Rajkot News/ રાજકોટમાં વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવકની ગોળી મારી હત્યા, પિતા-પુત્ર સહિત 3 આરોપીઓ ઝડપાયા

રાજકોટમાં બુલેટ ધીમી ચલાવવાનું કહેતા યુવકની ગોળી મારી હત્યા (Rajkot Murder Case) કરવામાં આવી. FIRમાં પિતા-પુત્રોની ઉશ્કેરણીનો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી.

Top Stories Gujarat Rajkot Breaking News
'પપ્પા, આને મારી જ નાખો...' Rajkot Murder Caseમાં FIRના ચોંકાવનારા ખુલાસા

Rajkot News: રાજકોટ શહેરમાં સામાન્ય બોલાચાલીનો મામલો હત્યા (Rajkot Murder Case) સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના નાનામૌવા ગામ નજીક વાહન ધીમું ચલાવવા અંગે થયેલા વિવાદ બાદ એક યુવક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના થોડા જ કલાકોમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.

સ્પીડ મુદ્દે શરૂ થયો વિવાદ

પ્રાથમિક તપાસ મુજબ, ઘટના 8 જુલાઈની રાત્રે નાનામૌવા ગામતળ વિસ્તારમાં બની હતી. પુરપાટ ઝડપે બુલેટ મોટરસાયકલ ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને એક સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત વધતા બંને વચ્ચે ઝપાઝપી થઈ અને સગીરને થપ્પડ મારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાથી નારાજ સગીરે પોતાના મોટા ભાઈ અને પિતાને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા.

Rajkot Murder Case: હથિયાર સાથે પહોંચ્યા અને કર્યો હુમલો

થોડીવાર બાદ આરોપી પિતા પોતાના બંને પુત્રો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ પહેલા હવામાં ફાયરિંગ કરીને દહેશત ફેલાવી અને ત્યારબાદ કૃષ્ણસિંહ પર નજીકથી ગોળીબાર કર્યો.ગોળી માથા અને પેટના ભાગે વાગતાં કૃષ્ણસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

FIRમાં સામે આવ્યા ચોંકાવનારા આક્ષેપ

પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે હુમલા દરમિયાન આરોપીના બંને પુત્રોએ પોતાના પિતાને વધુ ગોળી ચલાવવા માટે ઉશ્કેર્યા હતા. આ સમગ્ર ઘટના હવે પોલીસ તપાસનો મહત્વનો ભાગ બની છે.ઘટના દરમિયાન વચ્ચે પડેલા મૃતકના 72 વર્ષીય વડીલ સગાને પણ હુમલો કરીને ઇજા પહોંચાડવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ત્રણેય આરોપીઓ ઝડપાયા

હત્યા (Rajkot Murder Case)ની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મુખ્ય આરોપી, તેનો એક પુત્ર અને એક સગીરને રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની હત્યા (Rajkot Murder Case) સહિતની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરશે. રિમાન્ડ દરમિયાન હત્યા (Rajkot Murder Case)માં વપરાયેલ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું, ઘટનાક્રમનું પુનઃનિર્માણ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

પરિવાર પર તૂટી પડ્યું દુઃખ

મૃતક કૃષ્ણસિંહ જાડેજા હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમના અવસાનથી વૃદ્ધ માતા-પિતા ઉપરાંત પાંચ વર્ષના પુત્ર અને દોઢ વર્ષની પુત્રી પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે. સામાન્ય વિવાદે આખા પરિવારને અપૂર્ણિય નુકસાન પહોંચાડતાં સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ છે.


આ પણ વાંચો:રાજકોટના શાપરમાં યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો: યુવકની રહસ્યમય વેશભૂષા જોઈ પોલીસ પણ ચોંકી, હત્યાની આશંકા

આ પણ વાંચો:રાજકોટમાં AAPની પૂર્વ ઉમેદવારનું રહસ્યમય મોત, પરિવારે હત્યાની વ્યક્ત કરી શંકા

આ પણ વાંચો:રાજકોટમાં પત્નીની હથોડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા, અનૈતિક સંબંધની શંકામાં પતિએ કર્યો ખૂની હુમલો