આજે 27મી સપ્ટેમ્બરે ‘વર્લ્ડ ટુરીઝમ ડે’ની ઉજવણી થઇ રહી છે. ત્યારે પાટડી તાલુકાના ઝીંઝુવાડાના ગામ ફરતે આવેલો જાજરમાન કિલ્લો કર્ણ સોલંકીના કુમાર સિદ્ધરાજ જયસિંહ દેવે સંવત 1165 (ઇ.સ.1109)માં મહાવદી ચોથના દિવસે ગઢ બાંધવાનું મુહુર્ત કર્યુ હતુ. વધુમાં આ ઐતિહાસિક કિલ્લાની અંદર 100 વીઘામાં પથ્થરની શીલાઓથી ઓંવારા સહિત સિંહસર નામનું તળાવ અને તેની બાજુમાં ઐતિહાસિક સમરવાવ આવેલી છે.
આ ઐતિહાસીક કિલ્લો કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમુનારૂપ ઝીંઝુવાડાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. આ કિલ્લો ચારે બાજુએથી સમચોરસ છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ દિશામાં એની લંબાઇ-પહોળાઇ 800 યાર્ડ છે. થોડા સમય અગાઉ પૂરાતત્વ વિભાગ દ્વારા ભવ્ય ભૂતકાળને વાગોળતા ઐતિહાસીક વારસાને જીવંત રાખવા એનું સમારકામ હાથ ધરાયું હતુ.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે આવેલા ઐતિહાસીક પાટડી નગરની ભૂમીના રજકણોંમાં સૈકાઓથી પ્રેમ, શોર્ય અને ધર્મનું સુમધુર મિલન થયેલું છે. પાટડીમાં દેસાઇ વંશની રાજસત્તા દરમિયાન મૃત્યુ પામેલા દરબારોની યાદમાં ઐતિહાસીક દેરાઓ બનાવેલા છે. જ્યારે દરબારોની હયાતીમાં મૃત્યુ પામેલી રાણીઓની યાદમાં દેરાના પાછળના ભાગમાં તુલસીના ક્યારા અને કુંવરોની યાદમાં નાની-નાની દેરીઓ બનાવેલી છે. આજે 27મી સપ્ટેમ્બરે “વર્લ્ડ ટુરીઝમ ડે”ની ઉજવણી થઇ રહી છે ત્યારે આ ઐતિહાસીક વારસાની મુલાકાત એ જીવનના એક લ્હાવા સમાન છે.
