Business News: નાના વ્યવસાયો અને માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ સુધીની ક્રેડિટ સુવિધા આપતી માઇક્રો ક્રેડિટ કાર્ડ સ્કીમ (ME-Card) ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ નાના વ્યવસાયોને કાર્યકારી મૂડી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.
ME-Card: કોને મળશે 5 લાખ સુધીની ક્રેડિટ?
ME-Card માટે માઇક્રો એન્ટરપ્રાઇઝનું કેન્દ્ર સરકાર (PM Modi)ના ઉદ્યોગ પોર્ટલ પર રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. કાર્ડ જારી કરવું કે નહીં અને કેટલી ક્રેડિટ લિમિટ આપવી તેનો અંતિમ નિર્ણય સંબંધિત બેંક અથવા ધિરાણકર્તા પોતાની ક્રેડિટ તપાસ અને નીતિ પ્રમાણે કરશે.
આ યોજના હેઠળ કાર્ડધારકને 5 લાખ સુધીની પ્રી-અપ્રૂવ્ડ રિવોલ્વિંગ ક્રેડિટ લિમિટ મળી શકે છે. એટલે કે સામાન્ય ટર્મ લોનની જેમ એકસાથે રકમ લેવાને બદલે વ્યવસાયની જરૂરિયાત પ્રમાણે મંજૂર મર્યાદામાંથી રકમનો ઉપયોગ કરી શકાય છે.
અરજી માટે કોઈ જોડાવાની ફી નહીં
ME-Card માટે અરજદારો પાસેથી કોઈ જોડાવાની ફી લેવામાં આવતી નથી. વાર્ષિક ફી કાર્ડની મર્યાદાના 1 ટકા અથવા 1,000, બેમાંથી જે ઓછું હોય તે સુધી મર્યાદિત છે. આ યોજનામાં UPI, Account Aggregator Framework અને ડિજિટલ એપ્લિકેશન ફોર્મ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પ્રક્રિયા સરળ અને ઓછા કાગળકામ સાથે થઈ શકે.
વ્યાજ દર RBIની માર્ગદર્શિકા મુજબ સંબંધિત બેંક અથવા ધિરાણકર્તા નક્કી કરશે.
બિઝનેસમાં ક્યાં કામ આવશે?
નાના વેપારીઓ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ આ ક્રેડિટ સુવિધાનો ઉપયોગ વિવિધ વ્યવસાયિક જરૂરિયાતો માટે કરી શકે છે.
કાચો માલ ખરીદવા
ઇન્વેન્ટરી વધારવા
દૈનિક વ્યવસાયિક ખર્ચ માટે
કામચલાઉ રોકડની અછત દૂર કરવા
અન્ય વર્કિંગ કેપિટલ જરૂરિયાતો માટે
રિવોલ્વિંગ ક્રેડિટની ખાસિયત એ છે કે મંજૂર મર્યાદામાંથી જરૂર મુજબ રકમનો ઉપયોગ કરી શકાય છે અને ચુકવણી કર્યા બાદ ફરીથી ઉપલબ્ધ ક્રેડિટનો ઉપયોગ કરી શકાય છે.
2025ના બજેટમાં થઈ હતી જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2025ના કેન્દ્રીય બજેટ 2025-26માં માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી હતી.
બજેટ જાહેરાત મુજબ ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે 5 લાખ સુધીની મર્યાદાવાળા ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી હતી. પ્રથમ વર્ષમાં આવા 10 લાખ કાર્ડ જારી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
MSMEની વ્યાખ્યામાં પણ ફેરફાર
સરકારે MSMEની વ્યાખ્યા હેઠળ રોકાણ અને ટર્નઓવરની મર્યાદામાં પણ વધારો કર્યો છે. સૂક્ષ્મ ઉદ્યોગો માટે રોકાણની મર્યાદા 1 કરોડથી વધારીને 2.5 કરોડ અને ટર્નઓવરની મર્યાદા 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવી છે.
નાના ઉદ્યોગો માટે રોકાણની મર્યાદા 25 કરોડ અને ટર્નઓવર મર્યાદા 100 કરોડ કરવામાં આવી છે. જ્યારે મધ્યમ ઉદ્યોગો માટે રોકાણની મર્યાદા 125 કરોડ અને ટર્નઓવર મર્યાદા 500 કરોડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઇન્ટના નામે ₹1.85 લાખની સાયબર ઠગાઈ, વેપારી બન્યા શિકાર
આ પણ વાંચો:આજથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર; ક્રેડિટ કાર્ડથી લઈને GST નિયમો સુધી આ 8 ફેરફાર લાગુ
