Gandhinagar News/ રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેશે, આજે વરદાયિની માતાજીની પલ્લી યોજાશે

નોમની રાત્રે યોજાતી આ પલ્લીના દર્શન માટે લાખો ભક્તો રૂપાલમાં ઉમટી પડે છે

Gujarat Gandhinagar

Gandhinagar News : વરદાયિની માતાની પલ્લીની પરંપરા ગાંધીનગર: રૂપાલ ગામમાં પાંડવ કાળથી ચાલી આવે છે. જે આજે પણ જીવંત અને ભક્તિભાવથી ભરપૂર છે. દર વર્ષે આસો સુદ નોમના દિવસે યોજાતી આ પલ્લીના દર્શન માટે લાખો ભક્તો દેશ-વિદેશથી ઉમટે છે. આ પરંપરા માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ સર્વધર્મ સમભાવ અને કોમી એકતાનું પ્રતીક પણ છે. માતાજીનો રથ, જે પલ્લી તરીકે ઓળખાય છે. જેના પર પાંચ પાંડવોના પ્રતીક રૂપે જ્યોત પ્રગટે છે. ગામના 27 ચોકમાંથી આ રથ પસાર થાય છે, અને લાખો લિટર ઘીનો તેના પર અભિષેક થાય છે, જેનાથી ઘીની નદીઓ વહેતી હોય તેવો અનોખો નજારો ગામની શેરીઓમાં સર્જાય છે.

પલ્લીની શરૂઆત અને તેનું ઐતિહાસિક મહત્વ

વરદાયિની માતાની પલ્લીની પરંપરા પાંડવોના સમયથી શરૂ થઈ હોવાનું મનાય છે. કહેવાય છે કે, સૌપ્રથમ પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી, પાટણના રાજાએ બાદમાં ખીજડાના લાકડામાંથી પલ્લીનું નિર્માણ કર્યું હતું. આજે પણ રૂપાલ ગામના વિવિધ સમાજના લોકો એક થઈને આ પલ્લીનું નિર્માણ કરે છે. પલ્લીનું નિર્માણ એક સમગ્ર સમાજના સહયોગનું પ્રતીક છે, જેમાં દરેક સમુદાય પોતાની ભૂમિકા નિભાવે છે.

વણકર ભાઈઓ ખીજડાનું લાકડું લાવે છે, સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે, વાળંદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે, અને કુંભાર ભાઈઓ કૂંડા તૈયાર કરે છે. કૂંડામાં કપાસ ભરવાનું કામ મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કરે છે. જ્યારે ફૂલોથી પલ્લીને માળી ભાઈઓ શણગારે છે.પંચાલ ભાઈઓ માતાજીના નિવેદ માટે સવા મણ ખીચડો તૈયાર કરે છે, અને ક્ષત્રિય ચાવડા ભાઈઓ ખુલ્લી તલવાર સાથે પલ્લીની રક્ષા કરે છે. પૂજા-આરતી કરીને કૂંડામાં અગ્નિ પ્રગટાવવાનું કામ પાટીદાર ભાઈઓ કરે છે, અને પલ્લીની પૂજા ત્રિવેદી ભાઈઓ કરે છે. આ રીતે, આ પરંપરાને દરેક સમાજનું યોગદાન વધુ ભવ્ય અને એકતાનું પ્રતીક બનાવે છે.

ઘીનો અભિષેક

પલ્લીની શરૂઆતથી જ તેના પર ઘીનો અભિષેક શરૂ થઈ જાય છે. દર વર્ષે 20 કરોડથી વધુનું ઘી પલ્લી પર ચઢાવવામાં આવે છે, એમ ગામના બાબુભાઈ પટેલનું કહેવું છે. આ ઘી ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ભરીને લાવવામાં આવે છે, અને પલ્લી ગામની શેરીઓમાં ફરે ત્યારે ભક્તો દ્વારા તેના પર ચઢાવવામાં આવે છે. આ ઘીનો અભિષેક એટલો બધો હોય છે કે, ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાય છે. આ ઘી રૂપાલ ગામના લોકો ચઢાવતા નથી, પરંતુ બહારથી આવતા ભક્તો દ્વારા આ ઘી ચઢાવવામાં આવે છે. પલ્લી પૂર્ણ થયા બાદ આ ઘી આસપાસના ગરીબ લોકોમાં વહેંચાય છે.

આ ઘીનું એક અલૌકિક મહત્વ પણ છે. કહેવાય છે કે, જે ટ્રેક્ટરમાં ઘી લાવવામાં આવે છે, તેને કીડી કે કૂતરું પણ સૂંઘી શકતું નથી. આ ઘીને ખુલ્લામાં મૂકવામાં આવે છે, અને ફક્ત વાલ્મિકી સમાજના લોકો જ તેને લઈ જઈ શકે છે. એવું પણ મનાય છે કે, પલ્લીમાં જોડાયેલા ભક્તોના કપડાં ઘીથી ચીકણા થઈ જાય છે, પરંતુ ધોવાથી તેની ચીકાશ દૂર થઈ જાય છે અને કોઈ ડાઘ રહેતો નથી. આ બધું માતાજીના ચમત્કાર તરીકે ગણવામાં આવે છે.

નોમની રાત્રે યોજાતી આ પલ્લીના દર્શન માટે લાખો ભક્તો રૂપાલમાં ઉમટી પડે છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદેશમાંથી પણ ભક્તો આવે છે. રૂપાલ વરદાયિની માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 25થી વધુ સંસ્થાઓ અને હજારો સ્વયંસેવકો આ ઉત્સવમાં સેવા આપે છે. દર વર્ષે 15 લાખથી વધુ ભક્તો આ પલ્લીના દર્શન કરે છે, જે આ ઉત્સવની લોકપ્રિયતા અને મહત્વ દર્શાવે છે.વરદાયિની

માતાનું ધાર્મિક મહત્વ

વરદાયિની માતાનું મંદિર રૂપાલમાં અતિ પ્રાચીન અને અલૌકિક મનાય છે. એવું મનાય છે કે, માતાજી સૃષ્ટિના નિર્માણ સમયથી અહીં બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપોમાંથી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસાવાહિનીના રૂપે માતા વરદાયિની અહીં વિરાજે છે. માતા વરદાયિની ભક્તોના દુઃખ-દર્દ દૂર કરનારી અને મનોકામના પૂર્ણ કરનારી દેવી તરીકે પૂજાય છે. તેમના સ્મરણ માત્રથી જ ભક્તોના કષ્ટોનો નાશ થાય છે.

સર્વધર્મ સમભાવનું પ્રતીક

આ પલ્લી માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સમાજની એકતા અને સહયોગનું પ્રતીક છે. રૂપાલ ગામના તમામ સમાજના લોકો, જેમાં હિન્દુ, મુસ્લિમ અને અન્ય સમુદાયોનો સમાવેશ થાય છે, કોઈપણ ભેદભાવ વિના આ ઉત્સવમાં ભાગ લે છે. આ એકતા અને સમરસતા રૂપાલની પલ્લીને દેશભરમાં પ્રખ્યાત બનાવે છે. આ ઉત્સવમાં લાખો ભક્તોનો ઉમટો, ઘીનો અભિષેક અને વિવિધ સમાજના લોકોનો સહયોગ આ પરંપરાને અનોખી ઓળખ આપે છે.પરંપરાનું સંચાલન
રૂપાલ વરદાયિની માતા મંદિર ટ્રસ્ટ આ પરંપરાને જાળવી રાખવા અને તેને ભવ્ય બનાવવા માટે સતત પ્રયાસ કરે છે.

દર વર્ષે નોમના દિવસે ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાય છે. આ પલ્લી ન માત્ર ગુજરાતના લોકો માટે, પરંતુ દેશ-વિદેશના ભક્તો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે.આમ, રૂપાલની વરદાયિની માતાની પલ્લી એક એવો ઉત્સવ છે, જે ધર્મ, ભક્તિ અને સમાજની એકતાને એકસાથે દર્શાવે છે. આ પરંપરા પાંડવ કાળથી શરૂ થઈને આજે પણ પોતાનું અનન્ય સ્થાન જાળવી રહી છે, અને તેની ભવ્યતા અને આધ્યાત્મિક મહત્વ દરેક ભક્તના હૃદયમાં ઊંડી છાપ છોડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના જુદાજુદા શહેરોમાંથી GST ચોરી ઝડપાઈ

આ પણ વાંચો:નવા GST માળખાની કાર અને બાઇકના ભાવ પર મજબૂત અસર

આ પણ વાંચો:GST બચત મહોત્સવની સાથે, સ્વદેશીના મંત્રને નવી ઉર્જા મળશે: PM મોદી