New Delhi News/ સાહિલની FIR ન નોંધાય ત્યાં સુધી નહીં હટીએ, રાહુલ ગાંધીનો મોદી-શાહ સરકાર પર આરોપ

સાહિલની FIR નોંધવાની માગ સાથે રાહુલ ગાંધીએ કર્યા દિલ્હી પોલીસ સ્ટેશન બહાર ધરણા. ટ્ટીટ કરીને FIR નોંધી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા કરી માગ.

NATIONAL India Breaking News
FIR

New Delhi News:દિલ્હીમાં વિદ્યાર્થી સાહિલ લોચબને કથિત રીતે પેલેટ ગનથી ઇજા પહોંચાડવાના મામલે FIR (First Information Report) નોંધવાની માંગને લઈને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સાહિલની FIR નોંધાય નહીં ત્યાં સુધી તેઓ અડગ રહેશે અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન ન મળે ત્યાં સુધી ન્યાય માટે લડત ચાલુ રાખશે.

સાહિલની FIR માટે રાહુલ ગાંધીના ધરણા

21 ઓગસ્ટે રાહુલ ગાંધી (Rahul Gandhi)સાહિલ લોચબ અને તેની માતા સાથે દિલ્હી સ્થિત પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સાહિલની ફરિયાદ પર કેસ નોંધવાની માગ કરવામાં આવી હતી. પોલીસ તરફથી FIR નોંધવામાં ન આવતાં રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસી ગયા હતા.

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના શાસનમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો પર પેલેટ ગન (Pellet Gun) ચલાવી શકાય છે, પરંતુ તેમને ન્યાય મળી શકતો નથી. તેમણે કહ્યું કે FIR નોંધાય અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન મળે ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે.

20 જુલાઈના વિરોધ દરમિયાન સાહિલને ઇજા

સાહિલ લોચબને 20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થી વિરોધ દરમિયાન કથિત રીતે પેલેટથી ઇજા થઈ હતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ, સાહિલની એક આંખની દૃષ્ટિ પર ગંભીર અસર થઈ છે અને તેના શરીર પર પણ પેલેટની ઇજાઓ થઈ હતી. જોકે, દિલ્હી પોલીસે વિરોધ દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કર્યો હોવાનો ઇનકાર કર્યો છે.

સાહિલે 14 ઓગસ્ટે વકીલો સાથે પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી હોવાનો કોંગ્રેસનો દાવો છે. ત્યારબાદ 17 ઓગસ્ટે ઈમેલ અને ફોન મારફતે ફરિયાદ અંગે માહિતી માંગવામાં આવી હતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ, ફરિયાદ અંગે FIR નંબર અથવા તપાસ અધિકારીની માહિતી આપવામાં આવી નહોતી.

‘ન્યાય ના મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે’

રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ સાહિલને ન્યાય અપાવવાનો છે. તેમણે કહ્યું કે FIR નોંધાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી મળે ત્યાં સુધી તેઓ પીછેહઠ નહીં કરે. દરમિયાન દિલ્હી પોલીસે જણાવ્યું છે કે સાહિલની ફરિયાદને ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)ને મોકલવામાં આવશે, કારણ કે 20 જુલાઈના વિરોધ સંબંધિત ફરિયાદોની તપાસ પહેલેથી જ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.


આ પણ વાંચો: રાહુલ ગાંધી પેલેટ ગન કેસમાં ઘાયલ સાહિલને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા, FIRની માંગ સાથે DCP ઓફિસ બહાર ધરણા

આ પણ વાંચો:રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; વીર સાવરકર માનહાની કેસ અને સમન રદ

આ પણ વાંચો: રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન સમાપ્ત! સરકાર સાથે સહમતિ બાદ રાહુલ ગાંધીનું મોટું નિવેદન