Clerk Recruitment Dispute: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વહીવટી કામગીરી સંભાળતા ક્લાર્કની અછત હવે શિક્ષણ વ્યવસ્થા માટે મોટો પડકાર બની ગઈ છે. છેલ્લા 19 વર્ષથી Clerkની કાયમી ભરતી ન થતા અને હવે સરકાર દ્વારા ‘કરાર આધારિત’ ભરતીની હિલચાલ શરૂ કરાતા શાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય શાળા સંચાલક મંડળે આ મામલે સરકાર સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.
19 વર્ષનો ઈંતઝાર અને કરાર ભરતી
રાજ્યની અંદાજે 6500 ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ 2007થી કાયમી Clerk ની ભરતી પ્રક્રિયા બંધ છે, જેના કારણે હાલ 4546 શાળાઓમાં ક્લાર્કની જગ્યાઓ ખાલી પડી છે. આ દરમિયાન, શાળા કમિશનર ઓફિસે ખાલી જગ્યાઓ ભરવા માટે કાયમી નિમણૂકને બદલે 11 મહિનાના કરાર આધારિત ‘શાળા સહાયક’ની ભરતી કરવાની દરખાસ્ત શિક્ષણ વિભાગને મોકલી છે, જે વિવાદનું મુખ્ય કારણ બની છે
શા માટે થઈ રહ્યો છે કરાર ભરતીનો વિરોધ?
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ 250 વિદ્યાર્થીઓએ એક ક્લાર્કની જોગવાઈ હતી, જે વધારીને 500 વિદ્યાર્થીઓએ એક કરવામાં આવી. ત્યારબાદ ફિક્સ પગારની જોગવાઈ લાવીને ભરતી પ્રક્રિયા ખોરંભે નાખવામાં આવી. હવે જ્યારે 19 વર્ષ પછી ભરતીની વાત આવી છે ત્યારે સરકાર કાયમીને બદલે 11 મહિનાના કરાર પર કર્મચારી રાખવા માંગે છે.
સંચાલકોનું માનવું છે કે કરાર આધારિત કર્મચારીથી શાળાના ગોપનીય અને વહીવટી કામોમાં સાતત્ય જળવાશે નહીં અને જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલી પડશે.
“કાયમી ભરતી સિવાય કંઈ મંજૂર નથી”
સંચાલક મંડળે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર કરાર આધારિત ભરતીના નિર્ણય પર મક્કમ રહેશે, તો શાળાઓના હિતમાં તેઓ કાયદાકીય લડત લડશે અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે.
