Rajkot News: રાજકોટ મહાનગરપાલિકામાં (Rajkot Municipal Corporation) ભાજપની નવી ટીમે સત્તા સંભાળ્યાના 6 મહિના પૂર્ણ થઈ ગયા હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને (Education Committee) હજુ સુધી ચેરમેન અને વાઈસ ચેરમેન મળ્યા નથી. શહેરની 100થી વધુ શાળાઓનો વહીવટ સંભાળતી આ મહત્ત્વપૂર્ણ સમિતિમાં સભ્યોની બિનહરીફ વરણી થયાને પણ દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં પ્રદેશ કક્ષાએથી પદાધિકારીઓની નિમણૂક અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિણામે નવનિયુક્ત સભ્યો પણ રાહ જોઈ રહ્યા છે અને સમિતિના વહીવટ સામે સવાલો ઊભા થયા છે.
Education Committee: 250થી વધુ દાવેદારોમાંથી 15 સભ્યોનું બોર્ડ બન્યું
પ્રાપ્ત વિગતો મુજબ, ગત માર્ચ મહિનામાં અગાઉના બોર્ડની ટર્મ પૂર્ણ થયા બાદ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 67 અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. પ્રચંડ બહુમતી મળ્યા છતાં મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓની નિમણૂકમાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો. આખરે 28 મેના રોજ ભાજપની નવી ટીમે સત્તા સંભાળી હતી. હવે શિક્ષણ સમિતિમાં પણ નિમણૂકની પ્રક્રિયા અટવાઈ હોવાનું સામે આવ્યું છે.
શિક્ષણ સમિતિના સભ્યપદ માટે ભાજપ પ્રમુખ સમક્ષ 250થી વધુ દાવેદારોએ અરજીઓ કરી હતી. પ્રદેશ કક્ષાએથી પસંદગીની પ્રક્રિયા દરમિયાન અનેક સિનિયર ચહેરાઓનાં નામ કપાયાં હતાં. મેયર દ્વારા 12 સભ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જોકે, વિવાદ ટાળવા માટે સંવાદ દ્વારા સર્વસંમતિ સાધવામાં આવતાં ચૂંટણી બિનહરીફ યોજાઈ હતી. તેમાં ભાજપના 11 અને કોંગ્રેસના 1 સભ્ય બિનહરીફ જાહેર થયા હતા. આ ઉપરાંત સરકારી સભ્યો તરીકે બે નામ મોકલવામાં આવતાં કુલ 15 સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણીની પ્રક્રિયા આગળ વધી નથી.
પ્રદેશ કક્ષાએ સર્વસંમતિનો અભાવ હોવાની ચર્ચા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ 100થી વધુ શાળાઓનો વહીવટ આવે છે. સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેન 2.5-2.5 વર્ષની ટર્મ માટે મહત્ત્વપૂર્ણ સત્તાઓ સાથે કામગીરી કરતા હોય છે. પરંતુ તેમની નિમણૂકમાં થઈ રહેલા વિલંબને કારણે ભાજપના જ એક વર્ગમાં નારાજગી અને સંગઠનનું વાતાવરણ ઠંડું પડ્યું હોવાની ચર્ચા છે.
રાજકોટથી લઈને પ્રદેશ કક્ષાના કમલમ સુધી ચેરમેન અને વાઈસ ચેરમેનનાં નામ (Chairman Appointment) અંગે સર્વસંમતિ સધાઈ શકી નથી તેવી ચર્ચા પણ ચાલી રહી છે. અન્ય શહેરોમાં પણ નિમણૂકો બાકી હોવાનું કારણ ઉચ્ચ જવાબદારો દ્વારા આગળ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સ્થાનિક ભાજપ સંગઠન નવનિયુક્ત સભ્યોને નિમણૂક અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નથી.
નીતિગત નિર્ણયો સામે પ્રશ્નાર્થ
શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક ન થતાં સમિતિની કામગીરીની દિશા અને નીતિગત નિર્ણયો લેવાની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. શહેરની 100થી વધુ શાળાઓ સાથે જોડાયેલા વહીવટની જવાબદારી ધરાવતી સમિતિમાં પદાધિકારીઓની વરણી ક્યારે થશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
આ પણ વાંચો: લીંબડી હાઈવે પર રિવોલ્વર ઝૂંટવી ભાગતા આરોપી પર PSIનું ફાયરિંગ, આરોપીને પગમાં ગોળી વાગી
આ પણ વાંચો: અમરેલીના જાફરાબાદ તાલુકાના નાના અને મોટા લોઠપુર ગામમાં દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો સામે આવી
આ પણ વાંચો: બનાસકાંઠાના ભાગળ ગામે અલ્પેશ ઠાકોરની સભા, હિન્દુ પરિવારો પર હુમલાનો આક્ષેપ
