Ahmedabad News:ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) જાણીતા શિવકથાકાર રાજેશ કાશીગીરી ગોસ્વામી ઉર્ફે રાજુ બાપુની ચુંગાલમાં ફસાયેલી 28 વર્ષીય યુવતીને લઈને ચર્ચામાં આવેલા સંવેદનશીલ કેસમાં મહત્વનો આદેશ આપ્યો છે.કોર્ટે વડોદરા (Vadodara) પોલીસકમિશનરના સીધા નિરીક્ષણ હેઠળ કેસની તપાસ કરવાના આદેશ જારી કર્યા છે.આ કેસમાં એક તરફ યુવતીના પરિવારજનો તેને બચાવવા મથી રહ્યા છે, તો બીજી તરફ રાજુ બાપુની શિષ્યા હિતિષાદીદી ગોસ્વામીએ હેબિયસ કોર્પસ રિટ અરજી કરીને યુવતીને પરિવારના “બંધન”માંથી મુક્ત કરાવવાની માંગ કરી છે.
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આપ્યા તપાસના આદેશ

રાજુ બાપુના (Raju Bapu) અનુયાયીઓમાં ગણાતી 28 વર્ષીય યુવતી છેલ્લા આઠ વર્ષથી તેમની શિષ્યા છે. હિતિષાદીદી ગોસ્વામી, જે પોતે પણ રાજુ બાપુના શિષ્ય છે અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુવાડા નજીક ભોમેશ્વર મહાદેવ આશ્રમમાં આધ્યાત્મિક જીવન વિતાવી રહી છે, તેમણે હાઈકોર્ટમાં ( High Court) અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે યુવતી સંન્યાસી બનવા ઈચ્છે છે, પરંતુ તેના માતા-પિતા અને પરિવારજનો તેને ઘરમાં કેદ કરી રાખીને ત્રાસ આપી રહ્યા છે.

યુવતીએ પોતે મેસેજ કરીને હિતિષાદીદીને મદદ માંગી છે અને તેને “બચાવી લેવા”ની અપીલ કરી છે.બીજી તરફ, યુવતીના પિતા અને ભાઈએ રાજુ બાપુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે રાજુ બાપુ તેમની પુત્રીને જાતીય શોષણનો ભોગ બનાવી રહ્યા છે અને તેને બ્રેઈનવોશ કરીને પોતાની ચુંગાલમાં ફસાવી રાખ્યા છે. પરિવારજનો યુવતીને બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.

આ અત્યંત સંવેદનશીલ કેસમાં ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) જસ્ટિસ એન.એસ. સંજય ગૌડા અને જસ્ટિસ ડી.એમ. વ્યાસની ખંડપીઠે બંને પક્ષના આક્ષેપોની વિગતવાર તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે વડોદરા પોલીસને નિર્દેશ આપ્યો છે કે તેઓ સમગ્ર કેસની સર્વગ્રાહી તપાસ કરીને સત્ય શું છે તે જાણી, ચાર સપ્તાહમાં વિગતવાર અહેવાલ અદાલત સમક્ષ રજૂ કરે. કેસની આગામી સુનાવણી 19મી જાન્યુઆરીએ રાખવામાં આવી છે.આ કેસ ધાર્મિક ગુરુઓના અનુયાયીઓ સાથેના સંબંધો, વ્યક્તિગત સ્વતંત્રતા અને પરિવારના અધિકારો જેવા મુદ્દાઓને ઉજાગર કરે છે. યુવતીની ઉંમર 28 વર્ષ હોવાથી તે પુખ્ત છે અને પોતાના જીવનના નિર્ણયો લેવાનો અધિકાર ધરાવે છે, પરંતુ પરિવારના આરોપોને ધ્યાનમાં રાખીને કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.
