Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસંગ્રામમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ, આજે તમામ ઉમેદવારો પોતાના સમર્થકો અને ઢોલ-નગારા સાથે શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. એક તરફ ઉમેદવારોમાં જશ્નનો માહોલ છે, તો બીજી તરફ ટિકિટ કપાતા બંને રાષ્ટ્રીય પક્ષોમાં નારાજગી અને બળવાના સૂર ખુલ્લીને સામે આવ્યા છે.
Election: ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાં ન નીકળ્યું!
ટિકિટ વહેંચણીમાં કડક નિયમો લાગુ કરનાર ભાજપની એક મોટી ચૂક સામે આવી છે. ભાજપે વોર્ડ નં. 1 માંથી રાગ મછારને ટિકિટ આપી હતી, પરંતુ અંતિમ સમયે જાણવા મળ્યું કે તેમનું નામ જ મતદાર યાદીમાં નથી! આ મોટી ભૂલ સામે આવતા ભાજપે છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ કરી વોર્ડ 16 ના ભૂરસિંગભાઈ રાઠવાનું નામ જાહેર કરવું પડ્યું હતું. મનપામાં ભાજપે અનેક દિગ્ગજોને સાઈડલાઈન કરી 53 જેટલા નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપનો ખેસ પહેરીને જ નોંધાવી અપક્ષ ઉમેદવારી
ભાજપમાં ટિકિટ ફાળવણીનો વિરોધ રોડ પર આવી ગયો છે. ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને ટિકિટ આપતા, નારાજ થયેલા નયના પરમારે પોર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ રહી કે નયના પરમાર ભાજપનો જ ખેસ પહેરીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
તેમણે સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું કે, “મારો વિરોધ ભાજપ સામે નહીં પરંતુ અંકિતા પરમાર સામે છે. અંકિતા સંગઠનમાં ન હોવા છતાં તેને કેમ ટિકિટ અપાઈ? હું જીતીને ફરી ભાજપમાં જ જઈશ, હાઈકમાન્ડ સસ્પેન્ડ કરશે તો પણ મારી વિચારધારા ભાજપની જ રહેશે.”
‘નેતાઓના ઝભ્ભા પકડવાવાળા નથી’
બીજી તરફ કોંગ્રેસે મધરાતે યાદી જાહેર કરતા અનેક વોર્ડમાં ભડકો થયો છે. ગત ટર્મમાં વોર્ડ 1 માંથી જીતેલા પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કાપી નાખવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે કોંગ્રેસે આ વોર્ડમાં બે પુરુષ અને બે મહિલાની ફોર્મ્યુલા તોડીને ત્રણ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.
ટિકિટ કપાતા રોષે ભરાયેલા હરીશ પટેલે હવે અપક્ષ લડવાનું એલાન કર્યું છે. તેમણે સીધો આરોપ લગાવતા કહ્યું કે, “અમારી ટિકિટ કાપવા પાછળ મુકુલ વાસનિકનો હાથ છે. કેટલાક નેતાઓ ઝભ્ભા પકડીને ચમચાગીરી કરે છે, એટલે તેમને ટિકિટ અપાઈ. અમે પ્રજાના કામ કરવાવાળા છીએ, ચમચાગીરી કરીને અમને ટિકિટ જોઈતી નથી.” ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને પક્ષોમાં થયેલા આ ખુલ્લા બળવાને કારણે આગામી ચૂંટણીનો જંગ અત્યંત રસાકસીભર્યો બની રહેશે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: ફોર્મ ન ભરાતા AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ
