ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજય ના અનેક શહેરોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે પાણી-પાણી થઈ ગયું છે. તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે . વલસાડમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ-વાપીમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાપીમાં બે કલાકમાં સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ચાર કલાકમાં વલસાડ શહેરમાં બે કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે ધરમપુરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
