Gandhinagar News/ ગુજરાતના યુવાનો ઇકોસિસ્ટમના સર્જક બન્યા: મંત્રી અર્જુન મોઢવાડિયા

રાજ્યમાં યુવાઓનો વિવિધ સ્વરૂપે અદભૂત બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થઈ રહ્યો છે, જે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ (Ecosystem) ને વધુ વેગ આપે છે

Gandhinagar Gujarat
Ecosystem

Gandhinagar News : ઇન્ક્યુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ (Ecosystem) બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નંબર વન સ્ટેટ બન્યા છીએ. આમ, ભારતીય યુવાનોની ક્ષમતા અને મહેનતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ અને Al ટેકનોલોજીમાં પ્રગતિશીલ રાજ્ય છે‌ તેમ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડીયાએ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી  અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આજે ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ-FTO’ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીના હસ્તે વિવિધ ઇનોવેટર્સને આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ અંતર્ગત કુલ રૂ. 62.84 લાખ, IP કોમર્શિયલાઇઝેશન અંતર્ગત કુલ રૂ. 3 લાખ અને નિધિ પ્રયાસ ગ્રાન્ટ હેઠળ રૂ. 21.50 લાખ એમ કુલ રૂ. 87.34 લાખની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.

ઇનક્યૂબેટર્સ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે કાર્યરત યુવા માટે આજનો વર્કશોપ મિની કુંભ સમાન છે તેમ જણાવી મંત્રી મોઢવાડિયા એ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 2003માં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના થઈ હતી. આ પ્રયાસોને પરિણામે ગુજરાતમાં સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇનક્યૂબેટર જેવું સેન્ટર કાર્યરત થયું છે. ગુજરાતના યુવાનો સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ નવા નવા ઇનોવેશન કરી રહ્યા છે. એક સમય હતો કે કોઈએ સ્ટાર્ટઅપ્સ વિશે સાંભળ્યું જ ન હતું. ઇન્ક્યુબેટર શું છે? તે વિશે વાત પણ થતી ન હતી. જ્યારે આજે સેટેલાઇટ બનાવવા માટે વપરાતા સેમિકન્ડક્ટરની ડિઝાઇન, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ અને પેકેજિંગ એમ બધુ અમદાવાદ ખાતે કાર્યરત ઇસરોમાં ઇન-હાઉસ બને છે. આમ, સેટેલાઇટમાં વપરાતા સેમિકન્ડક્ટરની આખી ઇકોસિસ્ટમ Ecosystemપણ અહી ઉપલબ્ધ છે.

સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ (Ecosystem) ને વધુ વેગ આપે છે

સાણંદના ખોરજ ખાતે આવેલી GIDCમાં દેશની સૌ પ્રથમ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવામાં આવી છે. અહી ભારતીય ડિઝાઇન મુજબ સેટેલાઇટનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં પ્રથમ ત્રણ વર્ષ સુધી 6 સેટેલાઇટ અને ત્યારબાદ ત્રણ વર્ષમાં 12 સેટેલાઈટ બનાવવાનું લક્ષ્ય છે. આમ, રાજ્યમાં યુવાઓનો વિવિધ સ્વરૂપે અદભૂત બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થઈ રહ્યો છે, જે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ (Ecosystem) ને વધુ વેગ આપે છે.

મંત્રીએ કહ્યું હતું કે, નિષ્ફળતા પાછળ જ સફળતા રહેલી છે, એટલે પ્રયત્ન છોડવો જોઈએ નહીં. મને વિશ્વાસ છે કે તમે બધા માર્ગમાં આવતા અવરોધને દૂર કરીને આગળ વધશો. અમેરિકામાં આવેલા સિલિકોન વેલી શહેરમાં ભારતીય યુવાઓ AI, ચેટ GPT જેવા અનેક તકનીકી ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં ધોલેરા સહિત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે, જેથી આ ક્ષેત્રે કામ કરતું દેશનું યુવાધન પરત ફરશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મંત્રીએ કહ્યું હતું કે, દેશના લાંબા દરિયા કિનારા અને વિશાળ સમુદ્રમાં રિચ મિનરલ્સ, ટાઈડલ એનર્જી, ઓફશોર વિન્ડ તેમજ પોરબંદર જેવા વિસ્તારોમાં કિલોમીટર સુધી મડ માઈનિંગની ઓળખ થઈ છે. આ બ્લુ ઇકોનોમી જેવા નવા ક્ષેત્ર દ્વારા વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ગુજરાત, થકી વિકસિત ભારત’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થશે. AI, બાયો ટેકનોલોજી, ક્વોન્ટમ, વિવિધ ઇનોવેશન અંતર્ગત પેટન્ટ, ડેટા સેન્ટર વિકસાવવી જેવી તકો ઝડપીને ગુજરાતની સાથે દેશને આ ક્ષેત્રે આગળ લઈ જવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર યુવાઓને જરૂરી તમામ મદદ કરવા તૈયાર છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સચિવ  પી. ભારતીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં પણ યુવાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આર્થિક ક્ષેત્રે ગુજરાતને ટોપ પાંચમાંથી વર્ષ 2030 સુધીમાં પ્રથમ ત્રણમાં સ્થાન અપાવવા યુવાઓની ભૂમિકા ખૂબ અગત્યની રહેશે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ(Ecosystem)માં છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત પ્રથમ નંબરે છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સ્ટાર્ટઅપ પર વધુ ભાર મૂકવામાં આવશે. આ એક દિવસીય વર્કશોપમાં ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન’ અંતર્ગત યુવાઓને ઈનોવેટીવ આઇડિયા અને માર્ગદર્શન મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

BIRACના એમડી ડો. જિતેન્દ્ર કુમારે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં IP, EIR પ્રોગ્રામ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, બાયો પોલિસી હેઠળ બાયોફાઉન્ડ્રીઝ/હબ્સ અને RDIF થકી 10 હજાર કરતા વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. જેના સ્કેલ-અપ માટે વ્યાપારીકરણ અને કેપિટલ ખૂબ જ જરૂરી છે. વૈજ્ઞાનિકો અને ઇન્ડસ્ટ્રી લીડરોના પ્રયાસોથી IP શેલ્ફથી માર્કેટ સુધી પહોંચશે અને વિકસિત ભારત@2047ને સાકાર કરવા ગુજરાત તેમાં મુખ્ય યોગદાન આપશે.

બાયો-ઇન્ડસ્ટ્રી વેટરન અને પોલિસી એનાલિસ્ટ સુનીલ પારેખે કહ્યું હતું કે, બાયોટેક્નોલોજી ક્ષેત્રે ભારત અને ગુજરાતની પ્રગતિ નોંધનીય છે. વર્ષ 2003ની પ્રથમ પોલિસીથી GSBTMની રચના, રૂ. 50લાખથી શરૂ કરીને રૂ. 35 કરોડ સુધીની સફર અને બાયો ઇકોનોમી, જે GDPમાં 4.25 ટકા યોગદાન આપે છે. જેમાં ગુજરાત 7.8 ટકા જેટલું યોગદાન આપીને ટોપ પાંચ રાજ્યોમાં સામેલ છે. આજે ઔદ્યોગિક પડકારો વચ્ચે IP અત્યંત મહત્વનું છે, જે ઇનોવેશનને સિક્યોર કરે છે, રોકાણને આકર્ષે છે અને સંશોધનને વ્યાપારીય ઉત્પાદનોમાં રૂપાંતરિત કરે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે આઈપી એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર, BIRACના ડીજીએમ ડૉ. વિનિતા જિંદલે કહ્યું હતું કે, ઇનોવેશન માટે IP વ્યૂહરચનાના કેન્દ્રબિંદુ સમાન છે. આજના જ્ઞાન આધારિત અર્થતંત્રમાં ખાસ કરીને બાયોટેક્નોલોજી અને લાઈફ સાયન્સમાં સફળ ઈનોવેશન વધુ સંશોધનથી પ્રાપ્ત થાય છે. જેમાં આઈપી વ્યૂહરચના, માર્કેટ ઍક્સેસ અને જોખમ મૂલ્યાંકનનું કાળજીપૂર્વક આયોજન ખૂબ જરૂરી છે. આજે આયોજિત આ વર્કશોપ આઈપી અંતર્ગત આધારભૂત સમજ અને હેન્ડ્સ-ઓન વ્યવહારિકતા આપશે.

આ કાર્યક્રમમાં STBIના ડિરેક્ટર ડૉ. આનંદ ભડાલકરે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનએ વર્ષ 2047 સુધી વિકસિત ભારતની સ્પષ્ટ વિભાવના આપી છે, તે ટેક્નોલોજીકલ સ્વાવલંબન વિના શક્ય નથી. આઈપી સ્ટ્રેટેજી, ભારતીય ટેક્નોલોજીની ગુણવત્તા અને માર્કેટ એક્સેસ થકી ભારતની વિવિધ ટેક્નોલોજી વિશ્વભરમાં પોતાનું આગવું વર્ચસ્વ ઊભું કરશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ-DST હેઠળ કાર્યરત સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર-STBI અને બાયોટેકનોલોજી ઈન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRACના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વર્કશોપ થકી નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોને વિવિધ ઇનોવેશન અને કોમર્શિયલાઇઝેશનને વેગ આપવા, ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ’, ‘પેટન્ટ એનાલિટિક્સ’ અને ‘ફ્રીડમ ટુ ઓપરેટ’ જેવી બાબતો વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં DST, SVBIT અને BIRACના અધિકારી–કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઇનોવેટર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 આ પણ વાંચો : ગુજરાતમાં સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમના પ્રણેતા છે IAS એમ. નાગરાજન

 આ પણ વાંચો : ભારતને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવશે આ ઇકોસિસ્ટમ

 આ પણ વાંચો : આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ…કેન્દ્રીય બજેટ 2026 અંગે CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા..!