Gujarat Weather Update: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) વરસી શકે છે. આજે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 10 જૂન સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. જોકે, વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
