Vadodara News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઢોલ-નગારા સાથે શક્તિ પ્રદર્શન કરતાં જોવા મળ્યા. અંકિતા પરમારને ટિકિટ મળતાં નારાજ નયના પરમારે પોર બેઠક પરથી અપક્ષ(Independent) ઉમેદવારી નોંધાવી છે. ગત દિવસે બંને પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આજે કાર્યકરો સાથે મોટા પ્રમાણમાં ઉમેદવારી નોંધાવવા જવાનું દ્રશ્ય જોવા મળ્યું. સાથે જ ટિકિટ ફાળવણીને લઈને કેટલાક વિસ્તારોમાં અસંતોષ અને આંતરિક વિવાદ પણ સામે આવ્યા છે.
વોર્ડ નંબર 1માં ભાજપે અંતિમ ક્ષણે ઉમેદવાર બદલવો પડ્યો, કારણ કે અગાઉ જાહેર કરાયેલા ઉમેદવાર રાગ મછારનું નામ મતદાર યાદીમાં નહોતું. તેની જગ્યાએ હવે ભૂરસિંગભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ભાજપે અનેક જુના ચહેરાઓને બદલે 53 નવા ઉમેદવારોને તક આપી છે, જેના કારણે કેટલાક વોર્ડોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે પક્ષને હવે ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પણ પડી રહી છે.

નયના પરમારે પોર બેઠક પરથી અપક્ષ(Independent) ઉમેદવારી નોંધાવી
આ તરફ, સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને ટિકિટ મળતાં નારાજ નયના પરમારે પોર બેઠક પરથી અપક્ષ(Independent) ઉમેદવારી નોંધાવી છે. તેઓ ભાજપનો ખેસ પહેરીને જ ફોર્મ ભરવા પહોંચ્યાં હતાં. નયના પરમારે જણાવ્યું હતું કે તેમની નારાજગી ભાજપ સાથે નહીં પરંતુ અંકિતા પરમાર સાથે છે. તેમણે કહ્યું કે, “અંકિતા પરમાર મને બહેન કહે છે, પરંતુ એકવાર પણ સંપર્ક કર્યો નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે જીત્યા બાદ ફરી ભાજપમાં જ જોડાશે અને પક્ષની વિચારધારા પ્રત્યે વફાદાર રહેશે, ભલે હાઈકમાન્ડ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે.
કોંગ્રેસમાં પણ ટિકિટ ફાળવણીને લઈને અસંતોષ સામે આવ્યો છે. ગત ટર્મમાં વોર્ડ 1માંથી જીતેલા હરીશ પટેલની ટિકિટ કાપવામાં આવી છે, જ્યારે જહાં ભરવાડની પત્નીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી અસંતોષિત હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
હરીશ પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે મોડીરાતે જાહેર થયેલી યાદીથી તમામ આશ્ચર્યમાં મુકાયા હતા. જીતેલા વોર્ડ હોવા છતાં ત્રણ મહિલાઓને ઉમેદવાર બનાવવાનો નિર્ણય અસમંજસપૂર્ણ હોવાનું તેમણે કહ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો વચ્ચે રહીને કામ કર્યું છે અને હવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય અંતિમ છે.
ટિકિટ કપાવાના કારણ અંગે હરીશ પટેલે આક્ષેપ કર્યો કે તેમાં મુકુલ વાસનિકનો હાથ છે અને કેટલાક સ્થાનિક નેતાઓની ચમચાગીરીના કારણે આ નિર્ણય લેવાયો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ ચમચાગીરી કરીને ટિકિટ મેળવવા માંગતા નથી, પરંતુ લોકો માટે કામ કરવા પ્રતિબદ્ધ છે.
આ રીતે, ઉમેદવારી પ્રક્રિયા સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં આંતરિક અસંતોષ અને રાજકીય ખેંચતાણ ખુલ્લેઆમ સામે આવી રહી છે, જે આવનારી ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી શકે છે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
