલુકાના નાની મજેઠી ગામના કાળુભાઇ શીવાભાઇ મકવાણા (અનુસૂચિત જાતિ)એ નાની મજેઠી ગામના જીવણભાઇ જગાભાઇ પનારા, જશીબેન જીવણભાઇ પનારા, દર્શનભાઇ જીવણભાઇ, ધરતીબેન જીવણભાઇ, મુકેશભાઇ જગાભાઇ, લાભુબેન મુકેશભાઇ, જગાભાઇ રામાભાઇ, વશરામભાઇ રામાભાઇ, કમુબેન વશરામભાઇ, કમુબેન જગાભાઇ, હિતેશભાઇ સોંડાભાઇ અને પોપટભાઇ રતાભાઇ સહિતના કુલ 12 લોકો સામે નોંધાવેલી પોલિસ ફરીયાદ મુજબ ફરીયાદી કાળુભાઇ શિવાભાઇ મકવાણાનો દિકરો મોટરસાયકલ લઇને નીકળતા આરોપીઓએ એક સંપ કરીને ધારીયા, ઇંટ, લાકડી અને લોખંડની પાઇપ અને એલ્યુમિનિયમની પાઇપ વડે તૂટી પડી જીવલેણ હુમલો કરવાની સાથે મોટરસાયકલને પણ નુકશાન પહોંચાડ્યું હોવાની બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે આ ઝઘડામાં સામા પક્ષે પાટડી તાલુકાના નાની મજેઠી ગામના જીવણભાઇ જગાભાઇ મકવાણા ( અનુસૂચિત જાતિ )એ નાની મજેઠી ગામના કાળુભાઇ શિવાભાઇ, હિરાબેન શિવાભાઇ, પ્રકાશભાઇ શિવાભાઇ, આકાશભાઇ શિવાભાઇ, લાલજીભાઇ શિવાભાઇ, શિવાભાઇ ખોડાભાઇ, લાલજીભાઇની પત્નિ, ભગીબેન કાળુભાઇ, શોભનાબેન કાળુભાઇએ આરોપી કાળુભાઇ શિવાભાઇને મોટરસાયકલ ધીમુ ચલાવવાનું કહેતા આરોપીઓએ એક સંપ કરીને ફરીયાદી જીવણભાઇ જગાભાઇ મકવાણાના રહેણાંક મકાનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી લોખંડની કુંડલીવાળી લાકડી, ધોકા અને સોરીયાના આડેધડ ઘા મારવાની સાથે મૂંઢ માર મારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલિસ ફરીયાદ બજાણા પોલિસ મથકે નોંધાવી હતી. પાટડી તાલુકાના નાની મજેઠી ગામે જુથ અથડામણમાં આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જયારે આ બનાવ અંગે સામસામે 8 મહિલાઓ સહિત કુલ 21 લોકો સામે પોલિસ ફરીયાદ નોંધાતા બજાણા પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના એન.એ.ડાભી અને જે.ઝેડ.લેંચીયા ચલાવી રહ્યાં છે.
