FSSAI Bans Plastic Packaging for Pan Masala News: પાન-મસાલાનું સેવન કરતા લોકો અને તેના ઉત્પાદકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા પાન-મસાલાની પેકિંગને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર હવે પાન-મસાલાના ઉત્પાદનોની પેકિંગમાં પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ ફોઇલ અને ધાતુયુક્ત સ્તરવાળા પાઉચનો ઉપયોગ કરી શકાશે નહીં.
FSSAI દ્વારા નવા નિયમો તાત્કાલિક લાગુ
આ નવા નિયમોની માહિતી 10 ઓગસ્ટ 2026ના રોજ ભારતના રાજપત્ર એટલે કે ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ ફેરફારો ખાદ્ય સલામતી અને ધોરણો (પેકેજિંગ) સુધારા નિયમો (Food Safety and Standards (Packaging) Amendment Regulations) 2026 હેઠળ કરવામાં આવ્યા છે. ગેઝેટમાં પ્રકાશન બાદ આ નિયમો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે.
હવે કઈ સામગ્રીમાં પેકિંગ કરી શકાશે?
નવા નિયમો પ્રમાણે પાન-મસાલાના ઉત્પાદનોની પેકિંગ માટે કાગળ, પેપરબોર્ડ એટલે કે જાડું કાગળ અથવા ગત્તું, સેલ્યુલોઝ, ટિન, કાચ અને અન્ય કુદરતી રીતે મેળવવામાં આવેલી સામગ્રીનો ઉપયોગ કરી શકાશે. અર્થાત હવે પાન-મસાલાની સામાન્ય પ્લાસ્ટિક પાઉચ પેકિંગને બદલે ઉત્પાદકોએ નિયમોમાં મંજૂર કરવામાં આવેલી વૈકલ્પિક સામગ્રીનો ઉપયોગ કરવો પડશે.

પોલિથીન અને અન્ય સિન્થેટિક સામગ્રી પર રોક
FSSAIના નવા નિયમોમાં પેકિંગ માટે પોલિથીન, પોલીપ્રોપીલિન, પોલિએસ્ટર, PVC અને અન્ય સિન્થેટિક પોલિમર, કોપોલિમર અથવા લેમિનેટ્સના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, એવી પેકિંગ સામગ્રીનો ઉપયોગ પણ કરી શકાશે નહીં જેમાં બહારથી કાગળનું સ્તર હોય પરંતુ અંદરની તરફ અન્ય ધાતુનું કોટિંગ કરવામાં આવ્યું હોય.
પર્યાવરણને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર
આ ફેરફાર પાછળ પર્યાવરણ સંરક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પાન-મસાલાની પ્લાસ્ટિક પેકિંગમાંથી ઉત્પન્ન થતા કચરાને ધ્યાનમાં રાખીને પેકેજિંગમાં પ્લાસ્ટિકના ઉપયોગને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા નિયમોમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 હેઠળના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાન-મસાલા કંપનીઓ માટે હવે શું બદલાશે?
હવે પાન-મસાલા બનાવતી અને વેચતી કંપનીઓએ પોતાની પેકિંગ પ્રક્રિયામાં ફેરફાર કરવો પડશે. અગાઉ પ્લાસ્ટિક પાઉચ અને એલ્યુમિનિયમ ફોઇલવાળી પેકિંગનો વ્યાપક ઉપયોગ થતો હતો, પરંતુ નવા નિયમો બાદ કંપનીઓએ મંજૂર કુદરતી સામગ્રી તરફ વળવું પડશે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ ખાદ્ય પેકેજિંગના ધોરણોને નિયંત્રિત કરવા અને પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણીય નુકસાનને ઘટાડવાનો છે.
આ પણ વાંચો :અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી
આ પણ વાંચો :ગુજરાત હાઈકોર્ટે નળ સરોવરમાં પ્લાસ્ટિક પર મુક્યો કડક પ્રતિબંધ, રામસર સાઇટની જાળવણી માટે મહત્વના આદેશો
આ પણ વાંચો :હાલોલ GIDCમાં ટાસ્ક ફોર્સ ટીમનો સપાટો, પ્રતિબંધિત પ્લાસ્ટિકના યુનિટ પર દરોડા
