Not Set/ નર્મદા મહાઆરતીની વેબસાઈટ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ, જાણો કેટલો છે ચાર્જ ?

નર્મદા મહાઆરતીના ચાર્જને લઈ અગાઉ ભારે વિરોધ ઉઠ્યો હતો. કાશી અને હરિદ્વારની ગંગા આરતી કરતા પણ 10 ગણી મોંઘી નર્મદા આરતીના ₹2500 ના વિરોધ બાદ હવે ઘટાડી ₹1100 કરવામાં આવ્યા છે. સાથે જ શુલપાણેશ્વર મંદિરે ધ્વજા રોહણના ₹2500 મોકૂફ રાખવામાં આવ્યા છે.

Top Stories Gujarat
મહાઆરતી નર્મદા મહાઆરતીની વેબસાઈટ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ, જાણો કેટલો
  • વર્ચ્યુલ ઓનલાઈન મહાઆરતીના પણ ચૂકવવા પડશે ₹1100
  • 100 ગ્રામ પ્રસાદીમાં મળશે સીંગ, દાળિયા અને તલની ચીક્કી
  • દેશમાં ગમે ત્યાં સ્પીડ પોસ્ટથી ₹100 માં જ પ્રસાદી ભક્તોને કરાવશે ઉપલબ્ધ

નર્મદા મહાઆરતી, પ્રસાદ સામગ્રીની માહિતી અને લોકો ધાર્મિક આસ્થા પ્રમાણે અનુદાન કરી શકે એટલે નર્મદા મહાઆરતી વેબસાઈટ લોન્ચ કરાઈ છે. અગાઉ શુલપાણેશ્વર મંદિરે ધ્વજારોહણનો ચાર્જ પણ ₹2500 રખાયો હતો જે વિરોધ બાદ રદ કરવામાં આવ્યો છે.  કેવડિયા એટલે હવે નું STATUE OF UNITY એકતાનગર અહીં પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ₹14 કરોડના ખર્ચે નર્મદા ગોરા ઘાટનું નિર્માણ કરી આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે કાશીની જેમ નર્મદા મહાઆરતીનો આરંભ કરાયો છે.

મુખ્યમંત્રી દ્વારા શનિવારે સાંજે 7.30 કલાકે નર્મદા મહાઆરતીનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા મહાઆરતીના ચાર્જને લઈ અગાઉ ભારે વિરોધ ઉઠ્યો હતો. કાશી અને હરિદ્વારની ગંગા આરતી કરતા પણ 10 ગણી મોંઘી નર્મદા આરતીના ₹2500 ના વિરોધ બાદ હવે ઘટાડી ₹1100 કરવામાં આવ્યા છે. સાથે જ શુલપાણેશ્વર મંદિરે ધ્વજા રોહણના ₹2500 મોકૂફ રાખવામાં આવ્યા છે.

કેવડિયા SOU એકતાનગર ખાતે નર્મદા કિનારે ગોરા ઘાટે નર્મદા મહા આરતીની લોન્ચ થયેલી વેબસાઈટમાં ભક્તો, શ્રધ્ધાળુ અને લોકો મહાઆરતીનો સમય રોજ સાંજે 8 થી 8.30 કલાક, સાંજે 6 કલાકથી નર્મદા ભજન-કિર્તનની વિગતો જાણી લાભ લઇ શકશે.  સાથે જ વેબસાઈટ ઉપર નર્મદા નદી, શુલપાણેશ્વર મહાદેવ મંદિર, ગોરા ઘાટ નું મહત્વ પણ રજૂ કરાયું છે. લોકો ઓનલાઈન મહાઆરતી અને પ્રસાદી માટે બુકીંગ કરાવી શકશે તેમજ દાન પણ આપી શકશે. એક વ્યક્તિના આરતીના ₹1100 ઓફલાઇન અને ઓનલાઈન બન્ને માટે નિયત કરાયા છે. જ્યારે 100 ગ્રામ દાળિયા, તલ અને સીંગની ચિક્કીની પ્રસાદીના પેકેટ નો ભાવ ₹100 રાખવામાં આવ્યો છે. દેશભરમાંથી ભક્તો ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે. જે સ્પીડ પોસ્ટથી ₹100 માં જ તેમને ઘરે પોહચડવામાં આવશે.

₹14 કરોડના શૂલપાણેશ્વર નર્મદા ઘાટ ઉપર એકસાથે 6000 શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લઇ શકે છે

શૂલપાણેશ્વર નર્મદા ઘાટ, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક ગોરા ખાતે આવેલ છે. શૂલપાણેશ્વર નર્મદા ઘાટના નિર્માણનો આરંભ તા. 30 માર્ચ 2021 નાં રોજ કરવામાં આવેલ અને તા. 31 ઓગસ્ટ 2021 નાં રોજ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ હતું. નર્મદા ઘાટની લંબાઇ 131 મીટર અને પહોળાઇ 47 મીટર છે. નર્મદા ઘાટ ખાતે 9.5 મીટર પહોળા મંચનું નિર્માણ કરવામાં આવેલ છે.

નર્મદા ઘાટ ખાતે કુલ 5 મંચ બનાવવામાં આવેલ છે, જેમાં 4 મંચ 5 X 5 મીટર અને 1 મંચ 5 X 7 મીટર છે. મંચનાં નિચલુ સ્તર 34.40 મીટર અને ઉપલુ સ્તર 35 મીટર છે. મંચોની વચ્ચે 4 પગથિયાનું નિર્માણ કરવામાં આવેલ છે જેની પહોળાઈ 26 મીટર રાખવામાં આવેલ છે. નર્મદા ઘાટ ખાતે મહત્તમ 6000 શ્રધ્ધાળુઓ એકસાથે બેસીને આરતીનો લાભ લઇ શકે છે. (નદીનાં પાણીનાં સ્તર આધારે). નર્મદા ઘાટના નિર્માણમાં 29550 ઘન મીટર કોંક્રિટ અને 360 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવેલ છે.

નર્મદા નદીનું પૌરાણિક માહાત્મ્ય અને મહાઆરતી

શિવપુત્રી નર્મદા દુનિયાની એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા પણ કરવામાં આવે છે. ભગવાન મહાદેવે મા નર્મદાજીનાં પ્રાગટ્ય અવસરે એવા આશીર્વાદ આપ્યા હતાં કે, મા નર્મદાજીનાં કિનારે પ્રત્યેક કંકર શંકર કહેવાશે માટે નર્મદા નદીનો કાંઠો અતિપવિત્ર માનવામાં આવે છે.

નર્મદા નદીનાં માહાત્મ્ય ને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનાને સાકાર કરવા માટે શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રતિદિન પૂરા રીત-રીવાજ અને મંત્રોચ્ચાર સાથે નર્મદાજીની મહા-આરતીનું આયોજન કરવામાં આવે છે. પવિત્ર વાતાવરણમાં 7 પૂજારીશ્રીઓ દ્વારા મા નર્મદાજીની આરતી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે નર્મદાજીની આરતી અને નર્મદા અષ્ટકનાં ગાન સાથે ધૂપ-આરતીથી નર્મદાજીને અર્ઘ્ય આપવામાં આવે છે. સંગીતવૃંદ દ્વારા સુંદર આરતી રજૂ કરવામાં આવે છે જેથી વાતાવરણમાં અતિ પવિત્રતા છવાઇ જાય છે.

પૌરાણિક શૂલપાણેશ્વર મંદિરનો ઇતિહાસ, સ્વંય શિવે કરેલી સ્થાપના

પ્રાચીન શૂલપાણેશ્વર મંદિર, નર્મદા નદી અને દેવગંગા નદીના સંગમ સ્થાને હાલના સરદાર સરોવર ડેમથી 5 કિલોમીટર ઉપરવાસમાં મણીબેલી ગામ (મહારાષ્ટ્ર) પાસે આવેલ છે. આ મંદિર, સ્વયં ભગવાન શિવે સ્થાપ્યુ‍ હોવાની પૌરાણિક માન્યતાને આધારે તેમજ સ્વયંભૂ લિંગ હોવાના કારણે નર્મદા કિનારા પરના પવિત્ર તીર્થસ્થાનો પૈકીનું એક ગણાય છે.

હિન્દુ ધર્મના શાસ્ત્રો જેવા કે, અગ્નિમહાપુરાણ, સ્કંધ મહાપુરાણ, વાયુપુરાણ અને અન્ય પુરાણોમાં શૂલપાણેશ્વર મંદિરને નર્મદા નદીના કિનારા પરનું પવિત્ર તીર્થધામ ગણવામાં આવ્યું છે. તે ભૃગુ પર્વતના નામે જાણીતા પવિત્ર પહાડની ખૂબ નજીકમાં હતું અને ગાઢ જંગલો તેમજ શૂલપાણેશ્વર ધોધના નયનમનોહર રમ્ય વાતાવરણ માટે જાણીતું હતું. સ્કંધ પુરાણના જણાવ્યાનુસાર આ તીર્થ પાપનો નાશ કરનાર પરશુ એટલે કે કુહાડી સમાન છે.

ભગવાન શિવે રાક્ષસોનો નાશ ત્રિશૂળ વડે કર્યો હતો. આ ત્રિશૂળ ઉપર લોહીના ડાઘા જે પડેલ હતા એ દૂર થતાં ન હતા. શિવજી ભગવાન જંગલમાં ફરતાં ફરતાં ઉપરોક્ત જગ્યાએ આવ્યા હતા અને ત્યાં જમીનમાં ત્રિશૂળનો પ્રહાર કરતાં જમીનમાંથી પાણીની ધારા ઊડી હતી. આ પાણી વડે ત્રિશૂળ ઉપરના લોહીના ડાઘા દૂર થઈ ગયા હતા. આમ, ભગવાન શિવના ત્રિશૂળ ઉપરના લોહીના ડાઘા દૂર થતાં, ભગવાન શિવનું શૂલ (વેદના) પાણી દ્વારા દૂર થયા હતા. માટે અહીં મંદિરનું નામ શૂલપાણેશ્વર છે.

મહાઆરતી નર્મદા મહાઆરતીની વેબસાઈટ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ, જાણો કેટલો

સરદાર સરોવર બંધ બનાવાને કારણે, સરદાર સરોવર બનતા ફેબ્રુઆરી, 1994 માં આ મંદિર સરોવરમાં ડૂબી ગયું હતું. પણ ગુજરાત સરકાર દ્વારા નવું શૂલપાણેશ્વર મંદિરની જગ્યા ગોરા બ્રીજ પાસે, ડાબા કિનારે આવેલી160 ફૂટ ઊંચી ટેકરી ઉપર નિયત કરીને તારીખ 07/05/1994 ના રોજ નવા શૂલપાણેશ્વર મંદિરની શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આ જગ્યા અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તે સમયના શંકરાચાર્ય અને ધર્માચાર્યોના પરામર્શમાં રહીને કરવામાં આવી હતી. ત્યારથી, આશરે 70 ફૂટની ઊંચાઈ ધરાવતું આ શિખરબંધી શૂલપાણેશ્વર મંદિર નર્મદા મૈયાની પરિક્રમા કરતાં પદયાત્રીઓ તેમજ શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

આ જગ્યાએ દરવર્ષે ચૈત્ર વદ તેરસ, ચૌદસના રોજ સ્થાનિક તથા મહારાષ્ટ્રના ગિરિવાસી અને વનવાસી લોકોનો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો શૂલપાણેશ્વર મંદિરના દર્શનનો લાભ લે છે. શૂલપાણેશ્વર મંદિર વાસ્તવમાં એક શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક છે.

મહાઆરતી નર્મદા મહાઆરતીની વેબસાઈટ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ, જાણો કેટલો

નર્મદા ઘાટે શુ કરવું

– સ્થાનિક પરંપરાઓ અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનજનક વર્તન રાખો.

– વહીવટકર્તાઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવુ.

– તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો અને તેને હંમેશાં તમારી સાથે રાખો.

– કોવિડ-૧૯ની પૃષ્ઠભૂમિમાં મંદિર અને મહાઆરતીમાં ભાગ લેતા સમયે સામાજીક અંતર રાખવું અને માસ્ક પહેરવું.

– નર્મદા મહાઆરતીમાં ભાગ લેતા અગાઉ ઓનલાઇન બુકિંગ કરવું હિતાવહ છે.

– નર્મદા મહાઆરતીમાં ભાગ લેતી વખતે ધાર્મિક ભાવનાઓનું પાલન કરવુ.

– પોતાનો સામાન શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે ખાતે આવેલ લોકર રૂમમાં મુકવો.

– નર્મદા મહાઆરતી ઘાટ ખાતે પોતાની જગ્યા સમયસર લેવી.

– પોતાનું વાહન નિશ્ચિત પાર્કિંગમાં મુકવાનું રહેશે.

ગોરા નર્મદા ઘાટે પ્રતિબંધ, શુ ન કરવું

– નર્મદા મહાઆરતી ઘાટ ખાતે ડ્રોન કેમેરાના વપરાશ પર પ્રતિબંધ છે.

– નર્મદા મહાઆરતી ઘાટ ખાતે બહારના ખાદ્યપદાર્થો, નશીલા પદાર્થો, ગુટખા, ધુમ્રપાન પદાર્થો, હથિયારો અને કોઈ પણ પ્રકારનો દારૂગોળો, જ્વલનશીલ પદાર્થો, વાયર, ટ્રાઈપોડ્સ, વગેરે સાઈટ પર લઈ જવાની મનાઈ છે.

– મોટી બેગ અને લગેજ નર્મદા મહાઆરતી ઘાટ ખાતે લઈ જવાની મનાઈ છે.

– નર્મદા મહાઆરતી ઘાટ ખાતે નાસ્તો કે ભોજનની ચીજવસ્તુઓ લાવવાની અને તેનો ઉપયોગ કરવાની મનાઇ છે.

– નર્મદા મહાઆરતીમાં ભાગ લેવા સિવાય અન્ય ઉદ્દેશ્યથી હાજરી ના આપવી.

– પોતાની સાથે બિનજરૂરી ચીજવસ્તુઓ રાખવી નહીં.

– નર્મદા ઘાટ પર મહાઆરતી સમયે ચપ્પલ-બુટ ન પહેરતાં Shoe Rack માં મુકવાનો આગ્રહ રાખવો.

– નર્મદા મહાઆરતી ઘાટ પર કોઇ પણ પ્રકારની હિંસક પ્રવૃત્તિ ન કરવી.

ભિક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું નહીં.

– નર્મદા મહાઆરતી ઘાટ ખાતે થુંકવુ નહીં અને ઉપદ્રવ કરવો નહીં.

– નર્મદા મહાઆરતી ઘાટ પર પૂજારીને ખલેલ પહોંચાડવી નહીં.

– નર્મદા મહાઆરતી ઘાટ પર ફોટો કે વિડીયો લેવા માટે પોતાનું સ્થાન છોડવુ નહીં.

– નર્મદા મહાઆરતી ઘાટ પર કોઇ પણ પ્રકારની પૂજાવિધી કરવી નહીં.

– નર્મદા નદીમાં ફૂલ કે પૂજન સામગ્રી પધરાવવી નહીં કે દીવા તરતા મુકવા નહીં.

– નર્મદા નદીની સ્વચ્છતા જાળવી રાખવી કોઇ પણ પ્રકારની ગંદકી કરવી નહીં.

– નર્મદા મહાઆરતી માત્ર પૂજારી દ્વારા જ કરવામાં આવશે. દર્શનાર્થીએ આરતી કે પૂજાપો લાવવાનો થતો નથી.