રામાયણ/ રામાયણના વાલીનો મહાભારત કાળમાં જરા તરીકે પુનર્જન્મ થયો હતો…

રામાયણ યુગના વિષ્ણુના અવતાર રામનો મહાભારત યુગમાં કૃષ્ણ તરીકે પુનર્જન્મ થયો. વાલીનો જન્મ જરા નામના પારધી તરીકે થયો. જરા આકસ્મિક રીતે જ કૃષ્ણના મૃત્યુનું કારણ બન્યો.

Dharma & Bhakti
tulsi 12 રામાયણના વાલીનો મહાભારત કાળમાં જરા તરીકે પુનર્જન્મ થયો હતો...

વાનરરાજ સુગ્રીવના મોટાભાઈ વાલીને એવું વરદાન હતું કે એની સાથે જે કોઈ દ્વંદ્વયુદ્ધ કરે એની અડધી શક્તિ વાલીને મળી જાય. એક વાર રાવણે અજેય વાલીને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યો. ક્રોધિત વાલીએ રાવણને એના માથાથી ઢસડીને આખી પૃથ્વી ફરતે ફેરવ્યો અને એની પાસે હાર કબુલાવી.

વાલીએ બળજબરી પૂર્વક સુગ્રીવની પત્ની અને એનું રાજય કિસ્કીંધા પડાવી લીધાં. સુગ્રીવ એનું રાજય છોડીને ભાગ્યો અને વાનરવીર હનુમાનને મળ્યો. દરમ્યાનમાં, વનમાં સીતાને શોધી રહેલા રામે કદંબ નામના રાક્ષસનો વધ કર્યો. રામ દ્વારા મૃત્યુ મળતાં કદંબ શ્રાપમુક્ત થયો. એણે રામને સીતાની શોધ માટે સુગ્રીવની મદદ લેવા જણાવ્યું.

રામ સુગ્રીવને મળ્યા ત્યારે એણે રામ પાસે પોતાને વાલીથી બચાવવા મદદ માંગી. રામે વાલીનો વધ કરવા નક્કી કર્યું.

વાલી અને સુગ્રીવ દ્વંદ્વયુદ્ધ કરી રહ્યા હતા ત્યારે રામે ઝાડ પાછળ છુપાઈને વાલી પર પ્રહાર કર્યો. ક્રોધિત વાલીએ રામ પર આક્ષેપ કર્યો કે રામે એને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યા વગર દગો કર્યો છે. રામે એને કહ્યું કે જો કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે તો સદાચારી માણસની ફરજ છે કે એને સજા કરે. રામ એ પણ જાણતા હતા કે એમણે યુદ્ધના નિયમનો ભંગ કરીને વાલીનો વધ કર્યો છે. આથી એમણે વાલીને વચન આપ્યું કે એમના-વિષ્ણુના બીજા અવતારમાં વાલી એમના મૃત્યુ માટે નિમિત્ત બનશે અને એ રીતે આ ઘટનાનો બદલો લેશે.

રામાયણ યુગના વિષ્ણુના અવતાર રામનો મહાભારત યુગમાં કૃષ્ણ તરીકે પુનર્જન્મ થયો. વાલીનો જન્મ જરા નામના પારધી તરીકે થયો. જરા આકસ્મિક રીતે જ કૃષ્ણના મૃત્યુનું કારણ બન્યો. પીપળાના ઝાડ નીચે પગ ટેકવીને સુતેલા કૃષ્ણને એણે દુરથી તીર માર્યું જે કૃષ્ણના પગની પાની વીંધીને કૃષ્ણની છાતીમાં વાગ્યું. આમ રામનું વાલી પ્રત્યેનું ઋણ ચૂકતે થઇ ગયું!