Ahmedabad News : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે ‘રોબોફેસ્ટ-(Robofest)ગુજરાત 5.0’ ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીએ દેશની સૌથી મોટી રોબો-મેકિંગ સ્પર્ધાની વિજેતા ટીમોને કુલ ₹5 કરોડના ઇનામો એનાયત કર્યા હતા. સમાપન સમારોહમાં મંત્રીએ આગામી વર્ષ માટે ‘રોબોફેસ્ટ ગુજરાત 6.0’ નું પણ લોન્ચિંગ કર્યું હતું.
રોબોફેસ્ટ (Robofest)5.0 ના ગ્રાન્ડ ફિનાલેમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આજનો યુગ રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપ ટેકનોલોજીનો યુગ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ગુજરાતમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની સ્થાપના કરીને જે દૂરંદેશી બતાવી હતી, તેના કારણે ગુજરાત આજે ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. રાજ્યમાં સેમીકન્ડક્ટર સેક્ટરનો વિકાસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. હવે યુદ્ધના મેદાનથી લઈને ઉદ્યોગો સુધી ટેકનોલોજીનું જ વર્ચસ્વ છે અને જે રાષ્ટ્ર પાસે શ્રેષ્ઠ ટેકનોલોજી હશે, તે જ વિશ્વ પર રાજ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

નવીન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશ અને રાજ્યમાં થઈ રહેલા અવિરત વિકાસ અંગે વધુમાં વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સેમીકન્ડક્ટર ચિપ્સ જેવી વિદેશી ટેકનોલોજીને વડાપ્રધાનએ ભારતમાં લાવીને દેશને આત્મનિર્ભર બનાવ્યો છે. ભારત સેમીકન્ડક્ટર ક્ષેત્રે વિશ્વનું હબ બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતના સાણંદ અને ધોલેરામાં સ્થાપિત થઈ રહેલા પ્લાન્ટ્સ મહત્વની ભૂમિકા ભજવશે. આપણા યુવા એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ પાસે આજે રોબોટિક્સ અને ક્વોન્ટમ ટેકનોલોજીમાં અનેક તકો રહેલી છે.
નવી પેઢીના કૌશલ્ય વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે આપણો યુવા વર્ગ અત્યંત પ્રતિભાશાળી છે, જેના પુરાવા આજે શાળાના બાળકોએ બનાવેલા અદ્યતન રોબોટ્સ પરથી મળે છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સતત સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે, જે દર્શાવે છે કે આપણા યુવા ફ્યુચર લીડર્સ નવા ભારતને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વગુરુ બનાવવા માટે સજ્જ છે.

BARCના રોબોટિક્સ ડિવિઝનના હેડ સાયન્ટિસ્ટ અને રોબોફેસ્ટ(Robofest) 5.0ના ટેકનિકલ એડવાઇઝરી કમિટી ચેરમેન ડૉ. દેબાનિક રોયે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચેલી દરેક ટીમ વિજેતા છે, કારણ કે આ સ્પર્ધા માત્ર ઇવેન્ટ પૂરતી મર્યાદિત નથી પણ એક લાંબી લર્નિંગ જર્ની છે. છેલ્લા પાંચ વર્ષમાં ‘રોબોફેસ્ટ’ રાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી સ્પર્ધા બની ગઈ છે, અને આવનારા સમયમાં તે દક્ષિણ-પૂર્વ એશિયાની પણ સૌથી મોટી ઇવેન્ટ બનશે તેવો મને વિશ્વાસ છે. આપણો દેશ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે આપણે સ્વદેશી ટેકનોલોજી વિકસાવીશું. ગુજરાતનું સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દેશમાં સૌથી વધુ સક્રિય છે, જે એપ્લિકેશન બેઝ્ડ રોબોટિક્સ દ્વારા વિદ્યાર્થીઓમાં મેન્યુઅલ સ્કિલ અને ટેકનિકલ અભિગમ કેળવી રહ્યું છે.
GUJCOST ના એડવાઈઝર ડૉ. નરોત્તમ સાહુએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વના પરિણામે સાયન્સ સિટી આજે જિજ્ઞાસા અને સંશોધનનું કેન્દ્ર બની રહી છે. ‘રોબોફેસ્ટ (Robofest)ગુજરાત 5.0’ એ દેશની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા છે, જેમાં આ વર્ષે વિક્રમજનક 2,096 જેટલી ટીમોએ ભાગ લીધો છે. રાજ્ય સરકારની નવી STI પોલિસી હેઠળ આપણે એક એવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ જ્યાં વિદ્યાર્થીઓના આઇડિયા પ્રોટોટાઇપમાં અને પ્રોટોટાઇપ વાસ્તવિક ટેકનોલોજીમાં રૂપાંતરિત થાય. આ સ્પર્ધા માત્ર હરીફાઈ નથી, પરંતુ ભવિષ્યના સ્ટાર્ટઅપ્સ અને ટેકનોક્રેટ્સ તૈયાર કરવાનું એક સબળ માધ્યમ છે, જે આગામી સમયમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરશે.

‘રોબોફેસ્ટ-ગુજરાત 5.0’ એ આ વર્ષે રાજ્ય સ્તરેથી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા તરીકે ઉભરી આવી છે, જેમાં IIT મદ્રાસ, IIT કાનપુર અને IIT બોમ્બે જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા માત્ર એક હરીફાઈ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે આઈડિયા જનરેશનથી લઈને વર્કિંગ પ્રોટોટાઈપ બનાવવા સુધીની એક સંપૂર્ણ શિખવાની સફર બની રહી છે. આ સફર દરમિયાન એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે, સહભાગી ટીમો દ્વારા વિકસાવવામાં આવેલી નવીન ટેકનોલોજી માટે GUJCOST ના પેટન્ટ ઇન્ફોર્મેશન સેલ (PIC) દ્વારા એકસાથે 200 થી વધુ પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે, જે વિદ્યાર્થી સ્તરની સ્પર્ધામાં એક નવો રેકોર્ડ છે.
સમાપન સમારોહમાં ‘રોબોફેસ્ટ-ગુજરાત 5.0’ ના પાંચ વર્ષના સફર પર આધારિત એક વિશેષ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં સહભાગી થયેલા ગુજરાત અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ રોબોટિક મોડલ્સ બનાવનાર વિદ્યાર્થીઓને મંત્રીના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિમલ પટેલ, રોબોફેસ્ટ(Robofest) 5.0ના ટેકનિકલ એડવાઇઝરી કમિટીના કો-ચેરમેન ડો.સુદીપ્તો મુખર્જી સહિત STEM ક્ષેત્રના નિષ્ણાતો, મેન્ટર્સ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રોબોફેસ્ટ-ગુજરાત: ટેકનોલોજી અને સર્જનાત્મકતાનો સંગમ
– રોબોફેસ્ટ (Robofest)ગુજરાત વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન STEM લર્નિંગ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.
– આ વર્ષે AI હોમો-બોટ્સ, ઓટોનોમસ ડ્રાઇવિંગ અને અંડરવોટર વ્હીકલ જેવા સાત અત્યાધુનિક ક્ષેત્રોનો સમાવેશ કરાયો હતો.
– દેશભરમાંથી 2,096 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી 137 ટીમો ફાઈનલ પ્રોટોટાઇપ સ્ટેજ સુધી પહોંચી હતી.
– આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજ્યમાં બૌદ્ધિક સંપદા (IPR) અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મજબૂત બનાવવાનો છે.
ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેનાર ટીમોની વિગતો
– જુનિયર લેવલ: આ કેટેગરીમાં કુલ 11 સંસ્થાઓ (8 શાળાઓ અને 3 પોલિટેકનિક/ટેકનિકલ સંસ્થાઓ) માંથી 13 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 52 સહભાગીઓ હતા, જેમાં 45 છોકરાઓ અને 7 છોકરીઓનો સમાવેશ થાય છે.
– સિનિયર લેવલ: આ કેટેગરીમાં કુલ 10 સંસ્થાઓમાંથી 12 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 48 સહભાગીઓ હતા, જેમાં 41 છોકરાઓ અને 7 છોકરીઓનો સમાવેશ થાય છે.
વિવિધ કેટેગરીના મુખ્ય વિજેતાઓની વિગતો
સ્પર્ધામાં જૂનિયર અને સીનિયર સ્તરે વિવિધ અત્યાધુનિક કેટેગરીમાં વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
– જુનિયર કેટેગરીમાં પ્રથમ વિજેતાને રૂ. 5 લાખ, દ્વિતીય વિજેતાને રૂ. 3 લાખ અને તૃતીય વિજેતાને રૂ. 2 લાખના પ્રાઈઝ મની એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે કોન્સોલેશન પ્રાઈઝ તરીકે રૂ. 1 લાખની રકમ આપવામાં આવી હતી.
– સિનિયર કેટેગરીમાં પ્રથમ વિજેતાને રૂ. 10 લાખ, દ્વિતીય વિજેતાને રૂ. 7.50 લાખ અને તૃતીય વિજેતાને રૂ. 5 લાખના પ્રાઈઝ મની એનાયત કરવામાં આવ્યા હતા.
જૂનિયર લેવલ (Junior Level)ના વિજેતાઓ
AI હોમોબોટ્સ (AI Homobots): પ્રથમ વિજેતા – શ્રી વર્ધમાન વિદ્યાલય, મહેસાણા (રૂ. 5.0 લાખ) અને દ્વિતીય વિજેતા – ગવર્મેન્ટ પોલિટેકનિક, જામનગર (રૂ. 3.0 લાખ).
AI ઓટોનોમસ ડ્રાઇવિંગ બોટ્સ: પ્રથમ વિજેતા – દિલ્હી પબ્લિક સ્કૂલ, આણંદ (રૂ. 5.0 લાખ) અને દ્વિતીય વિજેતા – એમ. યુ. પટેલ ટેકનિકલ હાઈસ્કૂલ (રૂ. 3.0 લાખ).
મેઝ સોલ્વિંગ રોબોટ (Maze Solving Robot): પ્રથમ વિજેતા – કલકત્તા બોયઝ સ્કૂલ (રૂ. 5.0 લાખ) અને દ્વિતીય વિજેતા – જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (રૂ. 3.0 લાખ).
રોબો એથ્લેટિક્સ (Robo Athletics): પ્રથમ વિજેતા – સેન્ટ કબીર સ્કૂલ, અમદાવાદ (રૂ. 5.0 લાખ) અને દ્વિતીય વિજેતા – SSV કેમ્પસ, ગાંધીનગર (રૂ. 3.0 લાખ).
સીનિયર લેવલ (Senior Level)ના વિજેતાઓ
એરિયલ રોબોટિક્સ (Aerial Robotics): પ્રથમ વિજેતા – અજય કુમાર ગર્ગ એન્જિનિયરિંગ કોલેજ (રૂ. 10.0 લાખ) અને દ્વિતીય વિજેતા – BITS પિલાની (રૂ. 7.5 લાખ).
ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV): પ્રથમ વિજેતા – ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ગાંધીનગર (રૂ. 10.0 લાખ) અને દ્વિતીય વિજેતા – બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (રૂ. 7.5 લાખ).
ઓટોનોમસ મેઝ સોલ્વર રોબોટ: પ્રથમ વિજેતા – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT), રાઉરકેલા (રૂ. 10.0 લાખ).
ઇન્ટેલિજન્ટ ગ્રાઉન્ડ વ્હીકલ (IGV): પ્રથમ વિજેતા – પારુલ યુનિવર્સિટી (રૂ. 10.0 લાખ) અને દ્વિતીય વિજેતા – ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નિર્મા યુનિવર્સિટી (રૂ. 7.5 લાખ).
એપ્લિકેશન બેઝ્ડ કેટેગરી (IEEE R10): પ્રથમ વિજેતા – ચારુસેટ (CHARUSAT) યુનિવર્સિટી (રૂ. 10.0 લાખ) અને દ્વિતીય વિજેતા – મધુબેન એન્ડ ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (રૂ. 7.5 લાખ).
