Not Set/ આવો સ્થાપના દિવસે કુદરતના જતનનું પણ લઈએ….

@પ્રફુલ્લ ત્રિવેદી
આપણાં પ્રાણપ્યારા ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે. આ નંદનવનની સુંદરતા, શાણપણ, શિક્ષિતપણું તો જ ટકી રહેશે જો આપણને મળેલી અણમોલ ભેટ કુદરતનું જતન કરી શકીશું. આવો આપણે પર્યાવરણની રક્ષાનું સ્થાપના દિવસે પણ લઈએ અને ભાવી પેઢીને હર્યું ભર્યું ગુજરાત વારસામાં આપીએ.

Mantavya Exclusive
ગુજરાત

ગૌરવવંતા ગુજરાત નો આજે સ્થાપના દિવસ છે. શિક્ષિત, સુરક્ષિત, શાંતિપ્રિય ગુજરાત માં આજે ધંધા-ઉદ્યોગ અને ખેતીનો વ્યવસાય પણ ફાલ્યો ફુલ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ આજે વિકાસની દિશામાં હરણફાળ ભરી રહી છે. નંદનવન ગણાતા ગુજરાતનાં સિક્કાની બીજી બાજુ જોઈએ તો ગ્લોબલ વોર્મિંગમાં આજે 45 ડિગ્રી તાપમાનમાં લોકો તાપી રહ્યાં છે.

સ્થાપના દિને આપણે વાયુ અને જળ પ્રદુષણ અંગે પણ થોડી ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. સાબરમતી અને તાપી જેવી મોટી નદીઓમાં ઉદ્યોગગૃહોનો કેમિકલયુક્ત પ્રવાહી કચરો ઠલવાઈ રહ્યો છે. નાની નદીઓની તો વાત જ કરવા જેવી નથી. ક્યાંક પાણી સાથે ઢસડાઈ આવતા કાંપથી પુરાઈ ગઈ છે અને કિનારે ગેરકાયદે દબાણો થવા માંડ્યા છે. તળાવોની સ્થિતિ તો એથી પણ બદતર છે. તળાવોના  કેચમેન્ટ એરિયામાં બાંધકામો થઈ જતાં ચોમાસામાં પણ સૂકાભઠ્ઠ પડ્યા રહેતા તળાવોના તળિયા ગટરના ગંદા પાણીથી ખદબદે છે. નથી તો ચોમાસાના વહી જતાં પાણીને જમીનમાં ઉતારવાનું વ્યવસ્થિત અને નક્કર આયોજન કે નથી થતી જળસ્ત્રોતોની ખેવના. આપણે ભાવી પઢી માટે પાણીની તંગીને નિમંત્રણ આપી  રહ્યાં છીએ. કુદરત પ્રત્યેની ક્રૂરતા ભાવી સંતાનોને બહુ ભારે પડશે.

ગુજરાત

ગરમીના સમયે યાદ આવતા વૃક્ષોની પણ એવી જ હાલત છે. વિકાસના નામે આડેધડ કપાતા વૃક્ષો વિનાશને જ નોતરું મોકલી રહ્યા છે. અમદાવાદમાં દર વર્ષે 3000 મંજૂરીવાળા અને એટલાં જ બીજા 3000થી વધુ વૃક્ષો મંજૂરી વગર ગેરકાયદેસર કપાય છે.

બીજી તરફ મ્યુનિ. કોર્પોરેશનનું હપ્તાખાઉ ટીડીઓખાતું નવા બિલ્ડિંગોને BU-બિલ્ડિંગ યુઝ પરમીશન આપતી વખતે ઉગાડવા જોઈતા વૃક્ષ રોપવાનો આગ્રહ રાખવાના બદલે કુંડામાં વાવેલા વૃક્ષોના ફોટોગ્રાફને આંખો બંધ કરીને મંજૂરી આપી દે છે. છેલ્લા પાંચ વર્ષમાં BU વખતે વૃક્ષારોપણનો આગ્રહ રખાયો હોત તો હાલ 10 લાખથી વધુ નવા વૃક્ષો લહેરાતા હોત. પર્કોલેટિંગવેલનો આગ્રહ રાખ્યો હોત તો અત્યાર સુધીમાં ચાર લાખ પર્કોલેટિંગવેલ હોત. જેના વડે જમીનમાં ચોમાસાનું પાણી ઉતારી શકાયું હોત. માનવજાતના કલ્યાણ અર્થે ઘડાતા નિયમો પીંક નોટોના બંદલમાં ક્યાંય ખોવાઈ જાય છે.

ગુજરાતનું ગૌરવ તો જ વધશે જો કુદરતનું જતન થશે. જળ અને વાયુના પ્રદૂષણને ઊગતા જ ડામી દેવાશે. બાકી મ્યુનિ.તંત્ર અને GPCB શું કરે છે, તે કોઈથી પણ અજાણ્યું નથી.

આ પણ વાંચો : ‘હું કટ્ટર ઈમાનદાર છું’: ભરૂચમાં કેજરીવાલ ઉવાચ