Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લાડ સોસાયટીમાં ખુલ્લા ફરતા રોટવિલર (Rottweiler) ડોગે 9 વર્ષના બાળક પર હુમલો કરતાં તેને માથા અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ડોગના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
બાળક મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે અચાનક રોટવિલર (Rottweiler)ડોગે તેના પર હુમલો કર્યો
માહિતી અનુસાર, બાળકના પિતા દિનેશભાઈ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. તેઓ પોતાના 9 વર્ષના દીકરાને સાથે લઈ કામ પર ગયા હતા. બાળક બંગલાની બહાર બેસીને મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે અચાનક રોટવિલર (Rottweiler)ડોગે તેના પર હુમલો કર્યો.
હુમલામાં બાળકના માથાના ભાગે કૂતરાના દાંત ઘૂસી ગયા હતા અને આંખની આસપાસ નખ વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના માથામાં ટાંકા લેવા પડ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હુમલો કરનાર રોટવિલર (Rottweiler) લાડ સોસાયટીના એક બંગલામાં રહેતા અલ્પાબેન રાજપૂતનો હતો. ફરિયાદ મુજબ ડોગ ખુલ્લો ફરતો હતો અને તેની દેખરેખ માટે માલિક હાજર નહોતા. ઘટનાના આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ડોગ માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 291 અને 118 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ કલમો હેઠળ દંડ અને કેદની જોગવાઈ કરવામાં આવી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ ડોગને અગાઉ પણ ઘણી વખત ખુલ્લો મૂકવામાં આવતો હતો, જેના કારણે સોસાયટીના બાળકો અને વડીલોમાં ભયનો માહોલ રહેતો હતો. કેટલાક રહીશોએ દાવો કર્યો કે અગાઉ પણ ડોગના કારણે એક વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.
ઘટના બાદ ડોગના રજિસ્ટ્રેશન મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. જાણવા મળ્યું છે કે ડોગનું અગાઉનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયું હતું અને તેનું રીન્યુ સમયસર કરવામાં આવ્યું નહોતું. ઘટનાના દિવસે સાંજે જ ડોગનું રજિસ્ટ્રેશન ફરી કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ડોગ માલિકની જવાબદારી અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
