Not Set/ અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરેઆમ યુવતીની કરી હત્યા, પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર હતું દૂર

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભરચક વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરમાં જ બે સંતાનની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે.

Ahmedabad Gujarat

ગુજરાત હવે ક્રાઈમ કેપિટલ બનતું હોય તેવું લાગી રહ્યું છે.  સરેઆમ હત્યા, લૂટફાટ, ચોરી, ફાયરિંગની ઘટનાનો દિવસેને દિવસે સામાન્ય બનતી જાય છે. સુરતમાં જાહેરમાં ગ્રીષ્મા નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી, તે વાત જૂની નથી. ત્યારે અમદાવાદમાં પોલીસ સ્ટેશનથી નજીક જ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે એક મહિલાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગયો છે.

એક તરફ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. મહિલાઓના સન્માન અને મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે મહિલાઓ સાથેના અત્યાચારના બનાવો સામે આવી ગયા છે તે એક હવે ખૂબ જ ગંભીર વિષય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ બાદ ગાંધીનગરમાં પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. હવે અમદાવાદમાં પણ આવી ઘટના સામે આવી છે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભરચક વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરમાં જ બે સંતાનની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે.

લોકો આરોપીને પકડે તે પહેલાં જ આરોપી મહિલા ઉપર ઉપરાછાપરી છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો પહેલા તો ડરી ગયા હતા. પણ બાદમાં હત્યારાની સામે પડતાં હત્યારો આશાને રહેસી નાખી ત્યાંથી ચાલ્યો ગયો હતો. બનાવ બાદ વિધિની વક્રતા પણ એટલી હતી કે મહિલાની લાશને એમ્બ્યુલન્સ ન આવતા ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી હતી.

CCTVમાં જોવાતા સમય પ્રમાણે બપોરે 4 વાગ્યાને 54 મિનિટે આ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ પ્રેમમાં ઝનૂન સવાર થતાં નિરવે આશાની હત્યા કરી નાંખી. માધુપુરામાં જયારે નિરવે આશા પર હુમલો કર્યો ત્યારે આસપાસના લોકો સ્તબ્ધ થઇ ગયા. નિરવની હેવાનિયત સામે લોકોના શ્વાસ થંભી ગયા. આશાને બચાવવા શું કરવું તેનો પણ વિચાર કોઇને ન આવ્યો. લોકો નિરવની ક્રૂરતા જોઇને કાંપતા કાંપતા દૂર ચાલ્યા ગયા. રીતસરનો પોતાનો જ જીવ બચાવવા લોકો ત્યાંથી ખસી ગયા. CCTVમાં જોઇ શકાય છે. નિરવે કરેલા અચાનક હુમલા બાદ લોકોમાં અફરાતફરી જોવા મળી. આ ઘટના સાથે જોડાયેલી સૌથી મોટી વાત એ છે કે જ્યા આશાની હત્યા કરી દેવાઇ ત્યાંથી પોલીસ સ્ટેશન 100 મીટર દૂર જ છે.

આમ વિશ્વ મહિલા દિવસે જ એક મહિલાની જાહેરમાં હત્યા કરવામાં આવી અને આજુબાજુના લોકો માત્ર તમાશો જોતા રહી ગયા હતા. ત્યારે સોશિયલ મીડિયાથી બહાર નિકળી વાસ્તવમાં મહિલાને સન્માન આપવામાં આવે તે જરૂરી છે.

આ પણ વાંચો :મહુવામાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વાયરલ, સો. મીડિયામાં લોકોએ ઠાલવ્યો રોષ

આ પણ વાંચો :કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં PM મોદીએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સેમિનારને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિ

આ પણ વાંચો :જીલ્લા કલેકટર કચેરી ખાતે ગૌપ્રેમીએ કરી અનોખી રીતે રજૂઆત