Surat News: સુરતમાં હવે જાણે પોલીસ પણ સલામત ન હોય તેવી સ્થિતિ છે. ટ્રાફિક ક્લિયર કરવા ગયેલા પોલીસ કમિશ્નરના પીએ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. નાના વરાછા ઠાળ પાસે ટ્રાવેલ્સ બસના જમાવડાના કારણે ટ્રાફિક જામ થયો હતો. આના પગલે પોલીસ કમિશ્નરના પર્સનલ આસિસ્ટન્ટ અક્ષય આહિરે લોકોની તકલીફ દૂર કરવા નૈતિક ફર સમજી ટ્રાફિક ક્લિયર કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, તેના પગલે તે જીવલેણ હુમલાનો ભોગ બન્યા હતા.

હેડ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો
તેના પર લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલકે હેડ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કરનારાઓની પછી જડતી લેવામાં આવી તો તેમની કારમાંથી ભાજપનો ખેસ મળ્યો હતો. અક્ષય આહિર પોલીસ કમિશ્નર કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અક્ષય આહિર રાત્રે દસ વાગ્યા પછી ઘરે જતો હતો તે સમયે તેણે વરાછા ઢાળ પાસે ટ્રાફિક જોયો. અક્ષય ટ્રાફિક ક્લિયર કરવા ગયો તો તેના આશ્ચર્ય વચ્ચે તેના પર ત્રણ લોકોએ હુમલો કર્યો.

કાપોદરા પોલીસે તપાસ શરૂ કરી
આ ઉપરાંત કાર ચાલકે તો કોન્સ્ટેબલનું ગળું પકડી લીધુ હતુ અને પોતાની પાસે રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે માર માર્યો હતો. આ ત્રણેય જણા હુમલો કરી કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ કાપોદરા પોલીસને થતાં તેમને તાત્કાલિક ધોરણે પકડવા માટે તપાસ હાથ ધરી હતી. આ ત્રણેય અસામાજિક તત્વો પાનના ગલ્લે બેસીને બિન્દાસ્ત રીતે ધૂમ્રપાન કરી રહ્યા હતા. કાપોદ્રા પોલીસ ત્યાં પહોંચી જતાં ત્રણેય ભાગી ગયા હતા.

હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરનારાઓને થશે આકરી સજા
આ ઘટનામાં કોન્સ્ટેબલ અક્ષય આહિરના નાકના ભાગે ફ્રેક્ચર થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં કારચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. કાપોદરા પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જે કરી છે. પોલીસ કોન્સ્ટેબલે પોતાની ઓળખને આઈકાર્ડ બતાવ્યું છતાં કારચાલક બેફામ બન્યો અને પોલીસ કર્મચારી પર તૂટી પડ્યો હતો. આ ઉપરાંત બસમાંથી ઉતરેલા બે લોકોએ કોન્સ્ટેબલને પકડી રાખ્યો અને ભાજપના ખેસ વાળી કારના ચાલકે કોન્સ્ટેબલને માર મારવાનું શરૂ કર્યું હતું. આના લીધે ફરજ પરના સરકારી કર્મચારીને માર મારવાના આરોપમાં આરોપીઓને આકરી સજા થઈ શકે છે.
