– મહાત્મા ગાંધીજીની જેલ મુક્તિનો દિવસ ઉજવવામાં પાટડીમાં એક વિરાટ સરઘસ પણ નિકળ્યું હતુ
– પાટડી નમક સત્યાગ્રહના અહેવાલની તમામ નકલો બ્રિટીશ સરકારે જપ્ત કરી હતી
-ગાંધીજીની મીઠા સત્યાગ્રહની હાકલને અનુસરીને પાટડી- ખારાઘોઢાનું મીઠું લેવા માટે સત્યાગ્રહીઓની ટુકડીઓ મોકલવા માંડી હતી
આજે ગાંધી નિર્વાણ દિન છે ત્યારે આજથી 91 વર્ષ અગાઉ 1930માં ગાંધીજીની મીઠા સત્યાગ્રહની હાકલને અનુસરીને પાટડી ખારાઘોઢાનું મીઠું લેવા સત્યાગ્રહીઓની ટુકડીઓ મોકલવા માંડી હતી. બ્રિટીશ સરકારના જુલમનું ખપ્પર ભરવા દેશમાં જે કુરબાનીનો ઇતિહાસ રચાયો એમાં રણકાંઠાનું પાટડી ગામ પણ મોખરે રહ્યું હતુ. જેમાં પાટડી નમક સત્યાગ્રહના અહેવાલની તમામ નકલો બ્રિટીશ સરકારે જપ્ત કરી હતી. ગાંધીજીએ 1930માં ‘નમક સત્યાગ્રહ’ માટે દાંડીકૂચનું ઐતિહાસીક પ્રસ્થાન કર્યુ હતુ. એ સમયે ગાંધીજીની મીઠા સત્યાગ્રહની હાકલને અનુસરીને પાટડી ખારાઘોઢાનું મીઠું લેવા માટે સત્યાગ્રહીઓની ટુકડીઓ મોકલવા માંડી હતી. એની ખાસ એક શાખા પાટડીનાં જડેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી હતી.
આ સત્યાગ્રહ છાવણીમાં પાટડીના આઝાદીના લડવૈયાઓ પ્રાણજીવનદાસ વ્રજલાલ દેસાઇ, ભૂપતભાઇ વ્રજલાલ દેસાઇ, મોહનભાઇ ઠક્કર, રામભાઇ પરીખ, પૂંજાલાલ, ત્રિભોવનદાસ ઠક્કર અને દયારામ આત્મારામ સહિતના યુવાનો સેવા આપવા લાગ્યા હતા. પાટડીમાં બિનજકાતી મીઠું વેચવાની શરૂઆત થતા જ ખારાઘોઢાના સોલ્ટ ખાતાની પોલિસ પાટડીમાં ગોઠવાઇ ગઇ હતી. ત્યારે પાટડી ગામેં સોલ્ટ ખાતાની પોલિસનો સંપૂર્ણ સામાજિક બહિષ્કાર કર્યો હતો.
કુલકર્ણીની સરદારી નીચે 75 સૈનિકોની ટુકડીએ ખારાઘોઢમાંથી મીઠું ઉપાડ્યું તેથી પોલિસ ભૂખ્યા વરૂની માફક સત્યાગ્રહીઓ પર તૂટી પડી હતી. આથી પાટડીની સત્યાગ્રહ છાવણીમાં પોલિસના સિતમનો ભોગ બનેલા સત્યાગ્રહીઓ જડેશ્વર મહાદેવની પડાળીમાં સારવાર મેળવી હતી. મીઠા સત્યાગ્રહના દિવસોમાં પાટડી માંડવી બજારના ઉંચા ચબુતરા પર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો.
વર્ષ 1930-31માં પાટડી નમક સત્યાગ્રહ સમિતીનો અહેવાલ ભૂપતભાઇ દેસાઇએ છપાવીને પ્રસિધ્ધ કર્યો હતો. જેની લગભગ બધી જ નકલો બ્રિટીશ સરકારે જપ્ત કરી હતી. મહાત્મા ગાંધીજીની જેલમુક્તિનો દિવસ ઉજવવામાં પાટડીમાં એક વિરાટ સરઘસ પણ નિકળ્યું હતુ. હાલમાં મૃતપાય હાલતમાં પહોંચેલુ વડાગરૂ મીઠું અને મીઠા પાણીના સરોવરની હિલચાલના કારણે નામશેષ થવાના આરે પહોંચેલો મીઠા ઉદ્યોગ અને આજેય 18મી સદીમાં જીવતા અગરિયા સમુદાય મીઠું મુઠ્ઠીમાં પકડનારા ગાંધીને શોધી રહ્યુ છે એ પણ કડવી વાસ્તવિકતા છે.
ઝીંઝુવાડા રણમાં ગાંધી-ઇરવીન કરારથી ૨૫ અગરિયાઓને જ મીઠું પકવવાની મંજૂરી મળી હતી
સને 1947માં ભારતે આઝાદી પ્રાપ્ત કરી ત્યારે નમક સત્યાગ્રહની ફલશ્રુતિ રૂપે ગાંધી-ઇરવીન કરાર થયો હતો. જેમાં નક્કી થયુ હતુ કે, દશ એકર સુધીની જમીન પર વગર લાઇસન્સે સરકારની પરવાનગી વિના મીઠું ઉત્પન્ન કરવાનો અને વેચવાનો દરેકનો અધિકાર છે. ત્યાર બાદ ઝીંઝુવાડા રણમાં 25 અગરિયાઓને જ મીઠું પકવવાની મંજૂરી મળી હતી
