Surat News/ ઉધનામાં દારૂના અડ્ડા પર જનતા રેડ

જનતા રેડ (Public Raids)દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ વીડિયો ઉતારતા લોકોને રોકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો

Gujarat Surat
એમ ફોર માર્કેટ પાસે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા સામે સ્થાનિકો અને મહિલાઓએ મળીને ‘જનતા રેડ’ (Public Raids)પાડી હતી

Surat News : સુરતના ઉધના વિસ્તારમાં ફરી એકવાર પ્રોહિબિશનના મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. એમ ફોર માર્કેટ પાસે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા સામે સ્થાનિકો અને મહિલાઓએ મળીને ‘જનતા રેડ’ (Public Raids)પાડી હતી. ઘટનાસ્થળ પરથી સામે આવેલા વીડિયો અને તસવીરોમાં જાણે કોઈ ઓપન બાર ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખુલ્લેઆમ દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સાથે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

રેડ દરમિયાન સ્થાનિક યુવકનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ભારે આક્રોશ સાથે કહી રહ્યો હતો કે, “આ દારૂના અડ્ડાને કારણે મારી બહેનની છેડતી પણ થઈ છે.” આ ગંભીર આક્ષેપ બાદ સ્થળ પર હાજર મહિલાઓ વધુ ભડકી ઉઠી હતી. મહિલાઓએ દાવો કર્યો કે વિસ્તારમાં ચાલતા દારૂના દૂષણને કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને યુવતીઓની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે.

સ્થળ પરથી મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ તેમજ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. એટલું જ નહીં, લોકોને ત્યાં બેસીને દારૂ પીવા માટે ખુલ્લી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અચાનક મોટી સંખ્યામાં પહોંચતા દારૂ પીનારા અને વેચનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી.

આ સમગ્ર મામલે PI આર.એમ. ઠાકોરે જણાવ્યું કે, રાત્રે 112 પર મળેલી જાણના આધારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલ કાયદેસરની કાર્યવાહી તેમજ કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

જનતા રેડ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ વીડિયો ઉતારતા લોકોને રોકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જેના કારણે લોકો વધુ ઉશ્કેરાયા હતા અને મહિલાઓએ તે વ્યક્તિને આડે હાથ લીધો હતો. ઘટનાસ્થળે ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

વાયરલ વીડિયોમાં કેટલીક મહિલાઓએ પોલીસ પ્રશાસન અને સરકાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. મહિલાઓએ દાવો કર્યો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ ક્યાંથી આવે છે? સાથે જ કેટલાક લોકોએ પૂર્વ કોર્પોરેટર નાગરભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરીને આ અડ્ડાઓ રાજકીય આશીર્વાદ હેઠળ ચાલતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. જોકે, આ આક્ષેપોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે આવા બૂટલેગરો અને અસામાજિક તત્વોના કારણે વિસ્તારમાં મહિલાઓની છેડતી અને ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. લોકોએ પોલીસ સમક્ષ છુપાવી રાખેલો દારૂનો જથ્થો પણ રજૂ કર્યો હતો.

આ જનતા રેડમાં સ્થાનિકો ઉપરાંત કેટલાક સામાજિક અને રાજકીય સંગઠનોના કાર્યકરો પણ જોડાયા હતા. વીડિયોમાં કોંગ્રેસના ખેસ પહેરેલા કાર્યકરો તેમજ ભીમ આર્મીના સભ્યો પણ લોકોના સમર્થનમાં હાજર જોવા મળ્યા હતા. વિપક્ષ અને સામાજિક સંગઠનોએ સુરત પોલીસની પ્રોહિબિશન કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ઉધના વિસ્તારમાં ભાજપના કાર્યકર જય દલાલની હત્યાનો કેસ પણ ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં બૂટલેગર ગેંગના નામ સામે આવ્યા હતા અને હજી સુધી મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે ફરી એકવાર દારૂના અડ્ડા સામે જનતા રસ્તા પર ઉતરતાં સુરત પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે.


આ પણ વાંચો : કેશોદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, મહિલા સરપંચે કહ્યું- રજૂઆત છત્તા કાર્યવાહી ન થઈ

આ પણ વાંચો : દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, ઢાબાની આડમાં ચાલતા દારૂના દૂષણ પર હલ્લાબોલ

આ પણ વાંચો : કડીમાં દારૂના અડ્ડા બંધ કરાવા MLAના ધક્કા, પોલીસને કરી રજૂઆત