- ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની શ્રેણી 2-1થી જીતી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ભારતનો કબ્જો
- ભારત અને ઓસ્ટ્રેલિયા હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટકરાશે
- ભારતને ઓસ્ટ્રેલિયા સામે સળંગ ચોથો શ્રેણી વિજય
- ઓસ્ટ્રેલિયા સામે સળંગ ચાર શ્રેણી જીતનારી ભારત પ્રથમ એશિયન ટીમ
- ભારતે વર્તમાન શ્રેણી વિજય સાથે સળંગ 16 ટેસ્ટ શ્રેણી જીતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. ભારતે આપેલી 91 રનની લીડની સામે ઓસ્ટ્રેલિયાએ સાવચેતીપૂર્વક રમતા બે વિકેટે 175 રન કર્યા પછી બંને કેપ્ટનોએ સંમતિથી મેચ ડ્રો જાહેર કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લબુશેન 63 રન કરી અને કેપ્ટન સ્ટીવ સ્મિથ દસ રન કરી અણનમ રહ્યા હતા. આમ ભારતે ચાર ટેસ્ટની શ્રેણી 2-1થી જીતી હતી. ભારતનો ઘરઆંગણે સતત 16મો શ્રેણી વિજય હતો.
આશ્ચર્યની વાત તો એ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ત્રણ ટેસ્ટનું પરિણામ ત્રણ જ દિવસમાં આવી ગયું હતું અને તેથી ચોથી ટેસ્ટમાં પણ આવી જ આશા રાખવામાં આવતી હતી. પણ અપેક્ષાથી વિપરીત ચોથી ટેસ્ટમાં પાંચ દિવસ મેચ રમાઈ હોવા છતાં પણ પરિણામ જ ન આવ્યુ અને મેચ ડ્રોમાં ગઈ.
પ્રથમ ત્રણેય ટેસ્ટમાં ત્રણ દિવસમાં આવેલા પરિણામથી વિપરીત ચોથી ટેસ્ટમાં બંને ટીમની પહેલી ઇનિંગ જ ચાર દિવસે પૂરી થઈ હતી. બેટિંગ પીચ પર બોલરો સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા તો બેટ્સમેનોએ રનનો ખડકલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા ખ્વાજા અને કેમરૂન ગ્રીનની સદીની મદદથી 480 રન ખડક્યા તો ભારતે ઓપનર ગિલ અને વિરાટ કોહલીની સદીની મદદથી 571 રન ખડક્યા હતા. આના પગલે જ મેચ ડ્રો થશે તે સુનિશ્ચિત થઈ ગયું હતું.
અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ધબડકો કરે તો મેચનું પરિણામ આવે તેવી આશા હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ સાવચેતીપૂર્વકની રમત દાખવી હતી અને ભારતીયોને કોઈ તક આપી ન હતી. ટ્રેવિસ હેડે 1639 બોલમાં દસ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 90 રન કર્યા હતા. આમ તે સદી ચૂકી ગયો હતો. અક્ષર પટેલે વિકેટ ઝડપી હતી. ભારત તરફથી આ સિરીઝમાં અશ્વિન અને જાડેજા સૌથી સફળ સ્પિનર રહ્યા હતા જ્યારે બધાના આશ્ચર્ય વચ્ચે સ્પિનિંગ ટ્રેક હોવા છતાં અક્ષર પટેલને વિકેટો મળી ન હતી. જો કે અક્ષર પટેલે પહેલી અને ચોથી ટેસ્ટ બંનેમાં મહત્વની હાફ સેન્ચુરી મારી હતી. પહેલી ટેસ્ટમાં અક્ષર પટેલે જાડેજા સાથે બીજી ટેસ્ટમાં અશ્વિનની સાથે અને ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલી સાથે નિર્ણાયક ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ બંને ટેસ્ટમાં ભારતીય બેટધરો નિષ્ફળ ગયા હતા ત્યારે અક્ષરની બેટિંગે ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઓસ્ટ્રેલિયા સામે ભારતનો આ સળંગ ચોથો શ્રેણી વિજય છે. આ સાથે ઓસ્ટ્રેલિયા સામે સળંગ ચાર સિરીઝ જીતનારી ભારત પહેલી ટીમ બની ગઈ છે. ભારત આ પહેલા ઘરઆંગણે છેલ્લે 2004માં ટેસ્ટ સિરીઝમાં હાર્યું હતું. જો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટક્કકર અંતિમ નથી. હવે બંને ટીમ ડબલ્યુટીસીની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.
આ પણ વાંચોઃ New Zealand Win/ ટેસ્ટ મેચનો અંતિમ બોલ, વિલિયમ્સનની ડાઇવ અને ભારત ફાઇનલમાં
આ પણ વાંચોઃ Board Exams/ આવતીકાલથી બોર્ડની પરીક્ષાઃ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ પણ વાંચોઃ USA Mango Export/ હવેથી ગુજરાતની કેરીની સીધી અમેરિકા નિકાસ થઈ શકશે
