પાટડીમાં પરંપરા યથાવત / સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કચ્છના નાના રણના પાટડીમાં નવરાત્રિમાં યુવાનોમાં ‘વાણીયા’ બનવાની અનોખી પરંપરા

નાના-નાના ભુલકાઓને ચોકલેટ આપી મનોરંજન પુરૂ પાડવાની સાથે લોકોને શિસ્તના પાઠ પણ શીખવે છે

Reporter Name: સચિન પીઠવા સુરેન્દ્રનગર

કોરોના વાયરસના પગલે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં માત્ર 400 ખેલૈયાને જ શેરી ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કચ્છના નાના રણના સીમાડે આવેલા પાટડી પાંચહાટડી વિસ્તારમાં યોજાતી પરંપરાગત નવરાત્રીમાં યુવાનો મોઢે માસ્ક પહેરી ભરવાડી ડ્રેસમાં ‘વાણીયા’ બને છે અને આ ‘વાણીયા’ નવરાત્રિમાં નાના-નાના ભુલકાઓને ચોકલેટ આપી મનોરંજન પુરૂ પાડવાની સાથે લોકોને શિસ્તના પાઠ પણ શીખવે છે.

બહેનો અને ભાઇઓના ગરબા અલગ-અલગ રમાડાય છે
ગુજરાતના પરંપરાગત રીતે ઉજવાતી નવલી નવરાત્રિમાં છેલ્લા બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. રાજ્ય સરકારે કોરોના વાયરસના પગલે વાયબ્રન્ટ નવરાત્રિ ઉત્સવ રદ કરવાની સાથે મોટા પાર્ટી પ્લોટમાં ઉજવાતી નવરાત્રિને પણ રદ કરી છે અને માત્ર 400 ખેલૈયાઓ સાથે શેરી ગરબાને છૂટ આપવાની રાજ્ય સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે. ત્યારે આ નવલી નવરાત્રિમાં આખી રાત ગરબે ઘુમવા યુવાધન હિલોળે ચઢ્યું છે. ત્યારે કચ્છના નાના રણના સીમાડે આવેલા પાટડી પાંચહાટડી ચોકમાં આઝાદીથી પરંપરાગતરીતે ગરબા યોજાય છે. જેમાં ગ્રામ્ય સંસ્કૃતિને ધ્યાનમાં રાખી આજે પણ બહેનો અને ભાઇઓના ગરબા અલગ-અલગ રમાડાય છે.

લોકોને શીસ્તના અનોખા પાઠ પણ શીખવવામાં આવે છે

પાટડી પાંચહાટડી ચોકમાં યોજાતા ગરબાની સૌથી વિશેષ ખાસીયત એ છે કે, અહીં ચોથા-પાંચમાં નોરતાથી ત્રણથી ચાર નવયુવાનો સફેદ ભરવાડી ડ્રેસમાં સજ્જ બની મોંઢે માસ્ક પહેરી ‘વાણીયા’ બને છે. આ વાણીયા બહેનો ગરબે રમતા હોય ત્યારે કુંડાળાની અંદર હાથમાં દાંડીયા સાથે ગરબેના રમતી મહિલાઓને ગરબામાં જોડાઇ જવા અને બહેનોના ગરબામાં અડચણરૂપ રીતે ઊભેલા યુવાનોને દાંડીયાના ઇશારે ત્યાંથી હટી જવાની સુચના આપવાની સાથે લોકોને શીસ્તના અનોખા પાઠ પણ શીખવે છે.

આ વાણીયા ગરબા દરમિયાન નાન‍ા-નાના ભુલકાઓને ચોકલેટ આપી મનોરંજન પણ પુરૂ પાડે છે. વધુમાં આ ‘વાણીયા’ બનેલા યુવાનોના દોસ્તારોની ટીમ એમની ચાલવા અને ઇશારો કરવાની સ્ટાઇલ પરથી એમને અનુમાનના આધારે વિવિધ નામો પોકારી ઓળખવાનો પ્રયત્ન પણ કરે છે.

પાટડી સહિત આજુબાજુના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર

આ અંગે પાટડી પાંચહાટડી ચોકના નવરાત્રીના આયોજક હર્ષદભાઇ પટેલ અને કિશોરભાઇ ઠક્કર જણાવે છે કે, પાટડીની પાંચહાટડી ચોકમાં વર્ષોથી પરંપરાગતરીતે યોજાતા ગરબામાં ‘વાણીયા’ બનવાની પરંપરા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પાટડીમાં આજેય હોંશભેર યોજાય છે. જે પાટડી સહિત આજુબાજુના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પાટડી નવરાત્રિમાં આખા શરીરે સફેદ ડ્રેસથી ઢંકાયેલા ‘વાણીયા’ ગરબા દરમિયાન પરસેવે રેબઝેબ થવા છતાં લોકોને અનેરૂ મનોરંજન પુરૂ પાડે છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment