Gujarat News/ ગુજરાત બનશે ગ્લોબલ ટેક હબ! વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ માટે ₹2,633 કરોડનું બજેટ પસાર

ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન અને Technology વિભાગ માટે ₹2,633 કરોડનું બજેટ પસાર. સેમિકન્ડક્ટર, સ્પેસ ટેક અને AI ક્ષેત્રે 50,000 નવી રોજગારીનું લક્ષ્ય.

Top Stories Gujarat Budget 2025-26 Gujarat Others
Gujarat Science and Technology Budget

Gujarat Science and Technology Budget: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત હવે માત્ર ઉદ્યોગોનું જ નહીં, પણ હાઈ-ટેક ટેકનોલોજીનું પણ ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે. વર્ષ 2026-27ના બજેટમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે ₹2,633.72 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં આ મહત્વાકાંક્ષી જોગવાઈઓની જાહેરાત કરી હતી.

Gujarat Science and Technology Budget

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ‘મેડ ઇન ગુજરાત’નો ડંકો

ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ₹1.24 લાખ કરોડનું જંગી રોકાણ આવ્યું છે. માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સી.જી. સેમિ અને કેયન્સ સેમિકોન જેવી વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં પોતાના પ્લાન્ટ સ્થાપી રહી છે, જે પૈકી સાણંદમાં માઇક્રોન પ્લાન્ટમાં તો વ્યાપારી ધોરણે ઉત્પાદન પણ શરૂ થઈ ચૂક્યું છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે બજેટમાં પણ ખાસ જોગવાઈ કરી છે, જેમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગો માટે ₹1,100 કરોડ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો માટે ₹150 કરોડ ફાળવવામાં આવ્યા છે.

Gujarat Science and Technology Budget

સ્પેસ ટેક અને AI માં હરણફાળ

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સ્પેસ ટેક નીતિ 2025-30 અંતર્ગત અવકાશ ક્ષેત્રે સ્ટાર્ટ-અપ અને સેટેલાઈટ ઉત્પાદનને વેગ આપવા માટે ₹25 કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ AI અને ક્વોન્ટમ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ‘ગુજરાત ફ્યુચર ટેક્નોલોજીસ ઈનિશિયેટિવ’ (GFTI) હેઠળ ₹30 કરોડની જોગવાઈ કરાઈ છે, જે અંતર્ગત ગિફ્ટ સિટીમાં Microsoft અને NASSCOM સાથે મળીને અત્યાધુનિક AI સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારનું આગામી લક્ષ્ય ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) ક્ષેત્રે પણ મોટી છલાંગ લગાવવાનું છે, જેના દ્વારા રાજ્યમાં 250 નવા સેન્ટર્સ આકર્ષીને 50,000 જેટલી નવી રોજગારીની તકો સર્જવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર

રાજ્યમાં ટેકનોલોજીકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વના પ્રકલ્પો સાકાર થઈ રહ્યા છે, જે અંતર્ગત IIT ગાંધીનગર ખાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન અને તાલીમ માટે ‘SAMARTH’ હબની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ, અમદાવાદમાં અદ્યતન ટેકનોલોજી શિક્ષણ પૂરૂં પાડવા માટે રાજ્યનું પ્રથમ NIELIT સેન્ટર ટૂંક સમયમાં શરૂ થશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને અત્યાધુનિક સંચાર ક્ષેત્રનો અનુભવ મળી રહે તે માટે GTU અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે એડવાન્સ્ડ 5G યુઝકેસ લેબ સ્થાપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના યુવાનો માટે નવી તકોના દ્વાર ખોલશે.

Bio Technology અને પર્યાવરણ

ગાંધીનગર ખાતે ₹362 કરોડના જંગી ખર્ચે દેશની અત્યંત આધુનિક BSL-4 લેબનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં જોખમી અને ચેપી વાયરસ પર ઉચ્ચ સ્તરીય સંશોધન હાથ ધરાશે. આ સાથે જ દરિયાઈ સંસાધનોના સંશોધન અને બ્લૂ બાયોઇકોનોમીને વેગ આપવા માટે મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર (M-BRIC) વિકસાવવાનું આયોજન છે. આ ઉપરાંત, રમતગમત ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા રમતવીરોની જન્મજાત ક્ષમતાઓને ઓળખવા અને તેને નિખારવા માટે ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ’ નામનો નવો પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.

ડિજિટલ કનેક્ટિવિટી અને સાયન્સ સિટી

ભારતનેટ ફેઝ-3 અંતર્ગત રાજ્યની 14 હજાર ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા માટે ₹190 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે. આ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રુચિ વધારવા માટે અમદાવાદ સાયન્સ સિટીમાં નવી ગેલેરીઓ ઉમેરવાની સાથે પોરબંદરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર અને વાવ-થરાદમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં, મહિલા સશક્તિકરણને વેગ આપવા અને તેમને ટેકનોલોજીના માધ્યમથી આત્મનિર્ભર બનાવવા માટે ₹5 કરોડના ખર્ચે વિશેષ વુમન ટેક્નોલોજી સેન્ટરની સ્થાપના કરવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27નું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, સામાન્ય વહીવટી વિભાગ માટે 2910 કરોડની જોગવાઈ