india weather update/ દિલ્હી-યુપીમાં આંધી-વરસાદથી હવામાનમાં મોટો પલટો, અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, ઉત્તરથી મધ્ય ભારતમાં ગરમીથી રાહત

ઉત્તરથી મધ્ય ભારત સુધી પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી દિલ્હી-યુપી (Delhi-UP) સહિત અનેક રાજ્યોમાં આંધી, વરસાદ અને કરાવૃષ્ટિથી ગરમીમાં રાહત મળી, પરંતુ ભારે પવનના કારણે નુકસાન અને જનજીવન પણ પ્રભાવિત થયું.

Top Stories India
Delhi

India Weather Update: ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત સુધી ગુરુવારે હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. પશ્ચિમી વિક્ષોભ સક્રિય બનતા દિલ્હી (Delhi) એનસીઆર સહિત અનેક રાજ્યોમાં તેજ આંધી, વરસાદ અને કેટલાક વિસ્તારોમાં કરા પડતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. જોકે, અનેક સ્થળોએ ખરાબ હવામાનને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હવામાનનું સ્વરૂપ બદલાયું હતું. અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

ભારે પવનથી વૃક્ષો-વીજ થાંભલા ધરાશાયી, એકનું મોત

નોવડા અને ગાઝિયાબાદમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને ભારે નુકસાન સર્જ્યું હતું. અનેક વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા હતા. એક નિર્માણાધીન ઇમારત પર કામ કરી રહેલા શ્રમિકનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષણમંત્રીના કાફલા પર પડ્યો વીજ થાંભલો, 4 પોલીસકર્મી ઘાયલ

હરિયાણામાં ધૂળભરી આંધી અને વરસાદ વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રી મહિપાલ ઢાંડાના કાફલાની પાયલટ ગાડી પર વીજ થાંભલો પડી જતાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

પંજાબમાં કરા સાથે વરસાદ, હિમાચલમાં પાકોને ભારે નુકસાન

પંજાબના અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કાંગડા સહિતના વિસ્તારોમાં વરસાદ અને ઓલાવૃષ્ટિને કારણે સફરજન, ટામેટાં અને વટાણા સહિતના પાકોને નુકસાન પહોંચ્યું હતું.

પવન-વરસાદના તાંડવથી છાપરાં ઊડ્યાં, કેરીના પાકને ફટકો

ઉત્તરાખંડના દેહરાદૂન અને મસૂરી સહિત અનેક વિસ્તારોમાં આંધી-વરસાદનો માહોલ રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં પણ બપોર બાદ હવામાન બદલાયું હતું. અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસતા ટીનના છાપરાં ઊડી ગયા હતા અને કેરીના કાચા ફળ જમીન પર ખર્યા હતા. હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

યુપીના અનેક વિસ્તારોમાં આંધી-વરસાદની સંભાવના

ઉત્તર પ્રદેશના પશ્ચિમ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, ઝાપટાં અને તેજ પવનની અસર જોવા મળી હતી. જોકે લખનૌ અને મધ્ય યુપીમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. હવામાન વિભાગે 7 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં આંધી અને હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

રાજસ્થાનમાં હવામાનનો ડબલ એટેક, આંધી સાથે ગરમીનો માર

રાજસ્થાનમાં ધૂળભરી આંધીનો દોર ચાલુ રહ્યો હતો. શ્રીગંગાનગરમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જ્યારે બીકાનેર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.

મધ્ય પ્રદેશમાં 70 કિમીની ઝડપે પવન સાથે વરસાદ

મધ્ય પ્રદેશના ભોપાલ, શ્યોપુર, વિદિશા અને હરદા સહિતના જિલ્લાઓમાં 70 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે પવન સાથે વરસાદ પડ્યો હતો. છત્તીસગઢમાં પણ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ તેજ બનતા હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે.

દિલ્હી (Delhi) એરપોર્ટ પર ફ્લાઇટ સેવા ખોરવાઈ

દિલ્હી-એનસીઆરમાં બપોર બાદ આવેલા ધૂળભર્યા વાવાઝોડા અને વરસાદની અસર હવાઈ સેવાઓ પર પણ જોવા મળી હતી. દૃશ્યતા ઘટી જતાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાન સંચાલન પ્રભાવિત થયું હતું.

ખરાબ હવામાનને કારણે દિલ્હી આવતી લગભગ એક ડઝન ફ્લાઇટ્સને અન્ય શહેરોમાં ડાયવર્ટ કરવી પડી હતી. જ્યારે દિલ્હીથી ઉડાન ભરનારી અનેક ફ્લાઇટ્સ એકથી બે કલાક સુધી મોડી પડી હતી.

બેંકોક, ફૂકેટ અને મસ્કટથી આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સહિત મુંબઈ, ગોવા, કોલકાતા, પ્રયાગરાજ, જમ્મુ, પુણે, પૂર્ણિયા અને અમૃતસરથી દિલ્હી આવતી અનેક સ્થાનિક ફ્લાઇટ્સને લખનૌ, જયપુર અને ચંડીગઢ તરફ વાળવામાં આવી હતી.

ગરમીથી પરેશાન લોકોને આ હવામાન પરિવર્તને રાહત આપી છે, પરંતુ અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદને કારણે નુકસાન તથા અવરજવરમાં મુશ્કેલીઓ પણ સર્જાઈ છે.


આ પણ વાંચો: ગુજરાતમાં જામશે વરસાદી માહોલ, આગામી 5 દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

આ પણ વાંચો: ઉચ્ચ લાયકાત છુપાવીને ઓછી લાયકાતની નોકરી મેળવવી અયોગ્ય: સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો: PM Surya Ghar યોજના : ગુજરાતને 5 રાષ્ટ્રીય એવોર્ડ