Maharashtra News/ લોહાગઢ કિલ્લાના CCTV ફૂટેજથી સિયાના પ્રેમીનો થયો ખુલાસો, 33°C ગરમીમાં હૂડી પહેરવી બની શંકાનું કારણ

પુણે (Pune) ના લોહગઢ કિલ્લામાં બિલ્ડર કેતન અગ્રવાલની હત્યા કેસમાં મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને ખીણમાં ધકેલી હત્યા કર્યાનો પોલીસનો ખુલાસો, બંનેની ધરપકડ.

Top Stories India
Maharashtra

Maharashtra News: મહારાષ્ટ્રના પુણે (Pune) નજીક આવેલા લોહગઢ કિલ્લામાં બિલ્ડર કેતન અગ્રવાલની હત્યા કેસની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે હવે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરતાં જણાવ્યું છે કે કેતન અગ્રવાલ અને તેની મંગેતર સિયા ગોયલનો પીછો કરતા ટોપીધારી એક વ્યક્તિના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ મળતા જ પોલીસ વધુ સતર્ક બની ગઈ છે અને તપાસને નવી દિશા મળી છે.

આશરે 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવા છતાં તે વ્યક્તિ હૂડી પહેરીને ફરતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું, જે તેમને અસામાન્ય લાગ્યું. તેની શંકાસ્પદ હરકતોને ધ્યાનમાં રાખીને પોલીસે કેતનના મોતની વધુ ગંભીરતાથી તપાસ શરૂ કરી. શરૂઆતમાં આ ઘટના ટ્રેકિંગ દરમિયાન બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ આ વિગતો સામે આવતા તપાસમાં નવો વળાંક આવ્યો છે.

સિયાએ અકસ્માતની ખોટી કહાની ઘડી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 18 જૂને ટ્રેકિંગ દરમિયાન મોતને ભેટેલા 26 વર્ષીય કેતનના કેસમાં શરૂઆતમાં અકસ્માતની વાત કરવામાં આવી હતી. કેતનની મંગેતર સિયાએ તેના પરિવારને જણાવ્યું હતું કે ટ્રેકિંગ દરમિયાન પગ લપસવાથી કેતન ખીણમાં પડી ગયો હતો. જોકે, બાદમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો કે સિયા અને તેના પ્રેમી ચેતન પર કેતનને ખીણમાં ધકેલી દેવાનો આરોપ છે.

પોલીસને કેવી રીતે થઈ શંકા?

તપાસ દરમિયાન પોલીસને કેટલીક એવી મહત્વપૂર્ણ વિગતો મળી હતી, જેના આધારે સમગ્ર ઘટનાને લઈને શંકા ઊભી થઈ હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, શરૂઆતમાં અકસ્માત માનવામાં આવેલી આ ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસના ભાગરૂપે લોહગઢ કિલ્લાના ટિકિટ કાઉન્ટર નજીકના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં કેતન અને સિયા સાથે ચાલતા નજરે પડ્યા હતા. જોકે, તેમની પાછળ થોડા અંતરે એક શંકાસ્પદ વ્યક્તિ પણ દેખાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ વ્યક્તિએ શોર્ટ્સ અને હૂડી પહેરી હતી અને હૂડી એટલી નીચે ખેંચેલી હતી કે તેનો ચહેરો ઓળખી શકાય તેમ નહોતો. ઉપરાંત તેણે હૂડી ઉપર હેડસેટ પણ પહેર્યું હતું. અન્ય એક ફૂટેજમાં સિયા અચાનક પાછળ ફરીને જોતી જોવા મળી હતી, ત્યારે પાછળ ચાલતો હૂડીધારી વ્યક્તિ તરત જ નીચે નમી ગયો હતો.

આ વર્તન પોલીસને અસામાન્ય લાગ્યું હતું. વધુમાં, પોલીસે 18 જૂનના દિવસનું તાપમાન તપાસતાં તે આશરે 33 ડિગ્રી સેલ્સિયસ હોવાનું જાણવા મળ્યું હતું. આટલી ગરમીમાં કોઈ વ્યક્તિ હૂડી પહેરીને ફરતો હોવાને કારણે પોલીસની શંકા વધુ ગાઢ બની હતી, જેના આધારે તપાસનો દિશાબદલ થયો હતો.

સગાઈ બાદ સિયાએ લગ્ન મુલતવી રાખવાની કરી હતી ચર્ચા

તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે સિયાએ લગ્ન અંગે અગાઉથી જ સંકોચ દર્શાવ્યો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કેતનના નિધન બાદ પરિવાર શોકમાં હોવાથી શરૂઆતમાં તેમની વિગતવાર પૂછપરછ શક્ય બની નહોતી. જોકે બાદમાં કેતનના કાકાએ પોલીસને જણાવ્યું હતું કે સિયાએ એક પ્રસંગે લગ્ન એક વર્ષ માટે મુલતવી રાખવાના વિશે વાત કરી હતી.

ફેબ્રુઆરી મહિનામાં સિયા અને કેતનની સગાઈ થઈ હતી, જ્યારે નવેમ્બરમાં ઉદયપુર ખાતે તેમના લગ્ન યોજાવાના હતા. પરિવાર દ્વારા લગ્ન માટે એક મહેલ પણ બુક કરાવવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન કેતનની બહેન સંજના સહિત પરિવારના અન્ય સભ્યોના નિવેદનોમાં પણ કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી હતી. તેમના જણાવ્યા મુજબ, ઘટનાથી પહેલાં સિયા વારંવાર કેતનને લોહગઢ કિલ્લા પર પોતાની સાથે જવા માટે આગ્રહ કરતી હતી. 31 મેના રોજ તે કેતનને કિલ્લા પર લઈ ગઈ હતી અને ત્યારબાદ 4 જૂને ફરી ત્યાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે કેતનની માતાએ બીજી વખત કિલ્લા પર જવાની મંજૂરી આપી નહોતી. આ વિગતો સામે આવતા પોલીસે સમગ્ર ઘટનાની વધુ ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.

પ્રી-વેડિંગ શૂટ પહેલાં જ રચાઈ હતી કેતનને દૂર કરવાની યોજના

પોલીસ તપાસ મુજબ, કેતન અને સિયા પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બાલી જવાના હતા. આરોપ છે કે આ પ્રવાસ પહેલાં જ સિયા અને ચેતન કેતનને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે તેમની પ્રથમ યોજના સફળ થઈ નહોતી, કારણ કે બાલી જવાના થોડા સમય પહેલાં કેતનનો પાસપોર્ટ શંકાસ્પદ રીતે ગુમ થઈ ગયો હતો.

તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે 14 જૂને સિયાએ કેતનને લોહાગઢ કિલ્લા ખાતે જવા માટે મનાવ્યો હતો. ત્યાં તેણે કથિત રીતે કેતનને ખીણ તરફ ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કેતને સમયસૂચકતા દાખવી નજીકની ઝાડી પકડી લેતાં પોતાનો જીવ બચાવી લીધો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટનાથી ચોંકી ગયેલા કેતને સિયાને ધક્કો મારવાનું કારણ પૂછ્યું હતું. ત્યારે સિયાએ નજીકમાં સાપ હોવાની ખોટી વાત કહી અને સમગ્ર ઘટનાને બચાવના પ્રયાસ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સિયાની કોલ ડિટેલ્સમાંથી ખુલ્યા રહસ્યો.

ઘટના બાદ તપાસ એજન્સીઓએ તપાસને વધુ વિસ્તૃત કરી અને કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) તેમજ ડિજિટલ કોમ્યુનિકેશન સહિતના ટેકનિકલ પુરાવાઓની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે સિયા સતત એક વ્યક્તિ સાથે સંપર્કમાં હતી. બાદમાં આ વ્યક્તિ તેનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી તરીકે ઓળખાયો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ટેકનિકલ ડેટાના વિશ્લેષણથી બંને વચ્ચે ખૂબ નજીકના સંબંધો હોવાનું સ્પષ્ટ થયું, જેના આધારે સમગ્ર મામલો પૂર્વયોજિત કાવતરાનો ભાગ હોવાની શંકા વધુ મજબૂત બની હતી. ત્યારબાદ પોલીસે ચેતન ચૌધરી સાથે જોડાયેલા ફોટોગ્રાફ્સ અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી હતી. આ તસવીરોની કિલ્લા વિસ્તારમાંથી મળેલા CCTV ફૂટેજ સાથે સરખામણી કરવામાં આવતા તપાસકર્તાઓનું ધ્યાન ટોપી પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિ તરફ ગયું હતું.

આ રીતે ચેતન ચૌધરીની ઓળખ બહાર આવી અને તેની ધરપકડ કરવામાં આવી

તપાસ દરમિયાન એકત્ર થયેલા ટેકનિકલ પુરાવા અને ગુપ્ત બાતમીના આધારે પોલીસની ટીમોએ ચેતન ચૌધરી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન મળેલી માહિતી અને અન્ય પુરાવાઓને જોડતાં સિયા અને ચેતન દ્વારા અગાઉથી ઘડાયેલ કાવતરાનો ભંડાફોડ થયો હતો. આ સમગ્ર ઘટનાના મૂળમાં સિયા અને ચેતન વચ્ચેનો સંબંધ તેમજ કેતન સાથે લગ્ન ન કરવાની સિયાની ઇચ્છા મુખ્ય કારણ તરીકે સામે આવી છેતરીકે સામે આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન પોલીસ અધિકારીઓએ ચેતનને એ પણ સવાલ કર્યો હતો કે ભાગી જવાના વિકલ્પને બદલે તેણે કેતનની હત્યાનો માર્ગ કેમ પસંદ કર્યો. તો તેમણે કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે સિયા સગાઈ તોડી ચેતન સાથે ભાગી જવા તૈયાર નહોતી, કારણ કે તેને તેના પરિવારની પ્રતિષ્ઠા પર અસર થવાની ચિંતા હતી.

તપાસમાં મળેલા પુરાવા અને નિવેદનોના આધારે પોલીસે સિયા અને ચેતન ચૌધરી બંનેની ધરપકડ કરી હતી. બંને સામે હત્યા અને ગુનાહિત કાવતરું રચવાના ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


આ પણ વાંચો : પુણેમાં ઉદ્યોગપતિના પુત્ર કેતનના મોતનો ભેદ ઉકેલાયો, મંગેતરે જ પ્રેમી સાથે મળીને ખીણમાં ધકેલ્યો હતો!

આ પણ વાંચો : અમદાવાદના 9 વર્ષ જૂના હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પત્નીની હત્યા મામલે પતિની ધરપકડ

આ પણ વાંચો : અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા