Daman news/ તહેવારો પહેલા FSSAIની કાર્યવાહી, ઘીમાં ભેળસેળના સંકેત મળતાં દમણની SDP ઇન્ડસ્ટ્રીઝના તમામ ઘી વેરિઅન્ટ્સ પર પ્રતિબંધ

દમણની SDP ઇન્ડસ્ટ્રીઝના ઘીના તમામ વેરિઅન્ટ્સના વેચાણ પર FSSAIએ પ્રતિબંધ મૂક્યો. લેબોરેટરી તપાસમાં ધોરણોનું ઉલ્લંઘન અને ભેળસેળના સંકેત મળ્યા.

NATIONAL India Breaking News
FSSAI

Daman News: દમણની SDP ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત ઘી (Ghee)ના તમામ વેરિઅન્ટ્સના વેચાણ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી ભેળસેળ અને ગુણવત્તાના ધોરણોનું વારંવાર પાલન ન થવાના તારણો બાદ કરવામાં આવી છે.

SDP ઇન્ડસ્ટ્રીઝ સામે FSSAI ની કાર્યવાહી  

FSSAIએ ડેઝિગ્નેટેડ ઓફિસર મારફતે M/s SDP ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ, રીંગણવાડા, દમણ દ્વારા ઉત્પાદિત, સંગ્રહિત અથવા વેચવામાં આવતા ઘીના તમામ વેરિઅન્ટ્સ પર આગળના આદેશ સુધી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધમાં “શ્રદ્ધા”, “શ્રી સરસ”, “ગોકુલ” સહિતની વિવિધ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.  19 મે 2026ના રોજ FSSAI દ્વારા અમલીકરણ તપાસ અને સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું.

FSSAI
FSSAI takes action against SDP Industries; ban imposed on the company’s ghee production.

આ દરમિયાન કંપની દ્વારા ઉત્પાદિત ઘીના અનેક નમૂના ધોરણો મુજબના ન હોવાનું સામે આવ્યું હતું. લેબોરેટરી તપાસમાં બીટા-સિટોસ્ટેરોલ (Beta Sitosterol) મળી આવ્યું હતું. આ એક વનસ્પતિ સ્ટીરોલ છે, જે શુદ્ધ ઘીમાં હોવું જોઈએ નહીં. આ ઉપરાંત ઘીની ફેટી એસિડ રચના પણ નિર્ધારિત ધોરણો અનુસાર ન હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે ખાદ્ય સુરક્ષા (Food Safety) અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે.

અગાઉ પણ ધોરણોનું પાલન ન કરવાના મામલા

FSSAIના જણાવ્યા મુજબ, SDP ઇન્ડસ્ટ્રીઝના ઘીના ઉત્પાદનોમાં અગાઉ પણ વારંવાર ધોરણોનું પાલન ન થયું હોવાનું સામે આવ્યું છે. 2024 અને જાન્યુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા સર્વેલન્સ અને અમલીકરણના નમૂનાઓમાં પણ બીટા-સિટોસ્ટેરોલ, ફેટી એસિડ પ્રોફાઇલ, B.R. રીડિંગ, R.M. વેલ્યુ, સેપોનિફિકેશન વેલ્યુ અને પોલેન્સ્કે વેલ્યુ જેવા મહત્વના માપદંડોમાં ખામીઓ જોવા મળી હતી.


આ પણ વાંચો : પેકેટ ફૂડ પર ચેતવણી લેબલને લઈ સુપ્રીમ કોર્ટનું સખત વલણ, FSSAIને કોર્ટે કહ્યું- ‘ લોકાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લો’

આ પણ વાંચો : પાન-મસાલાની પેકિંગને લઈને FSSAIનો મોટો નિર્ણય, પ્લાસ્ટિક પાઉચ પર પ્રતિબંધ

આ પણ વાંચો : FSSAIનો મોટો નિર્ણય: Pepsi, Red Bull સહિતની બ્રાન્ડ્સને ‘Energy Drink’ શબ્દ હટાવવા આદેશ