Gandhinagar News: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના નાગરિકો તેમજ ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન મારફતે મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડીને બંને જિલ્લાઓમાં પહોંચાડવાની મંજૂરી આપી છે.
મચ્છુ-2માંથી 600 ક્યુસેક પાણી છોડાશે
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લિંક-1 (Sauni Link 1)મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ પાણીનો ઉપયોગ દેવભૂમિ દ્વારકા (Dwarka)અને જામનગર (Jamnagar)જિલ્લાના સ્થાનિક પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે. સરકારના નિર્ણય મુજબ, મચ્છુ-2 જળાશયમાંથી ઉપાડવામાં આવતા પાણીમાં સૌપ્રથમ પીવાના પાણીની જરૂરિયાતને પ્રાધાન્ય આપવામાં આવશે. પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ બચતા પાણીનો ઉપયોગ ખેતી અને સિંચાઈ માટે કરવામાં આવશે.
ઓછા વરસાદ વચ્ચે સરકારનો નિર્ણય
સૌરાષ્ટ્ર (Saurashtra)ના આ વિસ્તારોમાં સામાન્ય રીતે સ્થાનિક ડેમોના માધ્યમથી સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી બની છે.
નર્મદા બેસીનમાં પણ પાણીનો સંગ્રહ સામાન્ય સ્થિતિની સરખામણીએ ઓછો હોવા છતાં દ્વારકા અને જામનગરના નાગરિકો તથા ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
પીવાના પાણી અને સિંચાઈમાં રાહતની આશા
સૌની યોજના (Sauni Yojana)ની પાઇપલાઇન મારફતે પાણી ઉપલબ્ધ કરાવવાના આ નિર્ણયથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થવાની સાથે સિંચાઈ માટે પણ રાહત મળવાની આશા છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, પાણીના ઉપયોગમાં પીવાના પાણીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ ઉપલબ્ધ જથ્થા પ્રમાણે સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે.
આ પણ વાંચો: રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને પાણી પુરવઠા વિભાગમાં ૨૫૦૦ યુવાઓનું નવું માનવબળ ઉમેરાયું
આ પણ વાંચો:ગુજરાત પાણી પુરવઠા વિભાગનો એન્જિનીયર 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો: પાટણમાં ગટરનું પાણી કેનાલ-તળાવ સુધી પહોંચ્યું! GPCBએ નગરપાલિકાને આપી કડક ચેતવણી
