Ayodhya News: અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં આવેલી રકમને લઈ વિવાદ સામે આવ્યો હતો. ત્યારે VIP દર્શન માટે પણ સાંઠગાંઠ થતો હોવાનો વિવાદ સામે આવ્યો છે જેને લઈ VIP દર્શન પાસ જારી કરવાની પ્રક્રિયામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ટ્રસ્ટમાંથી ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની જવાબદારી હટાવ્યા બાદ હવે મહંત દિનેન્દ્ર દાસને VIP અને સુગમ દર્શન પાસ માટે ભલામણ કરવાની સત્તા સોંપવામાં આવી છે.
હવે મહંત દિનેન્દ્ર દાસની ભલામણથી મળશે VIP Pass
અયોધ્યાના રામ મંદિરમાં VIP દર્શન પાસ જારી કરવાનો અધિકાર હવે મહંત દિનેન્દ્ર દાસ (Mahant Dinendra Das)ને આપવામાં આવ્યો છે. ટ્રસ્ટે તેમની ID સિસ્ટમમાં સક્રિય કરી છે, જેના આધારે હવે સુગમ દર્શન અને વિશિષ્ટ (VIP) દર્શન પાસ જારી થઈ શકશે.
VIP પાસમાં ગેરરીતિના આરોપ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust)માંથી ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની જવાબદારી સમાપ્ત થયા બાદ તેમની ID સિસ્ટમમાંથી ડિ-એક્ટિવેટ કરવામાં આવી છે. હવે તેઓ VIP પાસ કાઢી શકશે નહીં. આરોપો મુજબ, રામ મંદિરના દાન ચોરી કેસના આરોપી ટિન્નુ યાદવે સેંકડો VIP દર્શન પાસ બનાવ્યા હતા. વધુમાં, અનિલ મિશ્રા અને ચંપત રાયના કેટલાક નજીકના લોકો પર પણ VIP દર્શન પાસમાં ગેરરીતિ આચરી લાખો રૂપિયાની ગેરકાયદેસર કમાણી કર્યાના આરોપો લાગ્યા છે.
પાસ માટે ટ્રસ્ટીની સહમતી ફરજિયાત
રામ મંદિરમાં VIP દર્શન પાસ મેળવવા માટે ટ્રસ્ટીની ભલામણ ફરજિયાત હોય છે. હવે આ જવાબદારી મહંત દિનેન્દ્ર દાસને સોંપવામાં આવી છે. અયોધ્યાના રામ મંદિરમાં દર્શન માટે બે પ્રકારના પાસની વ્યવસ્થા છે, જેમાં ‘સુગમ દર્શન પાસ’ અને ‘વિશિષ્ટ દર્શન (VIP) પાસ’નો સમાવેશ થાય છે. આ પાસ માટે ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓના નામે સિસ્ટમમાં અલગ-અલગ ID બનાવવામાં આવી છે. આ IDના આધારે અધિકૃત ટ્રસ્ટીઓ શ્રદ્ધાળુઓ માટે સુગમ દર્શન અને વિશિષ્ટ દર્શન (VIP) પાસ જારી કરી શકે છે.
ટ્રસ્ટની બેઠકમાં થશે ચર્ચા
ચઢાવાની ગણતરી અને અન્ય વ્યવસ્થાઓ અંગે આગામી 22 જુલાઈએ ટ્રસ્ટની બેઠક યોજાશે. બેઠકમાં ભવિષ્યની વ્યવસ્થાઓ અને દર્શન વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો:ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારાયા, રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં સર્વસંમતિ સધાઈ
આ પણ વાંચો:રામ મંદિરની દાન ગણતરી પ્રણાલીમાં ફેરફાર, સુરક્ષા અને પારદર્શિતા માટે કડક નિયમો લાગુ
આ પણ વાંચો:રામ મંદિર દાન ચોરી કેસ : 5 આરોપીઓની જેલમાં પૂછપરછ
