Gujarat Weather Update: રાજ્યમાં એક તરફ ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
બીજી તરફ રાજ્યમાં ગરમી અને ઉકળાટનો પ્રકોપ યથાવત રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીમાંથી ખાસ રાહત નહીં મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હાલમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે.
અમદાવાદમાં 40.6 ડિગ્રી, ગાંધીનગરમાં 39.1 ડિગ્રી અને વડોદરામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં 35.2 ડિગ્રી, રાજકોટમાં 39.7 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં રાજ્યનું સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી અસર જોવા મળી શકે છે, પરંતુ ગરમી અને ઉકળાટમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
