Ahmedabad News: અમદાવાદના અમુક વિસ્તારોમાં આવતીકાલે પાણીકાપ છે. જાસપુર પ્લાન્ટની પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાના કારણે પ્રહલાદનગર અને જોધપુર વિસ્તારમા પાણી નહીં આવે. જોધપુરના પ્રમુખ અને ગોકુલ આવાસમાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત વેજલપુરના ગામતળ અને સૂર્યનગરમાં પણ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ સિવાય શ્રદ્ધા અને બળદેવનગર વિસ્તારમાં પણ પાણી પુરવઠો ખોરવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ જાસપુર પ્લાન્ટની પાઇપલાઇનમાં મોટું લીકેજ જોવા મળ્યું છે. હવે જો સમયસર આ લીકેજનું સમારકામ કરવામાં ન આવ્યું તો લાખો લિટર પામીનો બગાડ થઈ શકે છે. આ સમારકામ માટે પાણી બંધ રાખવું અનિવાર્ય હોવાથી પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે અગાઉથી જ પાણી ભરી લે જેથી પાણી કાપ દરમિયાન કોઈ તકલીફનો સામનો કરવો ન પડે.
તંત્રએ જણાવ્યું હતું કે સમારકામની કામગીરી વહેલા પૂરી કરીને વહેલામાં વહેલી તકે પુરવઠો પૂર્વવત્ કરવામાં આવશે. તંત્ર દ્વારા પ્રહલાદનગરથી આનંદનગર જતા ચાર રસ્તા પર પેન્ટાલૂનના શો રૂમની નજીક આવેલા જાસપુર પ્લાન્ટની 800 મીમી વ્યાસની મુખ્ય એમએસ લાઇનના લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન પ્રહલાદનગર જંકશન પાસેની પાણીની બ્રાન્ચ લાઇનનો વાલ્વ બંધ રાખવામાં આવશે.
