કાલોલ શહેરના સીમાડે આવેલી ગોમા નદીના પટમાં ધણા સમયથી પરવાનગી વિના રેતી અને માટીનું દરરોજ બેફામ ખનન કરતા માફીયાઓએ આખી નદીને ફોલીને કોતર બનાવી દીધી છે. તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા ગોરખધંધાને પરિણામે બેફામ બનેલા માફીયાઓ એ ગોમા નદીમાં ઠેર ઠેર મોટા ખાડા ઓ પાડી નદીના પર્યાવરણનો દાટ વાળી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેર અને જેતપુર ગામ વચ્ચે આવેલા આ સમગ્ર વિસ્તારમાં એક પણ લીઝ આપવામાં આવી નથી. તેમ છતાં પણ દરરોજ નદીમાં જેસીબી, ટ્રેકટરો, ટ્રક મારફતે ટનબંધ માટી અને રેતીનુ વહન કરવામાં આવે છે. જેને રોકવા માટે કોઈ રણીધણી નથી. અત્રે કાલોલ શહેરના સીમાડે આવેલી નદી પટના દોલતપુરા, ગોલીબાર, હિન્દુ સ્મશાન ભૂમિથી જેતપુર પંચાયત વિસ્તારોમાં રોજબરોજ જેસીબી મશીનથી ટ્રેકટરો, ટ્રકો અને ડમ્પરો ધમધમે છે અને સરકારી ખનીજનુ સરેઆમ લૂંટ મચાવી વેચાણ કરી લાખ્ખો રૂપિયા રળી લેવામાં આવે છે. આવા ગેરકાયદે રેતી અને માટીના ટ્રેક્ટર ડમ્પરો કાલોલ શહેરમાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન સામેથી પસાર થાય છે પરંતુ કોઈ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ગોમા નદીમાં મચાવેલી આ લુંટને પગલે ઠેર ઠેર નદીના કિનારાઓનું ધોવાણ કરી જ્યાં રેતી અને બેટ મળે ત્યાં તોતિંગ ખાડાઓ ચોમાસામાં મોતના કુવાઓ જેવા બનાવી દીધા છે. તદ્ઉપરાંત નદી તટ પર રહેતા સ્થાનિકો માટે આવવા જવાના રસ્તાઓ પણ રહેવા દીધા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોમા નદીમાં સરેઆમ ખનીજ ચોરી કરતા માથાભારે માફિયાઓએ પોતાના વોટસએપ સ્ટેટસ પર પોતે ખનીજ માફિયા હોવાનું ખુલ્લેઆમ સ્ટેટસ મૂકીને જાગૃત લોકો અને વહિવટી તંત્રને ચેલેન્જ આપી રહ્યા છે કે પછી પૈસાને જોરે તંત્રને ખરીદીને તંત્રને પોતાના મોબાઈલની આંગળીએ નચાવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
કાલોલ શહેરથી જેતપુર ગામ સુધીની ગોમા નદીમાં નદીના પટ અને તટ સહિતના પર્યાવરણનું સત્યાનાશ વાળી રહેલા ખનન માફિયાઓને રોકવાની ત્રેવડ સ્થાનિક કોઈ તંત્રમાં નથી તે સ્પષ્ટ નજરે પડે છે. તેથી ગોમા નદીના ખનીજ અને પર્યાવરણને બચાવવા માટે ઉચ્ચતંત્ર સત્વરે જાગી બેફામ બનેલા ખનન માફીયાઓને રોકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
અહો વૈચિત્રમ….
કાલોલ શહેર અને તાલુકાની ગોમા નદીમાં બેફામપણે થતા રહેલા ખનીજ ખનન સામે તટીય ગામનું પંચાયત તંત્ર, પોલીસતંત્ર અને મામલતદાર વિભાગ સુધી કોઈને કશું દેખાતું નથી. દરેક તંત્ર ખાણ ખનીજ વિભાગને થપ્પો આપી હાથ ઉંચા કરી દે છે, જ્યારે બીજી તરફ ખાણ ખનીજ વિભાગને પુછો કે રજુઆત કરો તો અમારે આખા જિલ્લામાં જોવાનું હોય, અમારે સ્ટાફ ઓછો છે, આજે આ વિસ્તારમાં છીએ એમ કહીને ગલ્લા તલ્લાં કરી દે છે. ટૂંકમાં દરેક તબક્કે દરેક માફિયાઓ સાથે દરેક સ્થાનિક તંત્રની સાંઠગાંઠ અને મીલીભગતની રહેમ નજર હેઠળ ચાલતા ગોરખધંધાઓને રોકવા માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તેથી ગોમા નદીના ઉજજડ વનમાં માફીયાઓ જેવા એરંડાઓનું રાજ ધમધમી રહ્યું છે. બાકી સમગ્ર તંત્ર નિંદ્રાધીન જોવા મળે છે.
અત્રે આશ્ચર્ય છે કે જે તંત્ર દરરોજ નાકાબંધી કરી એક માસ્ક કે હેલ્મેટ વિનાના નિર્દોષ લોકોને ઉભા રાખીને દંડે છે એ તંત્રને એ જ નાકાબંધી પરથી આરામથી પાસ પરમીટ વિના રોડ પર ઓવરલોડ ભરીને ઢાંકયા વિના ખુલ્લેઆમ રોડ પર રેતી વેરતા ગેરકાયદે વહન કરી જતા ટ્રેક્ટર, ટ્રેલર કે ટ્રકો કેમ દેખાતા નથી એ મોટો સવાલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
