India Russia Relations: અમેરિકા અને પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સતત મજબૂત બની રહ્યા છે. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF) દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ તેમજ વૈશ્વિક રાજકીય અને આર્થિક મુદ્દાઓ અંગે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
‘મોદી અને ભારત પર દબાણ લાવવું શક્ય નથી’
વૈશ્વિક પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન પુતિને પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા પર નિશાન સાધતાં કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચેના સહયોગને ઘટાડવા માટે દબાણ લાવવાના પ્રયાસો લાંબા સમયથી થઈ રહ્યા છે. જોકે, હવે સમગ્ર વિશ્વ સમજી ગયું છે કે ભારત અને પીએમ મોદી પર કોઈપણ પ્રકારનું રાજકીય દબાણ લાવવું સરળ નથી.
તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યું છે અને તેના પરિણામે દેશે વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ભારતની આર્થિક પ્રગતિના કર્યા વખાણ
ભારતની આર્થિક શક્તિનો ઉલ્લેખ કરતાં પુતિને કહ્યું કે ખરીદ શક્તિ સમતા (PPP)ના આધારે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમણે જણાવ્યું કે ચીન, અમેરિકા, ભારત અને રશિયા હાલ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને આ દેશોએ જાપાન તેમજ અનેક યુરોપીયન દેશોને પાછળ છોડી દીધા છે.
પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અંગે આપ્યો જવાબ
કાર્યક્રમ દરમિયાન એક ભારતીય પત્રકારે રશિયાના ચીન અને પાકિસ્તાન સાથે વધતા સંબંધો અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં પુતિને જણાવ્યું કે રશિયા ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન વચ્ચેના તમામ સંવેદનશીલ મુદ્દાઓથી પરિચિત છે.
તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો જટિલ અને બહુઆયામી છે, તેથી આવા મુદ્દાઓમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. રશિયા બંને દેશો સાથે મિત્રતાપૂર્વકના સંબંધો જાળવી રાખે છે અને સતત સંપર્કમાં રહે છે.
‘પાકિસ્તાન કોઈના નિયંત્રણમાં નથી’
ચર્ચા દરમિયાન જ્યારે એક પત્રકારે દાવો કર્યો કે પાકિસ્તાન સંપૂર્ણપણે ચીનના પ્રભાવ હેઠળ કાર્ય કરે છે, ત્યારે પુતિને આ વાત સાથે અસહમતી વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાન એક સ્વતંત્ર અને પ્રભુત્વ ધરાવતું રાષ્ટ્ર છે, જેના વિશ્વના અનેક દેશો સાથે મજબૂત સંબંધો છે. ચીન સાથેની તેની આર્થિક ભાગીદારી મહત્વપૂર્ણ છે, પરંતુ આજના સમયમાં લગભગ દરેક દેશ ચીન સાથે વેપાર અને રોકાણ સંબંધો વિકસાવવા ઈચ્છે છે.
ભારત-રશિયા સંબંધો વધુ મજબૂત બનવાના સંકેત
પુતિનના નિવેદનોને ભારત-રશિયા વચ્ચે વધતા વ્યૂહાત્મક અને આર્થિક સહયોગના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે પણ બંને દેશો વચ્ચે ઊર્જા, સંરક્ષણ અને વેપાર ક્ષેત્રે સહકાર સતત વધી રહ્યો છે.
