New Delhi News : ગુજરાતે ફરી એકવાર દેશના અગ્રણી નવીનીકરણીય ઊર્જા રાજ્ય તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી છે. ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત PM સૂર્ય ઘર (PM Surya Ghar) : મુફ્ત બિજલી યોજના અંતર્ગત ‘Month of Solar – May 2026’ પહેલ હેઠળ ગુજરાતે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી Category B રાજ્યોમાં દેશવ્યાપી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.
PM સૂર્ય ઘર (PM Surya Ghar) : મુફ્ત બિજલી યોજનાના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીના હસ્તે આપુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય વતી શાલિની અગ્રવાલ, IAS, મેનેજિંગ ડિરેક્ટર, GUVNL દ્વારા આ પુરસ્કારો સ્વીકારવામાં આવ્યા હતા.

ગુજરાતે ‘Month of Solar – May 2026’ પહેલ હેઠળ નીચેની કેટેગરીમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે:
* PM સૂર્ય ઘર (PM Surya Ghar) એક્સેલન્સ એવોર્ડ – ઉત્કૃષ્ટ અમલીકરણ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર
* નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ
* સૌથી વધુ રૂફટોપ સોલર સ્થાપનાઓનું કમિશનિંગ
* DISCOM દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ
* સૌથી વધુ વેન્ડર નોંધણીઓ
‘MNRE દ્વારા 1 મે 2026થી 31 મે 2026 દરમિયાન આયોજિત ‘મંથ ઓફ સોલાર – મે 2026’ અભિયાન દરમિયાન ગુજરાતમાં 3,06,230 ગ્રાહક અરજીઓ પ્રાપ્ત થઈ, 35,311 રૂફટોપ સોલાર સ્થાપનો કાર્યાન્વિત થયા, 42,554 ડિસ્કોમ નિરીક્ષણો પૂર્ણ કરવામાં આવ્યા તથા 210 નવા વેન્ડરોની નોંધણી થઈ. આ કામગીરીના આધારે ગુજરાતે કેટેગરી-બી રાજ્યોમાં તમામ ચાર કામગીરી આધારિત શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
PM સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહકઅરજીઓ તથા 6.81 લાખ રૂફટોપ સોલર સ્થાપનાઓ હાંસલ કરી છે.
અભિનંદન પાઠવતાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ, IASએ જણાવ્યું હતું કે, “ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનથી પ્રેરિત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, તથા ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ અને માનનીય રાજ્યકક્ષાના ઊર્જામંત્રી કૌશિક વેકરિયા અને મુખ્ય સચિવના નેતૃત્વમાં ગુજરાતે રૂફટોપ સોલાર અપનાવવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આ પુરસ્કારો સૌર ઊર્જાને અપનાવનાર દરેક નાગરિકના છે.”
