Surat News: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા પૂરે (Surat Flood ) લાખો લોકોના જીવનને અસર પહોંચાડી છે. અનેક રહેણાંક વિસ્તારોમાં સતત ત્રણ દિવસ સુધી ખાડીનું પાણી ભરાયેલા રહેતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. અનેક પરિવારોને ખોરાક, પીવાનું પાણી, વીજળી અને અન્ય જરૂરી સુવિધાઓ વગર દિવસો પસાર કરવા પડ્યા હતા. આ સ્થિતિ વચ્ચે અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકોનો આરોપ છે કે સમયસર વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ તેમની મદદે પહોંચ્યા નહોતા.
આ જ અસંતોષનો સામનો સુરતના ઉધના વિસ્તારના ભાજપના ધારાસભ્ય મનુ પટેલ (Manu Patel MLA)ને કરવો પડ્યો હતો. તેઓ જ્યારે વોર્ડ નંબર-28ના પાંડેસરા વિસ્તારમાં પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓએ તેમને ઘેરી લઈને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
“ત્રણ દિવસ કોઈ જોવા પણ આવ્યું નહીં”
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે તેમના ઘરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. પરિવારજનોને ખાવા-પીવાની પણ મુશ્કેલી પડી હતી છતાં કોઈ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ તેમની ખબર લેવા આવ્યા નહોતા. મહિલાઓએ આક્ષેપ કર્યો કે મુશ્કેલીના સમયે લોકો પોતાની હાલત પર છોડી દેવામાં આવ્યા હતા.પૂર (Surat Flood )ના ગંદા પાણી વચ્ચે દિવસો પસાર કરનાર પરિવારોમાં હજુ પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્યનો જવાબ
સ્થાનિકોના વિરોધ વચ્ચે મનુ પટેલે (Manu Patel MLA) જણાવ્યું કે તંત્ર દ્વારા ગંભીર અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કુલ સાત સરકારી અને ખાનગી શાળાઓમાં પૂરગ્રસ્તો માટે રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમણે દાવો કર્યો કે જ્યાં સ્થિતિ વધુ ગંભીર હતી ત્યાં રેસ્ક્યૂ ટીમોએ સમયસર કામગીરી કરી હતી. જોકે મહિલાઓએ જવાબ આપ્યો કે તેમના વિસ્તારમાં આવી કોઈ અસરકારક કામગીરી જોવા મળી નહોતી.
વળતર માટે સર્વે જરૂરી
ધારાસભ્યએ લોકોને જણાવ્યું કે સરકાર દ્વારા અધિકૃત સર્વે હાથ ધરવામાં આવશે. જે પરિવારો પોતાના ઘરના નુકસાનની વિગતો સર્વે દરમિયાન નોંધાવશે તેમને જ નિયમો મુજબ સહાય અને વળતર મળી શકશે. તેમણે લોકોને સર્વે દરમિયાન સંપૂર્ણ વિગતો નોંધાવવા અપીલ કરી હતી.
ચૂંટણી અને મતની ચર્ચા
ચર્ચા દરમિયાન એક મહિલાએ આગામી ચૂંટણીમાં મત નહીં આપવાની વાત કરતા વાતાવરણ વધુ ગરમાયું હતું. મહિલાએ કહ્યું કે મુશ્કેલીના સમયે મદદ નહીં મળે તો લોકો પોતાના મત અંગે વિચારશે.તેના જવાબમાં મનુ પટેલે (Manu Patel MLA) જણાવ્યું કે તેઓ મત માંગવા માટે નહીં પરંતુ સેવા કરવા માટે આવ્યા છે. જોકે મહિલાઓએ ચૂંટણી દરમિયાન કરાયેલા વચનો યાદ અપાવતા કહ્યું કે ચૂંટણી સમયે નેતાઓ હાથ જોડીને મત માંગે છે પરંતુ મુશ્કેલીના સમયમાં લોકો એકલા પડી જાય છે.
સેવા ચાલુ રાખવાનો દાવો
વિવાદ વધતો જોઈ ધારાસભ્યએ કહ્યું કે જનસેવાનું કામ તેઓ સતત કરતા રહેશે. ત્યારબાદ તેઓ પોતાના કાર્યકરો સાથે સ્થળ પરથી રવાના થયા હતા. જોકે તેમના જતાં બાદ પણ સ્થાનિકોમાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ પ્રત્યેનો રોષ યથાવત જોવા મળ્યો હતો.
Surat Floodમાં મૃત્યુઆંક 40 પર
સુરતમાં ભારે વરસાદ અને પૂર (Surat Flood ) સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોત નોંધાયા છે. સામે આવેલી વિગતો મુજબ મોટાભાગના મૃત્યુ ડૂબી જવાથી થયા છે, જ્યારે કેટલાક લોકોના મોત વીજ કરંટ લાગવાથી તેમજ ઝાડ અથવા વીજળી પડવાની ઘટનામાં થયા હોવાનું નોંધાયું છે. સૌથી વધુ અસર ડિંડોલી, પુણાગામ, પાંડેસરા, લિંબાયત, ભેસ્તાન, સરથાણા અને ઉન પાટિયા જેવા વિસ્તારોમાં જોવા મળી છે.
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: સુરત-વલસાડમાં જનજીવન ઠપ, 11નાં મોત; CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મુલાકાત
આ પણ વાંચો:સુરતમાં વરસાદી પાણીમાં બે માસૂમના કરુણ મોત
આ પણ વાંચો:રાજ્યમાં ભારે વરસાદે તબાહી મચાવી: જૂનાગઢ, જામનગર-સુરત સહિત અનેક જિલ્લાઓમાં એલર
