Surendranagar School Cleaning Video:સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉમેદપર ગામની પ્રાથમિક શાળા (School) માંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં કુમળા વિદ્યાર્થી (Student)ઓ નોટ-પેનના બદલે હાથમાં સાવરણા પકડીને શાળાના પટાંગણમાં સફાઈ કરતા જોઈ શકાય છે. આ ઘટનાનો વીડિયો (Video) સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેને લઈને શિક્ષણ વ્યવસ્થાની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડીના ઉમેદપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ પાસેથી શાળા (School)ના પટાંગણ અને આસપાસના વિસ્તારની સફાઈ કરાવવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થીઓ હાથમાં સાવરણા લઈ જમીન પરની ગંદકી સાફ કરી રહ્યા છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં જ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

વિદ્યાર્થીઓ પાસે સાફ-સફાઈ કરાવવી કેટલા અંશે યોગ્ય…?
સ્થાનિક ગ્રામજનોએ આ ઘટનાનો વીડિયો વાયરલ કરતા આક્ષેપ કર્યો છે કે શાળામાં બાળકોને ભણતર આપવાની જગ્યાએ તેમને સફાઈ કામમાં લગાવવામાં આવી રહ્યા છે. કુમળા વિદ્યાર્થીઓ પાસે આવી રીતે કામ કરાવવું કેટલા અંશે યોગ્ય છે તે મુદ્દે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગની ભૂમિકા પર પણ સવાલ ઊભા થયા છે. પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ સાથે નૈતિક મૂલ્યો શીખવાડવામાં આવે તે જરૂરી છે, પરંતુ ભણતરનો સમય ઘટાડીને તેમને શારીરિક શ્રમ કરાવવો શિક્ષણના હેતુ સામે જાય છે કે કેમ તે બાબતે ચર્ચા શરૂ થઈ છે.
શાળા (School)ના વિદ્યાર્થીઓનો સફાઈ કરાવવાનો વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી શાળા સંચાલન અથવા શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. જોકે, વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી સફાઈ કરાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તા અને બાળકોના અધિકારો અંગે પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે અને વિદ્યાર્થીઓના હિતમાં શું પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર અકસ્માતમાં એકનું મોત
આ પણ વાંચો: સુરેન્દ્રનગર લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત
આ પણ વાંચો: LCB કચેરીના શૌચાલયમાં ચોરીના આરોપીની આત્મહત્યા
