Punjab News/ કપૂરથલા જેલમાં કેદીઓનો બળવો,જેલમાં ભારે હિંસા

રાત્રે લગભગ 8:30 વાગ્યે જેલ (Jail)ની અંદર એક કેદી અને અન્ય કેદીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો

Top Stories India Breaking News
પંજાબના કપૂરથલા (Kapurthala) સ્થિત મોડર્ન જેલ (Jail)માં શનિવારે રાત્રે ભારે હિંસક ઘટના સર્જાઈ હતી

Punjab News : પંજાબના કપૂરથલા (Kapurthala) સ્થિત મોડર્ન જેલ (Jail)માં શનિવારે રાત્રે ભારે હિંસક ઘટના સર્જાઈ હતી. કેદીઓના બે જૂથો વચ્ચે થયેલી નાની બોલાચાલીએ થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આખું જેલ પરિસર અશાંત બની ગયું. કેદીઓએ બેરેકમાં તોડફોડ કરી, આગ લગાડવાનો પ્રયાસ કર્યો અને પોલીસ તેમજ જેલ પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન કર્યું.

મળતી માહિતી અનુસાર, રાત્રે લગભગ 8:30 વાગ્યે જેલ (Jail)ની અંદર એક કેદી અને અન્ય કેદીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો વધતા અનેક કેદીઓ ઉશ્કેરાઈ ગયા અને જેલની મિલકતમાં તોડફોડ શરૂ કરી દીધી. હિંસક બનેલા કેદીઓએ બેરેક નંબર 4 ની દિવાલો તોડી નાખી હતી, જેના કારણે જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પરિસ્થિતિ વધુ બગડતા કેદીઓએ જેલ (Jail)ના કેટલાક ભાગોમાં આગ ચાંપવાનો પ્રયાસ પણ કર્યો હોવાના અહેવાલ છે. જેલ સુરક્ષા કર્મચારીઓ અને પોલીસએ કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે કેદીઓએ તેમના પર પણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કેદીઓ જેલ પ્રશાસન પર ગંભીર આરોપો લગાવતા જોવા મળે છે. કેદીઓનો દાવો છે કે તેમને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. કેટલાક કેદીઓએ તો તેમના એક સાથી કેદીને ગોળી વાગ્યાનો પણ આરોપ મૂક્યો છે, જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

જેલની બહાર પાંચથી છ એમ્બ્યુલન્સ તૈનાત જોવા મળતાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત ભારે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર જેલ વિસ્તારને સુરક્ષાચક્ર હેઠળ લઈ લેવાયો હતો.

આ મામલે જાલંધર રેન્જના ડીઆઈજીએ મોડી રાત્રે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. સાથે જ જેલ સુરક્ષામાં થયેલી ખામીઓ અને હિંસાના મૂળ કારણોની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.


આ પણ વાંચો : ઇક્વાડોર જેલમાં હિંસા થતાં 20 કેદીઓના મોત,પાંચ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો : મેક્સિકો જેલમાં હિંસા થતાં 56 કેદીઓ ઘાયલ,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : રાજ્યપાલ બોઝ મુર્શિદાબાદ ગયા અને હિંસા પીડિતોને મળ્યા, ભાજપે કહ્યું ‘જો કેજરીવાલ-સોરેન જેલમાં જઈ શકે છે, તો મમતા કેમ નહીં’