New Delhi news : રસોડામાં રોજિંદા ઉપયોગમાં લેવાતી હિંગને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ બે જાણીતી બ્રાન્ડ્સની કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. લેબોરેટરી તપાસમાં બંને બ્રાન્ડની હિંગ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ ન હોવાનું સામે આવતા તેને પ્રતિબંધિત કરવામાં આવી છે.
FSSAIએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ અને લાલજી ગોધુ એન્ડ કંપની (LG બ્રાન્ડ)ની કમ્પાઉન્ડેડ હિંગના સેમ્પલની તપાસ કરી હતી. તપાસમાં હિંગની ગુણવત્તાને લઈ ખામીઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એવરેસ્ટ અને લાલજી ગોધૂની હિંગના વેચાણ પર FSSAIએ લગાવ્યો પ્રતિબંધ
ગ્રાહકની ફરિયાદ બાદ FSSAIએ બજારમાં ઉપલબ્ધ (Everest Hing) હિંગની ગુણવત્તાની તપાસ કરી હતી. મુંબઈની સેન્ટ્રલ લાઇસન્સ યુનિટ્સ તેમજ ગુજરાતના ઉમરગામ ખાતે આવેલી એવરેસ્ટની યુનિટ (Everest Unit)માંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી ટેસ્ટમાં કેટલાક સેમ્પલ નિર્ધારિત ગુણવત્તા ધોરણોને અનુરૂપ ન હોવાનું સામે આવ્યું.
તપાસ દરમિયાન હિંગમાં ગેરરિતિ મળી આવી
નિયમો અનુસાર કમ્પાઉન્ડેડ હિંગમાં અસલી હિંગ ઉપરાંત ગુંદર, સ્ટાર્ચ અને લોટ જેવા ઘટકોનો ઉપયોગ થઈ શકે છે. જોકે, તેમાં ઓછામાં ઓછા 5 ટકા આલ્કોહોલ સોલ્યુબલ એક્સટ્રેક્ટ હોવું જરૂરી છે. FSSAIની તપાસમાં એવરેસ્ટ અને LG બ્રાન્ડની હિંગમાં આ પ્રમાણ 0થી 3-4 ટકા વચ્ચે હોવાનું સામે આવ્યું. એટલે કે નિર્ધારિત ધોરણની સરખામણીએ અસલી હિંગનો ઘટક ઓછો હોવાનું તપાસમાં જણાયું.
LG બ્રાન્ડની હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ પણ વધુ
લાલજી ગોધુ (Lalji Godhu)ની યુનિટમાંથી લેવામાં આવેલા અસલી હિંગના છ અલગ સેમ્પલની પણ તપાસ કરવામાં આવી હતી. તેમાં સ્ટાર્ચનું પ્રમાણ 15થી 32 ટકા સુધી હોવાનું જાણવા મળ્યું. જ્યારે સંબંધિત ધોરણો અનુસાર સ્ટાર્ચનું પ્રમાણ 1 ટકાથી વધુ ન હોવું જોઈએ. આ પરિણામને કારણે FSSAIએ ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
એવરેસ્ટના અન્ય મસાલા પર પ્રતિબંધ નથી
FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે હાલનો પ્રતિબંધ કમ્પાઉન્ડેડ હિંગના પ્રોડક્ટ્સ પૂરતો મર્યાદિત છે. એવરેસ્ટના અન્ય મસાલા પ્રોડક્ટ્સ, જેમ કે અંડા કરી મસાલા, ચિકન કરી મસાલા અને ગરમ મસાલાના વેચાણ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જોકે, આ ત્રણ મસાલાના કેટલાક સેમ્પલમાં લેબલિંગ સહિત કેટલીક નોન-કમ્પ્લાયન્સ સામે આવી હોવાનું જણાવાયું છે. તેમ છતાં આ પ્રોડક્ટ્સ પર વેચાણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.
કંપનીઓને સુધારાત્મક પગલાં લેવા સૂચના
FSSAIએ બંને કંપનીઓને જરૂરી સુધારાત્મક કાર્યયોજના રજૂ કરવા સૂચના આપી છે. સાથે જ ભવિષ્યમાં નિર્ધારિત ગુણવત્તા ધોરણોનું પાલન કરીને હિંગનું ઉત્પાદન કરવાની સૂચના આપવામાં આવી છે. બજારમાં પહેલેથી ઉપલબ્ધ નબળી ગુણવત્તાની હિંગને પાછી લેવા માટે પણ કંપનીઓને સૂચના આપવામાં આવી છે.
શું છે કમ્પાઉન્ડેડ હિંગ?
કમ્પાઉન્ડેડ હિંગ એટલે એવી હિંગ જેમાં અસલી હિંગને અન્ય મંજૂર ઘટકો જેમ કે ગુંદર, સ્ટાર્ચ અને લોટ સાથે મિશ્ર કરીને તૈયાર કરવામાં આવે છે. આવા પ્રોડક્ટ્સ માટે પણ ખાદ્ય સુરક્ષા નિયમો હેઠળ ચોક્કસ ગુણવત્તા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. FSSAIની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બજારમાં વેચાતા ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા જાળવવી અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
આ પણ વાંચો:FSSAI નો મોટો નિર્ણય; ખાંડ અને ફેટવાળા પેકેડ ફૂડ પર લાગશે લાલ રંગનો સ્ટૉપ સાઇન ચેતવણી લેબલ
