ભારતનાં ઓપનર તરીકે પોતાની પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પહેલો ક્રિકેટર બનનાર ભારતીય બેટ્સમેન રોહિત શર્મા સોમવારે આઇસીસી ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં કારકિર્દીનાં શ્રેષ્ઠ 17 માં ક્રમે પહોંચી ગયો છે.
28 ટેસ્ટમાં પાંચ સદી ફટકારનાર રોહિતે, વિશાખાપટ્ટનમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 176 અને 127 રનની ઇનિંગ્સથી 36 સ્થાનનો કૂદકો લગાવ્યો છે. આ મેચમાં ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ બનાવતા 203 રનથી જીત મેળવી હતી. અન્ય ઓપનર મયંક અગ્રવાલે પ્રથમ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકાર્યા બાદ તેને 38 સ્થાનનો ફાયદો થયો છે અને કારકિર્દીનાં શ્રેષ્ઠ 25 માં ક્રમ પર તે પહોંચ્યો છે. વળી કેપ્ટન કોહલીની વાત કરીએ તો તેણે પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે, જો કે તે જાન્યુઆરી 2018 પછી પહેલી વાર 900 અંકથી નીચે આવ્યો છે. હવે તેની પાસે 899 પોઇન્ટ છે અને તે ઓસ્ટ્રેલિયાનાં ટોચનાં ક્રમાંકિત સ્ટીવ સ્મિથથી 38 પોઇન્ટ પાછળ છે.
બોલરોમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન મેચમાં આઠ વિકેટ ઝડપીને ટોપ 10 માં પાછો ફર્યો છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 145 રન આપી સાત વિકેટ લીધી હતી. પ્રથમ ટોચનાં સ્થાને રહી ચુકેલ અશ્વિને 14 માં સ્થાનથી ચાર સ્થાનની છલાંગ લગાવી છે અને તે પણ ઓલરાઉન્ડરની યાદીમાં પ્રથમ પાંચમાં પહોંચ્યો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કારકીર્દિમાં સર્વશ્રેષ્ઠ 710 પોઇન્ટ સાથે 18 માં સ્થાનેથી 16 માં સ્થાને પહોચી ગયો છે અને તે તેની કારકિર્દીનાં શ્રેષ્ઠ 14 માં ક્રમથી બે સ્થાન પાછળ છે. વળી, રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશનાં શાકિબ અલ હસનને પાછળ કરતા ઓલરાઉન્ડરની શ્રેણીમાં બીજો ક્રમ મેળવવામાં સફળ રહ્યો છે.
વિશાખાપટ્ટનમમાં જીત સાથે ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કોષ્ટકમાં 40 પોઇન્ટનો ફાયદો મેળવ્યા છે અને હવે તેના 160 પોઇન્ટ છે. વેસ્ટ ઇન્ડીઝમાં શ્રેણી 2-0થી જીત્યા બાદ તેણે પૂરા 120 પોઇન્ટ મેળવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
