India News: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક કોમોડિટી બજારો પર જોવા મળી રહી છે. તેની સીધી અસર ભારતમાં MCX પર ટ્રેડ થતા સોના અને ચાંદીના વાયદા ભાવ પર પણ પડી છે. આજે બંને કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
સોનાના ભાવમાં (Drop in gold price) ₹750નો ઘટાડો
MCX પર 5 ઓગસ્ટ 2026ની એક્સપાયરી ધરાવતું સોનું અગાઉના બંધ ભાવ ₹1,45,300ની સરખામણીએ ₹1,44,890 પર ખુલ્યું હતું. કારોબાર દરમિયાન સોનાએ ₹1,45,061ની ઊંચી સપાટી અને ₹1,44,500ની નીચી સપાટી સ્પર્શી હતી. સમાચાર લખાય રહ્યા હતા ત્યારે સોનું ₹750 એટલે કે 0.52 ટકાના ઘટાડા સાથે ₹1,44,550 પર ટ્રેડ થઈ રહ્યું હતું.
અમેરિકા-ઈરાન તણાવની અસર કોમોડિટી બજાર પર
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે. તેના પગલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના વાયદા ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે.
ચાંદીમાં ₹3,700થી વધુનો એકઝાટકે કડાકો
MCX પર 4 સપ્ટેમ્બર 2026ની એક્સપાયરી ધરાવતી ચાંદી અગાઉના બંધ ભાવ ₹2,26,377ની સામે ₹2,26,368 પર ખુલ્યા બાદ સતત દબાણમાં રહી હતી. હાલ ચાંદી ₹2,961ના ઘટાડા (Silver Price) સાથે ₹2,23,416 પર ટ્રેડ થઈ રહી છે. દિવસ દરમિયાન ચાંદીએ ₹2,22,600ની નીચી સપાટી નોંધાવી હતી, જેના આધારે કુલ ઘટાડો ₹3,777 સુધી પહોંચ્યો હતો.
રોકાણકારોમાં વધ્યું ટેન્શન
સોના અને ચાંદીમાં એકસાથે આવેલા મોટા ઘટાડાને કારણે કિંમતી ધાતુઓમાં રોકાણ કરનારા રોકાણકારોમાં ચિંતા વધી છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય બજારોની હિલચાલ આગામી દિવસોમાં પણ કિંમતી ધાતુઓના ભાવને પ્રભાવિત કરી શકે છે.
