New Delhi News/ પેકેટ ફૂડ પર ચેતવણી લેબલને લઈ સુપ્રીમ કોર્ટનું સખત વલણ, FSSAIને કોર્ટે કહ્યું- ‘ લોકાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લો’

હાઈ શુગર, મીઠું અને ફેટવાળા પેકેટ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIના વલણ પર નારાજગ. કોર્ટે FSSAIને પ્રસ્તાવ પર ફરી વિચારવા બે અઠવાડિયાનો સમય આપ્યો.

India Breaking News

New Delhi News: પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં વધુ પ્રમાણમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ હોવા અંગે ગ્રાહકોને સ્પષ્ટ ચેતવણી આપતા Front-of-Package Warning Labels (FOPL) લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે 13 ઓગસ્ટે Food Safety and Standards Authority of India (FSSAI) સામે નારાજગી વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કોર્ટનો FSSAIને સવાલ: ‘શું ઇન્ડસ્ટ્રીના દબાણમાં છો?’

 જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સવાલ ઉઠાવ્યો કે શું એફએસએસએઆઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીના દબાણમાં આવી રહ્યું છે? કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફેબ્રુઆરીમાં આપવામાં આવેલો અગાઉનો આદેશ માત્ર સૂચન નહોતો, પરંતુ એફએસએસએઆઈ માટે નિર્દેશ હતો. કોર્ટે એફએસએસએઆઈના હાલના પ્રસ્તાવ પર પણ સવાલ ઉઠાવ્યો છે. FSSAIએ પેકેટ પર હાઈ શુગર, હાઈ સોલ્ટ કે હાઈ ફેટ જેવી સીધી ચેતવણી આપવાને બદલે દૈનિક ભલામણ કરાયેલા સેવનના પ્રમાણની માહિતી દર્શાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

એફએસએસએઆઈના પ્રસ્તાવ મુજબ પેકેટ પર ઉમેરવામાં આવેલી ખાંડ, સેચ્યુરેટેડ ફેટ અને મીઠાના દૈનિક ભલામણ કરાયેલા પ્રમાણની માહિતી પિક્ટોરિયલ ફોર્મેટમાં દર્શાવવાની છે. 2024ની ICMR-NIN Dietary Guidelines for Indiansના આધારે ખાંડ માટે 25 ગ્રામ, સેચ્યુરેટેડ ફેટ માટે 10 ગ્રામ અને મીઠા માટે 5 ગ્રામ પ્રતિ દિવસ જેવી મર્યાદાઓ દર્શાવવાની વાત કરવામાં આવી છે.

કોર્ટે (Supreme Court )જોકે કહ્યું કે આ અભિગમ અગાઉના નિર્દેશની ભાવના સાથે સુસંગત નથી. જસ્ટિસ પારડીવાલાએ સવાલ કર્યો કે જો FSSAI આ અંગે કાર્યવાહી નહીં કરે તો શું કોર્ટને પોતે જ આદેશ પસાર કરવો પડશે.

‘શું ભારત હંમેશા અવિકસિત રહે?’

સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે વિદેશોમાં લાગુ પડતા આંતરરાષ્ટ્રીય ધોરણોને ભારતમાં સીધા લાગુ કરી શકાય નહીં, કારણ કે ભારતીય લોકોની ખાણીપીણીની રીત અલગ છે.

આ દલીલ સામે કોર્ટે સખત વલણ અપનાવ્યું. જસ્ટિસ પારડીવાલાએ સવાલ કર્યો કે શું આ અભિગમનો અર્થ એવો થાય છે કે ભારતીયો સ્વસ્થ ખોરાક લઈ શકતા નથી? તેમણે એવો પણ સવાલ કર્યો કે શું ભારતે હંમેશા અવિકસિત રહેવું જોઈએ? કોર્ટે ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે દેશમાં કેટલાં બાળકો ડ્રાય ફ્રૂટ્સ ખરીદી શકે છે અને કેટલાં બાળકો Kurkure જેવા પેકેજ્ડ નાસ્તા ખરીદે છે—આ બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

FSSAIના પ્રસ્તાવ સામે અરજીકર્તાની દલીલ

અરજીકર્તા તરફથી એડવોકેટ રાજીવ શંકર દ્વિવેદી એએફએસએસએઆઈના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી કે માત્ર આંકડાકીય પોષણ માહિતી આપવી અને ચેતવણી લેબલ લગાવવું—બંને સંપૂર્ણપણે અલગ બાબતો છે.

તેમના જણાવ્યા મુજબ, જો પેકેટ પર માત્ર પોષણ સંબંધિત આંકડા આપવામાં આવે તો ગ્રાહકે પહેલા માહિતી વાંચવી પડશે, ત્યારબાદ સંબંધિત આંકડા શોધવા પડશે અને પછી દૈનિક ભલામણ કરાયેલા પ્રમાણ સાથે તેની સરખામણી કરવી પડશે. આ પ્રક્રિયા FOPLના મૂળ હેતુને નબળો પાડે છે. અરજીકર્તા તરફથી વધુમાં રજૂઆત કરવામાં આવી કે ભારતમાં ઘણા લોકો માટે જટિલ પોષણ માહિતી સમજવી મુશ્કેલ બની શકે છે. તેના બદલે કલર-કોડેડ અથવા પિક્ટોરિયલ વોર્નિંગ ગ્રાહકને ઉત્પાદનના સંભવિત સ્વાસ્થ્ય જોખમ અંગે તરત માહિતી આપી શકે છે.

ઉદ્યોગ સંગઠનો વોર્નિંગ લેબલના વિરોધમાં

એફએસએસએઆઈએ 19 માર્ચ, 2026ના Stakeholder Consultationનો પણ ઉલ્લેખ કર્યો હતો. FSSAI મુજબ, મોટાભાગના ઉદ્યોગ સંગઠનોએ સીધા ‘Warning Labels’ લગાવવાનો વિરોધ કર્યો હતો. ઉદ્યોગ સંગઠનોનું માનવું હતું કે ગ્રાહકોને માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરવી જોઈએ, પરંતુ એવી લેબલિંગ પદ્ધતિ ન હોવી જોઈએ જે ગ્રાહકોમાં ભય પેદા કરે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી તરફથી સિનિયર એડવોકેટ મનિન્દર સિંહે પણ FSSAIના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

ફેબ્રુઆરીના આદેશમાં પણ કોર્ટે વ્યક્ત કરી હતી નારાજગી

આ મામલો 3S and Our Health Society દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી સાથે જોડાયેલો છે. 10 ફેબ્રુઆરીના આદેશમાં પણ સુપ્રીમ કોર્ટે એફએસએસએઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા Compliance Affidavit અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

તે સમયે કોર્ટે જણાવ્યું હતું કે અત્યાર સુધી કરવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ‘સકારાત્મક અથવા સારો પરિણામ’ જોવા મળ્યો નથી. કોર્ટે ઉદાહરણ તરીકે ‘High Sodium Level’, ‘High Sugar Level’ અને ‘High Saturated Fat Level’ જેવા સીધા ચેતવણી સંદેશાઓની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું હતું. હવે 13 ઓગસ્ટની સુનાવણીમાં કોર્ટે એફએસએસએઆઈને પોતાના હાલના પ્રસ્તાવ પર ગંભીરતાથી પુનર્વિચાર કરવા માટે વધુ બે અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલો માત્ર પોષણ સંબંધિત માહિતી જાહેર કરવાની ટેકનિકલ કવાયત તરીકે જોવાનો નથી. તેનો મુખ્ય હેતુ જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે, જેમાં ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યને મહત્વ આપવામાં આવ્યું છે.