શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટીપુ સુલતાનને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે કહ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કર્ણાટકમાં ટીપુ સુલતાનની પ્રશંસા કરી હતી, તો શું ભાજપ તેમના રાજીનામાની પણ માંગ કરશે? ભાજપે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. આ એક નાટક છે. ગઈકાલે, ભાજપે મુંબઈમાં એક બગીચાને ટીપુ સુલતાનના નામ પર રાખવાનો વિરોધ કર્યો હતો, અને દાવો કર્યો હતો કે મૈસુરના 18મી સદીના શાસકે હિન્દુઓ પર અત્યાચાર કર્યો હતો અને તેમનું નામ જાહેર સ્થળ માટે અસ્વીકાર્ય હતું.
સંજય રાઉતે કહ્યું, “રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટીપુ સુલતાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ટીપુ સુલતાન એક ઐતિહાસિક યોદ્ધા, સ્વતંત્રતા સેનાની હતા. શું ભાજપ રાષ્ટ્રપતિ પાસે રાજીનામું માંગશે? ભાજપે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. ભાજપ આ મુદ્દે ડ્રામા કરી રહી છે. ટીપુ સુલતાન વિશે આપણે જાણીએ છીએ. અમારે ભાજપ પાસેથી કંઈ શીખવાની જરૂર નથી.
ગઈકાલે મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે માલવાણી વિસ્તારના બગીચામાં નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે આ બગીચાનું નામ ટીપુ સુલતાન પર રાખવામાં આવ્યું છે અને કોઈ નવું નામ આપવામાં આવ્યું નથી. જ્યારે શેખ, મુંબઈ શહેરના પ્રભારી મંત્રી અને કોંગ્રેસના નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, ત્યારે ભાજપ યુવા મોરચા, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ નામ બદલવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.
ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં કહ્યું, “ટીપુ સુલતાન ઐતિહાસિક રીતે તેમના રાજ્યમાં હિંન્દુઓના અત્યાચાર માટે જાણીતા છે. આવા લોકોનું સન્માન ભાજપ ક્યારેય સ્વીકારશે નહીં. બગીચાને ટીપુ સુલતાનનું નામ આપવાનો નિર્ણય રદ કરવો જોઈએ.” મુંબઈ નગરપાલિકા પર શિવસેનાનું નિયંત્રણ છે.
