Rajula Bypass Diesel Shortage: અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલી ડીઝલની તીવ્ર અછત બાદ આજે સ્થિતિ વધુ વણસી હતી. રાજુલા બાયપાસ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર ત્રણ દિવસના લાંબા ઈંતેજાર બાદ ડીઝલનો નવો જથ્થો આવ્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. પરિણામે, જોતજોતામાં સેંકડો વાહનચાલકો ઈંધણ પુરાવવા માટે પંપ પર ઉમટી પડ્યા હતા અને વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી.
Rajula બાયપાસ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ
પેટ્રોલ પંપ પર એકસાથે મોટી સંખ્યામાં ટ્રક, ટ્રેક્ટર, એસટી બસો અને અન્ય કોમર્શિયલ વાહનો લાઈનમાં આવી જતાં રાજુલા બાયપાસ રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર વાહનોની લાંબી લાઈનોના કારણે આખો રસ્તો ચક્કાજામ થઈ ગયો હતો. કલાકો સુધી વાહનોના પૈડાં થંભી જતાં સામાન્ય મુસાફરો, ખાનગી વાહનચાલકો અને સ્થાનિક લોકો ધોમધખતા તાપમાં ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા અને ભારે પરેશાની ભોગવવી પડી હતી.
પરિસ્થિતિ થાળે પાડવા રાજુલા પોલીસ મેદાને
ડીઝલ મેળવવા માટે વાહનચાલકો વચ્ચે કોઈ ઘર્ષણ, ઉગ્ર બોલાચાલી કે અરાજકતા ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજુલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પેટ્રોલ પંપ પર પહોંચીને વાહનોની લાઈનો વ્યવસ્થિત કરાવી મામલો શાંત પાડ્યો હતો. આ સાથે જ હાઈવે પરથી વાહનોને ધીમે-ધીમે પસાર કરાવીને કલાકોની જહેમત બાદ ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો:હોર્મુઝમાં તણાવ વધતા તેલ મોંઘું થયું અને શેરબજાર ગગડ્યું, પેટ્રોલ-ડીઝલના ભાવ પર તોળાતું સંકટ
આ પણ વાંચો:વૈશ્વિક GDP રેન્કિંગમાં ભારત છઠ્ઠા સ્થાને સરક્યું, જાણો શું છે મુખ્ય કારણો
આ પણ વાંચો:ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટીમાં 34 રૂપિયાનો જંગી વધારો, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ પર શું થશે અસર?
